PSLની આગામી સીઝન જાન્યુઆરીમાં યોજવાનો પ્રસ્તાવ મૂકાયો છે. IPL સાથેની ટક્કર ટાળવા સાથે જાહેરાતની આવક વધારવા માટે આ ફેરફાર અંગે ચર્ચા થઈ છે.
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સુપર લીગ (PSL)ના ૮ ટીમના માલિકોની હાલમાં લંડનમાં ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં આગામી સીઝન જાન્યુઆરીમાં શરૂ કરવા વિશે ચર્ચા થઈ હતી.
આવતા વર્ષની શરૂઆતમાં PSLનું આયોજન કરવાનો પ્રસ્તાવ મીડિયા રાઇટ્સ હોલ્ડર તરફથી આવ્યો છે. આ પગલું એટલા માટે સૂચવવામાં આવ્યું હતું કારણ કે એપ્રિલ-મેના સમયગાળા દરમ્યાન જાહેરાતની આવક ઓછી રહે છે. લીગનો આ સમય રમઝાન પછી આવે છે જે સમયે કંપનીઓ પહેલાંથી જ તેમના માર્કેટિંગ અને ટીવી-બજેટને ખતમ કરી ચૂકી હોય છે. પાકસ્તાન સુપર લીગની ૨૦૧૬થી ૨૦૨૪ની પહેલી નવ સીઝન ફેબ્રુઆરી-માર્ચની વિન્ડોમાં રમાઈ હતી. છેલ્લી બે સીઝનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપને કારણે લીગને એપ્રિલ અને મે સુધી મુલતવી રાખવી પડી હતી જેના કારણે એ ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે ઓવરલૅપ થઈ ગઈ હતી. જોકે IPL સાથે ટક્કર ટાળીને પાકિસ્તાનની આ લીગને જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાની SA20 અને ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ સાથે સ્પર્ધાનો સામનો કરવો પડશે. એ સમયે ઇન્ટરનૅશનલ ક્રિકેટર્સની લીગમાં ઉપલબ્ધતા વિશે પણ સમસ્યા ઊભી થશે.
