વર્ષ ૨૦૧૩માં છેલ્લી વાર ભારત માટે રમનાર સેહવાગે વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ પહેલાં નિવૃત્તિ વિશે વિચારી લીધું હતું, પરતું માસ્ટરબ્લાસ્ટર સચિને તેને વધુ રમવા માટે મનાવી લીધો હતો.
વીરેન્દર સેહવાગ
ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગે પોતાની કરીઅરની સૌથી મુશ્કેલ તબક્કામાં મળેલી સચિન તેન્ડુલકરની સલાહ વિશે મોટો ખુલાસો કર્યો છે. વર્ષ ૨૦૧૩માં છેલ્લી વાર ભારત માટે રમનાર સેહવાગે વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ પહેલાં નિવૃત્તિ વિશે વિચારી લીધું હતું, પરતું માસ્ટરબ્લાસ્ટર સચિને તેને વધુ રમવા માટે મનાવી લીધો હતો.
૪૬ વર્ષના સેહવાગે એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૦૭-’૦૮માં ઑસ્ટ્રેલિયામાં (કૉમનવેલ્થ બૅન્ક વન-ડે સિરીઝ)ની મેં પાંચમાંથી ત્રણ મૅચ રમી અને પછી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મને ટીમમાંથી ડ્રૉપ કર્યો હતો. પછી મને લાગ્યું કે જો હું પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન બની શકું તો મારા વન-ડે ક્રિકેટ રમવાનો કોઈ અર્થ નથી.’
ADVERTISEMENT
સેહવાગે વધુમાં કહ્યું હતું કે પછી હું તેન્ડુલકર પાસે ગયો અને વન-ડેમાંથી નિવૃત્તિ વિશેનો વિચાર જાણાવ્યો. ત્યારે સચિને કહ્યું કે ‘ના, હું પણ ૧૯૯૯-૨૦૦૦માં આવા જ તબક્કામાંથી પસાર થયો હતો જ્યારે મને લાગ્યું કે મારે ક્રિકેટ છોડી દેવું જોઈએ, પરંતુ એ તબક્કો આવ્યો અને ગયો. તું મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ એ પસાર થઈ જશે. જ્યારે ઇમોશનલ હો ત્યારે કોઈ નિર્ણય ન લો. તારી જાતને થોડો સમય આપ અને એક-બે સિરીઝ રમ્યા બાદ નિર્ણય લે.’
ત્યાર બાદ સેહવાગે સારું પ્રદર્શન કરીને વર્ષ ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપમાં જગ્યા બનાવીને વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

