IPLમાં રમવાને કારણે મારી ઇન્ટરનૅશનલ કરીઅરનો અંત આવ્યો, ક્રિકેટ બોર્ડ મારી વિરુદ્ધ થઈ ગયું
પીટરસને ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં બેલ વગાડીને કલકત્તા અને પંજાબની મૅચની શરૂઆત કરાવી હતી.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને IPLના વર્તમાન કૉમેન્ટેટર કેવિન પીટરસને પોતાના ઇન્ટરનૅશનલ ક્રિકેટના અંત વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે એક પૉડકાસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે IPLનાં શરૂઆતનાં વર્ષોમાં મીડિયાનો ઉપયોગ કરીને મારી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. ૪૫ વર્ષના કેવિન પીટરસને કહ્યું હતું કે ‘IPLને પ્રાથમિકતા આપવાના મારા નિર્ણયને કારણે ઘર્ષણ પેદા કર્યું જેણે આખરે રાષ્ટ્રીય ટીમમાં મારું સ્થાન જોખમમાં મૂક્યું. મેં ખૂબ બલિદાન આપ્યું. મારી કરીઅરનો અંત આવ્યો. ક્રિકેટ બોર્ડમાં બધા મારા વિરુદ્ધ થઈ ગયા. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મારી કરીઅરનો અંત આવ્યો ત્યારે હું ૩૩ વર્ષનો હતો અને ૧૦૪ ટેસ્ટ-મૅચ રમ્યો હતો. મારે ૧૫૦-૧૬૦ ટેસ્ટ-મૅચ રમવી જોઈતી હતી અને ૧૨-૧૩ હજાર રન બનાવવા જોઈતા હતા. હું એના માટે લાયક હતો.’ કેવિન પીટરસને મોટો આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘ક્રિકેટ બોર્ડે મારી પાછળ ધ ટેલિગ્રાફ અખબારને લગાવી દીધું હતું. હું આ બાબતમાં વધુ ઊંડાણપૂર્વક જવા માગતો નથી. જોકે હવે હું ખૂબ જ ખુશ અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છું. મારા બલિદાનને કારણે ઇંગ્લૅન્ડની ભાવિ પેઢીને ફ્રૅન્ચાઇઝ ક્રિકેટમાં રમવાની વધુ સ્વતંત્રતાનો આનંદ માણવાનો માર્ગ મોકળો બન્યો. હાલમાં જોસ બટલરે આ બદલ મારો આભાર માન્યો હતો.’
