પાકિસ્તાની મૂળના આ પ્લેયરે ૨૦૧૧માં ૩-૭ જાન્યુઆરી દરમ્યાનની ઇંગ્લૅન્ડ સામેની સિડની ટેસ્ટ-મૅચથી જ કરીઅરનો પ્રારંભ કર્યો હતો. ૮૭ ટેસ્ટ-મૅચમાં તેણે ૧૬ સેન્ચુરી અને ૨૮ ફિફ્ટીની મદદથી ૬૨૦૬ રન કર્યા છે.
મમ્મી-પપ્પા અને ફૅમિલીના અન્ય સભ્યો સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફોટો પડાવ્યો ઉસ્માન ખ્વાજાએ.
ઑસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજાએ પુષ્ટિ આપી છે કે સિડની ટેસ્ટ-મૅચ તેની ઇન્ટરનૅશનલ કરીઅરની અંતિમ મૅચ બની રહેશે. આગામી ૪થી ૮ જાન્યુઆરી દરમ્યાન ઍશિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ-મૅચ દરમ્યાન ૩૯ વર્ષનો ઉસ્માન ખ્વાજા ઑસ્ટ્રેલિયા માટેની પ્લેયર તરીકેની પોતાની ૧૫ વર્ષની કારકિર્દીનો અંત કરશે.
પાકિસ્તાની મૂળના આ પ્લેયરે ૨૦૧૧માં ૩-૭ જાન્યુઆરી દરમ્યાનની ઇંગ્લૅન્ડ સામેની સિડની ટેસ્ટ-મૅચથી જ કરીઅરનો પ્રારંભ કર્યો હતો. ૮૭ ટેસ્ટ-મૅચમાં તેણે ૧૬ સેન્ચુરી અને ૨૮ ફિફ્ટીની મદદથી ૬૨૦૬ રન કર્યા છે. ૨૦૧૯ સુધી તેણે વન-ડેની ૪૦ મૅચમાં બે સેન્ચુરી અને ૧૨ ફિફ્ટીના આધારે ૧૫૫૪ રન કર્યા હતા, જ્યારે ૨૦૧૬ દરમ્યાન તેણે ઑસ્ટ્રેલિયા માટે ૯ T20 મૅચ રમીને એક ફિફ્ટીની મદદથી ૨૪૧ રન કર્યા હતા.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા માટે ટેસ્ટ-ક્રિકેટ રમનારા પ્રથમ મુસ્લિમ પ્લેયર ઉસ્માન ખ્વાજાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પચાસ મિનિટની પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે હું ડોમેસ્ટિક ક્રિકેટ, બિગ બૅશ લીગ, શેફીલ્ડ શીલ્ડ જેવી ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખીશ.
પોતાની શરતો પર નિવૃત્તિ લેવા બદલ ઉસ્માન ખ્વાજાના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો, પરંતુ આ દરમ્યાન તેણે પોતાની કરીઅરમાં સહન કરવી પડેલી જાતિગત કમેન્ટ અને ટીકાઓનો ઉલ્લેખ કરીને નિરાશા વ્યક્ત કરી હતી. ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ગૉલ્ફ રમવા દરમ્યાન ઉસ્માન ખ્વાજાને કમરમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. તે દુખાવા સાથે પર્થ ટેસ્ટ-મૅચ રમ્યો, પરંતુ સિરીઝ પહેલાં ગૉલ્ફનો શોખ પૂરો કરવા બદલ મીડિયા અને કૉમેન્ટેટરોએ તેની ભારે ટીકા કરી હતી.
હું પાકિસ્તાનનો એક ગર્વિત મુસ્લિમ કાળો છોકરો છું, જેને કહેવામાં આવ્યું હતું કે તે ક્યારેય આૅસ્ટ્રેલિયા માટે નહીં રમે : ખ્વાજા
પાકિસ્તાની મૂળના ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ પોતાના રિટાયરમેન્ટની જાહેરાત દરમ્યાન પોતાની સાથે થયેલા ભેદભાવ અને ગેરવર્તન વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું પાકિસ્તાનનો એક ગર્વિત મુસ્લિમ કાળો છોકરો છું જેને કહેવામાં આવ્યું હતું કે તે ક્યારેય ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે નહીં રમે. મારી કરીઅર દરમ્યાન મારી સાથે અલગ વર્તન કરવામાં આવ્યું.’
ઉસ્માન ખ્વાજાએ વધુમાં કહ્યું હતું કે ‘હું મારા આખા જીવનમાં કેટલીક જાતિગત કમેન્ટ સાંભળીને મોટો થયો છું. હજી પણ આપણે આગળ વધ્યા નથી, મારે દરરોજ લડવું પડે છે જે મારા માટે નિરાશાજનક છે. મને આશા છે કે આગામી ઉસ્માન ખ્વાજાની સફર થોડી સરળ હશે. આશા છે કે આગામી થોડી પેઢીઓ આપણે એવા બિંદુ પર પહોંચીશું જ્યાં ઉસ્માન ખ્વાજાની સફર ઑસ્ટ્રેલિયામાં જન્મેલા જૉન સ્મિથ જેવી જ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે પડદા પાછળ હું આ જ લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.’


