૩૬ વર્ષનો વિરાટ કોહલી ૩૦ ટેસ્ટ, એક T20 અને ૫૧ વન-ડે સેન્ચુરી સાથે ઓવરઑલ લિસ્ટમાં સચિન (૧૦૦ સદી) બાદ બીજા ક્રમે છે.
સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી
સચિન તેન્ડુલકરને ૨૦૧૨માં એક અવૉર્ડ સમારંભમાં પૂછવામાં આવ્યું કે તેનો ૧૦૦ સદીનો મહારેકૉર્ડ કોણ તોડી શકે છે? ત્યારે માસ્ટર બ્લાસ્ટરે ભારતીય ક્રિકેટર પર વિશ્વાસ વ્યક્ત કરી વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ આપ્યું હતું. બન્નેએ પોતાની શાનદાર ટેસ્ટ-કરીઅરથી આ માટે આશાઓ જગાવી હતી, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં રોહિત અને વિરાટ બન્નેએ પરંપરાગત ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ગયા વર્ષે બન્નેએ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને હવે તેઓ ફક્ત વન-ડે ફૉર્મેટમાં ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી જ રમશે એવી આશા છે.
આગામી વન-ડે વર્લ્ડ કપ સુધી ભારત ૨૭ વન-ડે મૅચ રમશે. ૩૬ વર્ષનો વિરાટ કોહલી ૩૦ ટેસ્ટ, એક T20 અને ૫૧ વન-ડે સેન્ચુરી સાથે ઓવરઑલ લિસ્ટમાં સચિન (૧૦૦ સદી) બાદ બીજા ક્રમે છે. વિરાટને આ મહારેકૉર્ડ તોડવા વધુ ૧૯ સેન્ચુરી ફટકારવી પડશે. ૩૮ વર્ષનો રોહિત શર્મા ૧૨ ટેસ્ટ, પાંચ T20 સેન્ચુરી અને ૩૨ વન-ડે સેન્ચુરી સાથે કુલ ૪૯ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે અને આ રેકૉર્ડ તોડવાથી બાવન સેન્ચુરી દૂર છે.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડનો ૩૪ વર્ષનો જો રૂટ (૫૩ સદી), ઑસ્ટ્રેલિયાનો ૩૫ વર્ષનો સ્ટીવ સ્મિથ (૪૮ સદી) અને ન્યુ ઝીલૅન્ડનો ૩૪ વર્ષનો કેન વિલિયમસન (૪૮ સદી) પણ તેમની કરીઅરના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યા હોવાથી તેઓ ૧૦૦ સેન્ચુરીનો માઇલસ્ટોન તોડે એવી શક્યતા ઓછી છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે કોહલીએ ઑફર કરેલા દોરાના બંધનને યાદ કર્યું
વિરાટ કોહલી દ્વારા ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના સમાચાર મળ્યા બાદ સચિન તેન્ડુલકરે તેની સાથેની એક યાદગાર ઘટનાને યાદ કરી હતી. માસ્ટર બ્લાસ્ટરે કોહલી માટે એક સ્પેશ્યલ પોસ્ટમાં લખ્યું કે ‘મુંબઈમાં ૧૨ વર્ષ પહેલાં મારી છેલ્લી ટેસ્ટ-મૅચ દરમ્યાન તેં (વિરાટ કોહલી) મને તારા દિવંગત પપ્પા તરફથી મળેલો દોરો ઑફર કર્યો હતો. મારા માટે એ સ્વીકારવો શક્ય નહોતો, કારણ કે આ તારી અત્યંત અંગત યાદગીરી હતી. જોકે તારી ભાવના મને સ્પર્શી ગઈ અને હું આજ સુધી એને ભૂલી શક્યો નથી. મારી પાસે બદલામાં આપવા માટે કોઈ દોરો નથી, પણ મારી પ્રશંસા અને શુભેચ્છાઓ તારી સાથે છે. તારો વાસ્તવિક વારસો અસંખ્ય યુવા ક્રિકેટરોને રમત અપનાવવા માટે પ્રેરણા આપશે. તારી ટેસ્ટ-કરીઅર કેટલી અદ્ભુત રહી છે. તે ભારતીય ક્રિકેટને ફક્ત રન કરતાં ઘણું બધું આપ્યું છે. તે ઉત્સાહી ફૅન્સ અને પ્લેયર્સની નવી પેઢી આપી છે.’

