ધ હન્ડ્રેડની સૌથી સફળ ટીમ ઓવલ ઇન્વિન્સિબલ્સની મેન્સ અને વિમેન્સ ટીમ હવે MI લંડન તરીકે ઓળખાશે
ધ હન્ડ્રેડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રૅટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ અને સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે ગઈ કાલે ધ હન્ડ્રેડમાં ઓવલ ઇન્વિન્સિબલ્સ ફ્રૅન્ચાઇઝીમાં તેમની ભાગીદારીની જાહેરાત કરી હતી. સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે પોતાની પાસે ૫૧ ટકા હિસ્સો રાખીને ૪૯ ટકા હિસ્સો રિલાયન્સને આપ્યો છે.
આ નવી ભાગીદારી હેઠળ ઓવલ ઇન્વિન્સિબલ્સ મેન્સ અને વિમેન્સ ટીમ બન્ને ટીમ ૨૦૨૬થી MI લંડન તરીકે ઓળખાશે. વિશ્વભરમાં ૧૩ લીગ ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI) ફ્રૅન્ચાઇઝીએ ધ હન્ડ્રેડની સૌથી સફળ ટીમ પર દાવ લગાવ્યો છે. આ ટીમ પાંચ વર્ષમાં પાંચ ટાઇટલ જીતી છે. મહિલા ટીમ પ્રથમ બે વર્ષનાં ટાઇટલ જીતી હતી અને ૨૦૨૩થી ૨૦૨૫ દરમ્યાન મેન્સ ટીમ સતત ત્રણ ટાઇટલ જીતી હતી.


