અન્ડર-19 એશિયા કપમાં ભારતની ધમાકેદાર શરૂઆત, ૬ વિકેટે હાઇએસ્ટ ૪૩૩ રન કર્યા, UAE ૭ વિકેટે ૧૯૯ રન કરીને ૨૩૪ રને હાર્યું
વૈભવ સૂર્યવંશી
UAEમાં ગઈ કાલે વન-ડે ફૉર્મેટના અન્ડર-19 એશિયા કપની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ભારતે UAE સામે ૨૩૪ રને જીત મેળવીને વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતે બિહારના વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીની ૧૭૧ રનની શાનદાર ઇનિંગ્સના આધારે ૬ વિકેટે ૪૩૩ રન કર્યા હતા જે આ ટુર્નામેન્ટનો અને યુથ વન-ડેમાં ભારતનો હાઇએસ્ટ રનનો રેકૉર્ડ હતો. હરીફ ટીમ જવાબમાં ૭ વિકેટે ૧૯૯ રન કરી શકી હતી.
કૅપ્ટન આયુષ મ્હાત્રે ૧૧ બૉલમાં ૪ રન કરીને આઉટ થયો ત્યાર બાદ વૈભવ સૂર્યવંશીની ફટકાબાજી જોવા મળી હતી. તેણે ૧૮૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૯૫ બૉલમાં ૯ ફોર અને ૧૪ સિક્સરના આધારે ૧૭૧ રન ઝૂડી નાખ્યા હતા. ઍરોન જ્યૉર્જ અને વિહાન મલ્હોત્રાની ૬૯-૬૯ રનની ઇનિંગ્સથી ભારતને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી.
ADVERTISEMENT
કૅપ્ટન આયુષે મૅચને ઝડપથી પૂરી કરવા માટે પોતાની સાથે ૯ પ્લેયર્સ પાસે બોલિંગ કરાવી હતી એને કારણે UAEએ ૧૪મી ઓવરમાં ૫૩ રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ બે ફિફ્ટી પ્લસની વ્યક્તિગત ઇનિંગ્સના આધારે તેઓ માંડ-માંડ સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યા હતા.
વૈભવ સૂર્યવંશી યુથ વન-ડેમાં ૫૦ સિક્સ ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો.
પાકિસ્તાનની પણ વિજયી શરૂઆત
પાકિસ્તાનની અન્ડર-19 ટીમે ગઈ કાલે મલેશિયા સામે ૨૯૭ રનની જીત નોંધાવી હતી. પાકિસ્તાને બે બૅટર્સની શાનદાર સદીના આધારે ૫૦ ઓવરમાં ૩ વિકેટે ૩૪૫ રન કર્યા હતા. ૩૪૬ રનના ટાર્ગેટના જવાબમાં મલેશિયા ૧૯.૪ ઓવરમાં માત્ર ૪૮ રનમાં ઑલઆઉટ થયું હતું.
14
યુથ વન-ડેની એક ઇનિંગ્સમાં સૌથી વધુ આટલી સિક્સર ફટકારી વૈભવ સૂર્યવંશીએ.


