લૉસ ઍન્જલસ આૅલિમ્પિક્સમાં ક્રિકેટ રમવા માટે નિવૃત્તિમાંથી યુ-ટર્નના તેણે સંકેત આપ્યા
ઉસૈન બોલ્ટ
જમૈકાના દોડવીર ઉસૈન બોલ્ટે આ વખતે લૉસ ઍન્જલસમાં યોજાનારી ૨૦૨૮ ઑલિમ્પિક ગેમ્સથી મેદાન પર પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે ૩૯ વર્ષનો ઉસૈન બોલ્ટ રેસના ટ્રૅક પર નહીં પણ ક્રિકેટના મેદાનથી વાપસી કરવા માગે છે. ૧૨૮ વર્ષની ગેરહાજરી પછી ક્રિકેટ ઑલિમ્પિક્સમાં એની ખૂબ જ અપેક્ષિત વાપસી કરવા માટે તૈયાર છે.
ઉસૈન બોલ્ટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું ખુશીથી વ્યાવસાયિક રમતોમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છું. મેં ઘણા સમયથી ક્રિકેટ રમ્યું નથી, પરંતુ ક્રિકેટ-અધિકારીઓ મારો સંપર્ક કરશે તો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર રહીશ.’
તેણે બૅટ અને બૉલથી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ક્રિકેટ-ક્રેઝી કૅરેબિયન ટાપુઓ પર ઊછરેલો ઉસૈન બોલ્ટ મૂળરૂપે એક પેસ બોલર હતો અને પછી વિશ્વના સૌથી વધુ જાણીતા દોડવીરોમાંનો એક બન્યો.
ખરેખર તો ક્રિકેટ ઉસૈન બોલ્ટનો પહેલો રમતપ્રેમ હતો. તેના હાઈ સ્કૂલના દિવસોમાં તેના ક્રિકેટકોચે તેને ટ્રૅક ઍન્ડ ફીલ્ડનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. એ નિર્ણયે આખરે રમતગમતના ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો. ઑલિમ્પિક્સમાં ૮ ગોલ્ડ અને ૧૧ વિશ્વ ચૅમ્પિયનશિપ ગોલ્ડ મેડલ સાથે ઉસૈન બોલ્ટ સર્વકાલીન મહાન દોડવીર છે, પરંતુ તેણે ક્યારેય ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ છુપાવ્યો નહીં.


