યુવતી સાથે પાંચ વર્ષથી સંબંધ રાખી લગ્નનું આપ્યું હતું વચન, સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરી માનસિક, આર્થિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો
ujju.64 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી આ યુવતીએ યશ દયાલ સાથેના ફોટો શૅર કરીને લગાવ્યા ગંભીર આરોપ.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર યશ દયાલ પર ગાઝિયાબાદની એક યુવતીએ જાતીય સતામણી અને માનસિક-શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનો દાવો છે કે તે દયાલ સાથે પાંચ વર્ષથી સંબંધમાં હતી જે દરમ્યાન તેણે કથિત રીતે લગ્નનું વચન આપીને તેને ગેરમાર્ગે દોરી પરિવાર સાથે પરિચય કરાવ્યો હતો અને બાદમાં માનસિક, આર્થિક અને શારીરિક રીતે તેનું શોષણ કર્યું હતું.
અહેવાલ અનુસાર યુવતીને યશની ખરી દાનતની જાણ થઈ ગઈ હતી અને તેના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો હોવાથી તેણે કાનૂની પગલું ભરવાનું નક્કી કર્યું હતું. સ્થાનિક પોલીસ તરફથી મદદ ન મળતાં તેણે રાજ્યના ફરિયાદ પોર્ટલ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કાર્યાલય સુધી વાત પહોંચી ત્યારે FIR દાખલ થયો હતો. યુવતીએ ચૅટ, સ્ક્રીનશૉટ, વિડિયો કૉલ અને ફોટો સહિતના પુરાવા રજૂ કર્યા છે. અહેવાલ અનુસાર પોલીસને તેમની તપાસ પૂર્ણ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે ૨૧ જુલાઈની સમયમર્યાદા આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ યુવતીનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ હાલમાં ભારે ચર્ચામાં છે. તેની જૂની પોસ્ટમાં IPL અને મિત્રો સાથે કરેલા ટૂરના ફોટોમાં બન્ને સાથે જોવા મળ્યાં હતાં. આ યુવતીએ લેટેસ્ટ પોસ્ટમાં યશ દયાલ સાથેની મિરર-સેલ્ફી અને વિડિયો ચૅટનો સ્ક્રીનશૉટ શૅર કરીને ગંભીર આરોપો લગાવ્યા હતા. તેની કમેન્ટ બૉક્સમાં આ ક્રિકેટરના ફૅન્સ યુવતીને ટ્રોલ પણ કરી રહ્યા છે. ૨૭ વર્ષનો યશ IPLમાં ગુજરાત અને બૅન્ગલોર માટે બે-બે સીઝનમાં કુલ ૪૩ મૅચમાં ૪૧ વિકેટ લઈ ચૂક્યો છે. તપાસ ચાલી રહી છે અને યશે હજી સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

