૯૨ બૉલમાં ૧૩૩ રન કર્યા; અક્ષર, સંજુ, તિલક અને પડિક્કલની પણ સદી : અર્શદીપ, હર્ષિત અને વરુણ બોલિંગમાં છવાઈ ગયા
હાર્દિક પંડ્યા
વિજય હઝારે ટ્રોફીની ગઈ કાલની પાંચમા રાઉન્ડની ગ્રુપ-સ્ટેજની ૧૯ મૅચમાં ૧૯ સેન્ચુરી અને ૪૫ જેટલી ૫૦+ રનની ઇનિંગ્સ જોવા મળી હતી. શાર્દૂલ ઠાકુરની આગેવાની હેઠળ વર્તમાન ટુર્નામેન્ટમાં મુંબઈને મહારાષ્ટ્ર સામે પહેલી હાર મળી હતી.
અક્ષર પટેલે આંધ્ર પ્રદેશ સામે પાંચમા ક્રમે રમીને ૧૧૧ બૉલમાં ૧૦ ફોર અને પાંચ સિક્સરના આધારે ૧૩૦ રન કર્યા હતા. અક્ષર પટેલની પહેલી લિસ્ટ-A સદીને કારણે ગુજરાતનો સ્કોર ૯ વિકેટે ૩૧૮ રન થયો હતો. કૅપ્ટન નીતીશ કુમાર રેડ્ડીની ટીમ ૭ વિકેટે ૩૧૧ રન કરીને માત્ર ૭ રને હારી હતી. ગુજરાત માટે અક્ષર પટેલે ૬ ઓવરમાં ૨૭ રન આપીને બે વિકેટ પણ લીધી હતી. રવિ બિશ્નોઈએ ગુજરાત માટે ૯ ઓવરમાં ૬૪ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.
બરોડા માટે આ ટુર્નામેન્ટની વર્તમાન સીઝનની પહેલી મૅચ રમતાંની સાથે હાર્દિક પંડ્યાએ ધમાલ મચાવી હતી. ૩૦.૩ ઓવરમાં જ્યારે બરોડાએ ૧૩૬ રનમાં ૬ વિકેટ ગુમાવી ત્યારે વિદર્ભ સામે હાર્દિક પંડ્યાએ સાતમા ક્રમે રમીને ૧૧ સિક્સર અને ૮ ફોરની મદદથી ૯૨ બૉલમાં ૧૩૩ રન કર્યા હતા. તેણે ૬૮ બૉલમાં પોતાની પહેલી લિસ્ટ-A સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ એક ઓવરમાં ૩૪ રન પણ ફટકાર્યા હતા. બરોડાના ૨૯૩/૯ના સ્કોરની સામે વિદર્ભે ૪૧.૪ ઓવરમાં એક વિકેટે ૨૯૬ રન કરીને ૯ વિકેટની શાનદાર જીત નોંધાવી હતી.
જયપુરમાં ગઈ કાલે સિક્કિમ સામે પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ૧૦ ઓવરમાં ૩૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. સિક્કિમ ૨૨.૨ ઓવરમાં ૭૫ રને ઑલઆઉટ થયું હતું. જવાબમાં પંજાબે ઓપનર પ્રભસિમરન સિંહની ૨૬ બૉલમાં ૫૩ રનની ઇનિંગ્સના આધારે ૬.૨ ઓવરમાં ૮૧ રન કરીને જયપુરમાં ૧૦ રને જીત મેળવી હતી.
પંત ઍન્ડ કંપની જીતના ટ્રેક પર પાછી ફરી
ADVERTISEMENT
છેલ્લે ઓડિશા સામે ૭૯ રને હારનાર દિલ્હીએ ગઈ કાલે સિર્વિસિસ ટીમ સામે ૮ વિકેટે વિજય મેળવીને જીતના ટ્રેક પર વાપસી કરી હતી. દિલ્હીના ફાસ્ટ બોલર હર્ષિત રાણાના ૪૭ રનમાં ૪ વિકેટ અને પ્રિન્સ યાદવના ૨૮ રનમાં ૩ વિકેટના પ્રદર્શનના કારણે સર્વિસિસની ટીમ ૪૨.૫ ઓવરમાં ૧૭૮ રન જ કરી શકી હતી. દિલ્હીએ પ્રિયાંશ આર્યની ૪૫ બૉલમાં ૭૨ રન અને કૅપ્ટન રિષભ પંતની ૩૭ બૉલમાં ૬૭ રનની ઇનિંગ્સના આધારે ૧૯.૪ ઓવરમાં ૧૮૨/૨ના સ્કોરના આધારે જીત મેળવી હતી.
આ મૅચનાં રિઝલ્ટ પણ રહ્યાં ચર્ચામાં
- ઝારખંડે કુમાર કુશાગ્રના ૧૪૩ રન અને અનુકુલ રૉયના ૭૨ રનની મદદથી ૭ વિકેટે ૩૧૧ રન બનાવ્યા. જોકે કેરલાએ ૪૨.૩ ઓવરમાં સંજુ સૅમસનની ૯૫ બૉલમાં ૧૦૧ રનની શાનદાર ઇનિંગ્સની મદદથી બે વિકેટે ૩૧૩ રન કરીને ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.
- હૈદરાબાદના કૅપ્ટન તિલક વર્માએ ૧૧૮ બૉલમાં ૧૦૯ રન ફટકારીને ટીમનો સ્કોર ૨૮૬/૯ કર્યો હતો. જવાબમાં ચંડીગઢ ૩૭.૪ ઓવરમાં ૧૫૦ રને ઑલઆઉટ થતાં ૧૩૬ રને હૈદરાબાદી ટીમ જીતી હતી.
- રાજસ્થાનના ૨૨૫ રનના ટાર્ગેટ સામે તામિલનાડુ ૨૧૫ રન જ કરી શકતાં ૧૦ રને હાર મળી હતી. દીપક હુડ્ડાએ રાજસ્થાન માટે ૭૦ રન ફટકાર્યા હતા. સ્પિનર વરુણ ચક્રવર્તીએ રાજસ્થાન સામે ૧૦ ઓવરમાં પચીસ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. નારાયણ જગદીસનના ૭૧ રન અને વૉશિંગ્ટન સુંદરના ૩૬ રન છતાં તામિલનાડુ હાર્યું હતું.
- કર્ણાટકની ટીમે શાનદાર બૅટિંગ-પ્રદર્શન કરીને ૩૩૨-૭ રન બનાવ્યા. દેવદત્ત પડિક્કલે તેરમી લિસ્ટ-A સદી ફટકારીને ૧૨૦ બૉલમાં ૧૦૮ રન બનાવ્યા. એ આ સીઝનની તેની ચોથી સદી પણ હતી. કે. એલ. રાહુલે ૨૮ બૉલમાં ૩૫ રન કર્યા હતા. ત્રિપુરા ૨૫૨ રન જ કરી શક્યું હોવાથી કર્ણાટક ૮૦ રને જીત્યું હતું.
- સમીર રિઝવીના ૮૦, ધ્રુવ જુરેલના પંચાવન અને રિન્કુ સિંહના ૪૧ રનના આધારે ઉત્તર પ્રદેશે પાંચ વિકેટે ૩૨૧ રન કર્યા હતા. જમ્મુ ઍન્ડ કાશ્મીર ૮ વિકેટે ૨૬૪ રને અટકી જતાં યુપી ૫૮ રને જીત્યું હતું.
- કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરનના ૧૧૬ બૉલમાં ૧૦૨ રન અને શાહબાઝ અહમદના અણનમ ૬૬ રનની મદદથી બંગાળે ૭ વિકેટે ૩૦૨ રન બનાવ્યા. આસામ ૪૨.૧ ઓવરમાં ૨૧૭ રન જ કરી શક્યું. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બંગાળ માટે ૯ ઓવરમાં પંચાવન રન આપીને ૩ વિકેટ લીધી હતી.


