Sports Updates: ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવનમાંથી ઇન્જર્ડ માર્ક વુડ આઉટ, ઑલરાઉન્ડર વિલ જૅક્સ ઇન; લીઅનલ મેસી સાથેની ફ્રેન્ડ્લી મૅચ માટે તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ શરૂ કરી ટ્રેઇનિંગ અને વધુ સમાચાર
મોહમ્મદ શમી
મોહમ્મદ શમીની કાતિલ હેરસ્ટાઇલ
ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવી રહેલા મોહમ્મદ શમીની હેરસ્ટાઇલ હાલમાં સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. તેની નવી IPL ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે પણ તેના નવા લુકનો ફોટો શૅર કરીને યંગ સેન્સેશન ગણાવ્યો હતો. હૈદરાબાદમાં તેણે ફેમસ હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમ પાસેથી આ લુક મેળવ્યો હતો. હાલમાં ૩૫ વર્ષના આ ફાસ્ટ બોલરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ તરફથી ૪ મૅચમાં પાંચ વિકેટ ઝડપી છે.
ADVERTISEMENT
બ્રિસબેન ટેસ્ટ-મૅચ માટે ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવનમાંથી ઇન્જર્ડ માર્ક વુડ આઉટ, ઑલરાઉન્ડર વિલ જૅક્સ ઇન
ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડની ટીમે બીજી મૅચ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે. પહેલી ટેસ્ટ-મૅચની પ્લેઇંગ ઇલેવનમાંથી માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે બાકીની ટીમ યથાવત્ રહેશે. ફાસ્ટ બોલર માર્ક વુડ ઇન્જર્ડ હોવાથી તેના સ્થાને ઑલરાઉન્ડર વિલ જૅક્સ બ્રિસબેન ટેસ્ટ-મૅચમાં રમતો જોવા મળશે. અનુભવી માર્ક વુડ પર્થ ટેસ્ટ-મૅચમાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. ૨૭ વર્ષનો સ્પિન ઑલરાઉન્ડર વિલ જૅક્સ ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં પહેલવહેલી મૅચ રમશે. તેણે ૨૦૨૨માં પાકિસ્તાન સામે જ બે ટેસ્ટ-મૅચ રમી હતી જેમાં તેણે ૮૯ રન કરીને ૬ વિકેટ ઝડપી હતી. અગાઉ ઑસ્ટ્રેલિયાએ કોઈ પણ ફેરફાર વગર બીજી ટેસ્ટ-મૅચ માટે ૧૪ સભ્યોની સ્ક્વૉડ યથાવત્ રાખી હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલા દિવસે ન્યુ ઝીલૅન્ડે ૭૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૩૧ રન કર્યા
ક્રાઇસ્ટચર્ચમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ૩ ટેસ્ટ-મૅચની સિરીઝનો પહેલો દિવસ વરસાદથી પ્રભાવિત રહ્યો. વરસાદના વારંવારના વિઘ્નને કારણે ૭૦ ઓવરની રમત રમી શકાઈ જેમાં યજમાન ટીમે ૯ વિકેટ ગુમાવીને ૨૩૧ રન કર્યા હતા. કેન વિલિયમસને ફિફ્ટી ફટકારીને કૅરિબિયન ટીમ સામે ૧૦૦૦ ટેસ્ટ-રન પણ પૂરા કર્યા હતા.
સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસી સાથેની ફ્રેન્ડ્લી મૅચ માટે તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ શરૂ કરી ટ્રેઇનિંગ

આર્જેન્ટિનાનો સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસી GOAT ઇન્ડિયા ટૂર દરમ્યાન ૧૩ ડિસેમ્બરે હૈદરાબાદમાં હાજરી આપશે. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમના મેદાન પર યોજાનારી આ ઇવેન્ટ દરમ્યાન મેસી એક ફ્રેન્ડ્લી મૅચ પણ રમશે. ફુટબૉલ સહિતની રમતના શોખીન તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી પણ આ મૅચ દરમ્યાન મેદાન પર રમશે. આ મૅચ પહેલાં રેવંત રેડ્ડીએ ફુટબૉલ માટે પોતાના શરીરને ફિટ કરવા ટ્રેઇનિંગ શરૂ કરી છે. ૫૬ વર્ષના રેવંત રેડ્ડી લોકલ ફુટબૉલર સાથે ટ્રેઇનિંગ દરમ્યાન પોતાની ફુટબૉલ-સ્કિલ દેખાડતા જોવા મળ્યા હતા.


