IPL 2025 દરમ્યાન વિરાટ કોહલીએ પોતાના સાથીપ્લેયર સ્વસ્તિક ચિકારાને કહ્યું હતું...
સ્વસ્તિક ચિકારા, વિરાટ કોહલી
ઉત્તર પ્રદેશનો ૨૦ વર્ષનો ક્રિકેટર સ્વસ્તિક ચિકારા હજી સુધી IPL ડેબ્યુ કરી શક્યો નથી, પરંતુ છેલ્લી સીઝનમાં તે વિરાટ કોહલીની સૌથી નજીક રહેવાને કારણે ચર્ચામાં હતો. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલીને આખી સીઝન દરમ્યાન મેદાન પર કોઈ પણ વસ્તુની જરૂર પડી હોય ત્યારે આ યંગ બૅટર તેના પડછાયાની જેમ તેની આસપાસ રહ્યો હતો. કોહલીએ ૧૫ મૅચમાં ૬૫૭ રન ફટકારીને પોતાની ટીમને પહેલી વાર IPL ચૅમ્પિયન બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં ચિકારાએ ખુલાસો કર્યો કે જિમમાં તેને વિરાટ કોહલીએ કહ્યું કે ‘જ્યાં સુધી હું સંપૂર્ણપણે ફિટ રહીશ ત્યાં સુધી હું ક્રિકેટ રમીશ, હું ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે નહીં રમીશ, હું સિંહની જેમ રમીશ, હું આખી ૨૦ ઓવર ફીલ્ડિંગ કરીશ અને પછી બૅટિંગ કરીશ, જે દિવસે મને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવાનું થશે ત્યારે હું ક્રિકેટ છોડી દઈશ.’
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર કેટલાક ફૅન્સ આ નિવેદનને રોહિત શર્મા પર મારેલા ટૉન્ટ તરીકે જોઈ રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સનો ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા છેલ્લી IPL સીઝનમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બૅટિંગ કરવા માટે જ ઊતરતો હતો.

