ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને કચડીને બૅન્ગલોરે વિજયી શરૂઆત કરી, અંતિમ ૧૨ બૉલમાં ૨૯ રન ચેઝ કરીને બૅન્ગલોરે બાજી મારી, નદીન ડી ક્લર્ક બની મૅચની હીરો
બૅટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને બૅન્ગલોરની સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર નદીન ડી ક્લર્કે ધમાલ મચાવી હતી.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની પહેલી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને ૩ વિકેટે હરાવીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ વિજયી શરૂઆત કરી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર મુંબઈએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૫૪ રન કર્યા હતા. એના જવાબમાં બૅન્ગલોરની ટીમે અંતિમ ૧૨ બૉલમાં ૨૯ રન કરી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૭ રન કરીને શાનદાર જીત નોંધાવી હતી.
બૅન્ગલોર માટે ઓપનર ગ્રેસ હૅરિસે ૧૨ બૉલમાં ૨૫ રન અને કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૧૩ બૉલમાં ૧૮ રન કરીને સારી શરૂઆત કરી હતી. ન્યુ ઝીલૅન્ડની સ્પિનર મેલી કેરે ૪ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને બે વિકેટ લીધી હતી. એને કારણે બૅન્ગલોરને મિડલ-ઓવર્સમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ૭.૪ ઓવરમાં બૅન્ગલોરે ૬૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
અરુંધતી રેડ્ડીએ ૨૫ બૉલમાં ૨૦ રન અને નદીન ડી ક્લર્કે ૪૪ બૉલમાં ૭ ફોર અને ૨ સિક્સની મદદથી ૬૩ રન ફટકાર્યા હતા. ૧૯મી ઓવરમાં ૧૧ રન કર્યા બાદ અંતિમ ઓવરમાં જીત માટે ૧૮ રનની જરૂર હતી ત્યારે નદીન ડી ક્લર્કે પહેલા બે બૉલ પર રન નહોતા કર્યા. જોકે તેણે ફાસ્ટ બોલર નેટ સીવર-બ્રન્ટની અંતિમ ઓવરમાં છેલ્લા ૪ બૉલમાં ૬, ૪, ૬, ૪ રન ફટકારીને બાજી મારી લીધી હતી.


