અરે બેન સ્ટોક્સ, મૈં નીચે મારને ગઈ થી પર બૉલ ઉપર ચલી ગઈ, પતા નહીં કહાં સે ટપક ગઈ વો, મેરી થોડી ગલતી હૈ ઇસમેં
બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ માન્ધના
નવી મુંબઈમાં શનિવારે દિલ્હી કૅપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે WPL 2026ના પહેલા તબક્કાની અંતિમ મૅચ રમાઈ હતી. આ મૅચમાં બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ માન્ધના ૬૧ બૉલમાં ૧૩ ફોર અને ૩ સિક્સની મદદથી ૯૬ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. WPLમાં તે સૌથી મોટો સ્કોર કરનાર ભારતીય પ્લેયર બની હતી.
સ્ટાર બૅટર સ્મૃતિ પાસે ૪ રન ફટકારીને WPLની શતકવીર બનવાની તક હતી. જોકે પેસ બોલર નંદની શર્માની ઓવરમાં તે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર લ્યુસી હૅમિલ્ટનની શાનદાર ડાઇવને કારણે કૅચઆઉટ થઈ ગઈ હતી. ૯૬ રનની ઇનિંગ્સ રમ્યા બાદ સ્મૃતિને આખા સ્ટેડિયમમાં હાજર લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
મૅચ બાદ સ્મૃતિ માન્ધનાની સાથી પ્લેયર્સ રિચા ધોષ, રાધા યાદવ અને શ્રેયન્કા પાટીલ સાથેની ક્યુટ ગપસપનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોની શરૂઆતમાં સ્મૃતિએ કહ્યું હતું કે ‘અરે બેન સ્ટોક્સ, મારને થોડી ગઈ થી મૈં. નીચે હી મારને ગઈ થી મૈં, પર બૉલ ઉપર ચલી ગઈ. પતા નહીં વો ફીલ્ડર કહાં સે ટપક ગઈ. મેરી થોડી ગલતી હૈ ઇસમેં. અભી વો ફોર ચલા જાતા તો તાલિયાં બજાતે હોતે સબ.’
રાધા યાદવે કૅમેરા તરફ જોઈને મજાક કરતાં કહ્યું હતું કે ‘૧૦૦ નહીં મારતી હૈ યે... ક્યા હૈ યે, હટ. કિતના પ્રેયર કિયા હમને ઉસકે લિએ.’
અંતે શ્રેયન્કા પાટીલ ટૂંક સમયમાં સ્મૃતિ માન્ધના સદી ફટકારશે એવી આશા વ્યક્ત કરતી જોવા મળી હતી. રિચા ઘોષ આ ચર્ચામાં તમામને શાંત રાખતી જોવા મળી હતી.
50: WPLમાં આટલી સિક્સ ફટકારનાર પહેલી બૅટર બની શફાલી વર્મા.
ADVERTISEMENT
પહેલી વખત કોઈ ટીમે ૧૦ રનની અંદર ૪ વિકેટ ગુમાવી, છતાં ૧૬૬ રન ફટકાર્યા
શનિવારે ડબલ હેડરની બીજી ટક્કરમાં દિલ્હી કૅપિટલ્સે ૧.૩ ઓવરમાં ૧૦ રનના સ્કોરમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી છતાં દિલ્હીએ ઓપનર શફાલી વર્માના ૬૨ રનના આધારે ૨૦ ઓવરમાં ૧૬૬/૧૦નો સ્કોર કર્યો હતો. WPLમાં ૨૦ રનના સ્કોરની અંદર ૪ વિકેટ ગુમાવ્યા બાદ કરવામાં આવેલો આ સૌથી મોટો સ્કોર પણ બન્યો હતો. સ્મૃતિ માન્ધના અને જ્યૉર્જિયા વૉલે બૅન્ગલોર માટે સૌથી મોટી ૧૪૨ રનની ભાગીદારી કરીને ૧૮.૨ ઓવરમાં ૧૬૯ રન કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી.


