ઇંગ્લૅન્ડ સિરીઝ બાદ પડતો મુકાતાં નારાજ બૅટરે ગોવા સામે ૧૭૪ બાદ કેરલા સામે ગઈ કાલે ૩૮૯ બૉલમાં ફટાકાર્યા ૨૩૩ રન:કર્ણાટકના જ રવિચન્દ્રન અશ્વિન અને ઝારખંડના શિખર મોહનની પણ બેવડી સદી
					
					
કરુણ નાયરે ૩૮૯ બૉલમાં ૨૩૩ રન ફટકાર્યા હતા.
ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં ત્રીજા રાઉન્ડના ગઈ કાલે બીજા દિવસે ત્રણ-ત્રણ ડબલ સેન્ચુરી જોવા મળી હતી. ઇંગ્લૅન્ડ ટૂર બાદ પડતો મુકાતાં નારાજ કરુણ નાયર સિલેક્ટરોને બૅટ વડે જવાબ આપવાના દૃઢ નિશ્ચય સાથે આ સીઝનમાં મેદાનમાં ઊતર્યો છે. કર્ણાટક વતી રમતાં નાયરે બીજી મૅચમાં ગોવા સામે ૧૭૪ રનની અફલાતૂન ઇનિંગ્સ બાદ ગઈ કાલે કેરલા સામે ૩૮૯ બૉલમાં ૨૩૩ રન ફટકાર્યા હતા. તેના સાથી રવિચન્દ્રન અશ્વિને પણ ૩૯૦ બૉલમાં ૨૨૦ રન સાથે અફલાતૂન સાથ આપ્યો હતો. કર્ણાટકે આ બે ડબલ સેન્ચુરિયનોના જોરે પાંચ વિકેટે ૫૮૬ રન બનાવી દાવ ડિક્લેર કરી દીધો હતો.
આ ઉપરાંત ઝારખંડના ઓપનર શિખર મોહને નાગાલૅન્ડ સામે ૩૦૩ બૉલમાં ૨૦૭ રન બનાવ્યા હતા. આમ ગઈ કાલે બીજા દિવસે ત્રણ ડબલ સેન્ચુરી જોવા મળી હતી.
ADVERTISEMENT
મુંબઈ સામે રાજસ્થાનની ૮૩ રનની લીડ
યજમાન રાજસ્થાને ગઈ કાલે બીજા દિવસે મુંબઈ સામે ૮૩ રનની લીડ લઈને મૅચ પર પકડ મજબૂત કરી દીધી હતી. મુંબઈની પ્રથમ ઇનિંગ્સના ૨૫૪ રનના જવાબમાં રાજસ્થાને દીપક હૂડાના અણનમ ૧૨૧ અને ઓપનર સચિન યાદવના ૯૨ રનના જોરે ૪ વિકેટે ૩૩૭ રન બનાવી લીધા હતા. મુંબઈ વતી તુષાર દેશપાંડેએ બે અને શમ્સ મુલાનીએ એક વિકેટ લીધી હતી.
ગુજરાત-હરિયાણા ટક્કરમાં બીજા દિવસે ૧૪ વિકેટ પડી
અમદાવાદમાં પહેલા દિવસની રમત વરસાદે ધોઈ નાખ્યા બાદ ગઈ કાલે બીજા દિવસે વિકેટોનો વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાત માત્ર ૧૬૩ રનમાં ઑલઆઉટ થયા બાદ હરિયાણાએ દિવસના અંત સુધીમાં ૯૦ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. આમ ગઈ કાલે કુલ ૧૪ વિકેટ પડી હતી. 
બીજી તરફ નાશિકમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર મૅચમાં પણ વરસાદને લીધે અત્યાર સુધી માત્ર ૧૨ ઓવરની જ રમત શક્ય બની છે. એમાં સૌરાષ્ટ્રએ એક વિકેટે ૬૧ રન બનાવી લીધા હતા. જ્યારે વડોદરામાં બરોડા અને ઉત્તર પ્રદેશ મૅચનો બીજો દિવસ પણ વરસાદે ધોઈ નાખ્યો હતો.
		        	
		         
        

