શોએબ અખ્તરે કંગાળ પ્રદર્શન કરનાર પાકિસ્તાનની મેન્સ ટીમને માર્યો ટૉન્ટ...
શોએબ અખ્તર
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં પાકિસ્તાનની કારમી હાર જોઈને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો છે. એક શોમાં ચર્ચા દરમ્યાન ૫૦ વર્ષના શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમના સામૂહિક ઇરાદાના અભાવની ટીકા કરી હતી.
શોએબ અખ્તર કહે છે, ‘અમારા સમયમાં અમારી પાસે અભિવ્યક્ત અને વિસ્ફોટક પ્રતિભા હતી અને અમે એ રીતે રમતા હતા. અમે ક્યારેય કોઈ એક વ્યક્તિ પર આધાર રાખતા નહોતા. ટીમના દરેક પ્લેયરે ફાળો આપ્યો હતો. કોઈએ ભાગી જવાના રસ્તા શોધ્યા નહોતા. વાતાવરણ બદલાયું છે અને છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં ટીમની દરેક વ્યક્તિએ પોતાને માટે રમવાનું શરૂ કર્યું છે. પ્લેયરનો ઉદ્દેશ દેશ માટે મૅચ જીતવાનો હોવો જોઈએ.’
ADVERTISEMENT
શોએબે સલાહ-સૂચન આપતાં કહ્યું હતું કે ‘આપણે આપણો ઉદ્દેશ, માનસિકતા બદલવાની અને વાતાવરણ બનાવવાની જરૂર છે. તમારે આધુનિક ક્રિકેટ અનુસાર રમવાની જરૂર છે એ સમજવું કેટલું મુશ્કેલ છે? જો થોડી સીમ બોલિંગ હોય તો આપણા પ્લેયર્સ માટે એ મૅચ મુશ્કેલ બની જાય છે. તમે રાવલપિંડીની પિચ સાથે લઈને નહીં ફરી શકો.’
રાવલપિંડી જેવી ફ્લૅટ અને બૅટિંગ-ફ્રેન્ડ્લી હોમ પિચ પર વધુપડતી નિર્ભરતા રાખતા પાકિસ્તાનના બૅટર્સ વેસ્ટ ઇન્ડીઝ ટૂરની અંતિમ અને નિર્ણાયક વન-ડેમાં ૨૯૫ રનના ટાર્ગેટ સામે ૯૨ રને ઑલઆઉટ થઈ ગયા હતા.

