પંજાબ કિંગ્સે કરેલો સૌથી મોટી T20 રન-ચેઝનો રેકૉર્ડ ત્રણ મહિનામાં વૉશિંગ્ટન ફ્રીડમે તોડ્યો : MI ન્યુ યૉર્કના ૨૬૬/૯ના સ્કોર સામે વૉશિંગ્ટન ફ્રીડમે ૮ બૉલ પહેલાં ૨૭૦/૪નો સ્કોર કરીને ૬ વિકેટે જીત નોંધાવી
નિકોલસ પૂરેને ૧૦૬ રન કર્યા હતા
અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ની એલિમિનેટર મૅચમાં રેકૉર્ડ-બ્રેક રમત જોવા મળી હતી. બે વખતની ચૅમ્પિયન ટીમ MI ન્યુ યૉર્ક ૬ વિકેટે વૉશિંગ્ટન ફ્રીડમ સામે હારીને ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન MI ન્યુ યૉર્કના ૨૬૬/૯ના સ્કોર સામે વૉશિંગ્ટન ફ્રીડમે ૮ બૉલ પહેલાં ૨૭૦/૪નો સ્કોર કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી.
વૉશિંગ્ટન ફ્રીડમે ચેઝ કરેલો ૨૬૭ રનનો ટાર્ગેટ એ T20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટી સફળ રનચેઝ હતી. વૉશિંગ્ટન ફ્રીડમે ત્રણ મહિના પહેલાં પંજાબ કિંગ્સે IPL 2026 દરમ્યાન દિલ્હી કૅપિટલ્સ સામે કરેલો ૨૬૫ રનની ટાર્ગેટ-ચેઝનો રેકૉર્ડ તોડ્યો હતો. એક T20 મૅચમાં પહેલી વખત ત્રણ બૅટર્સે ત્રણ અંકનો સ્કોર કર્યો હતો.
ADVERTISEMENT
પહેલી ઇનિંગ્સમાં MI ન્યુ યૉર્કના કૅપ્ટન નિકોલસ પૂરને MLC ઇતિહાસની ૧૪ બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી અને ૩૧ બૉલની ફાસ્ટેસ્ટ સદી નોંધાવી હતી. તેણે ૩૩ બૉલમાં પાંચ ફોર અને ૧૩ સિક્સની મદદથી ૧૦૬ રન કર્યા હતા. કાયરન પોલાર્ડે ૨૫ બૉલમાં એક ફોર અને ૮ સિક્સની મદદથી ૬૪ રન કર્યા હતા. વૉશિંગ્ટન ફ્રીડમ માટે સ્પિનર રચિન રવીન્દ્રએ ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
રન-ચેઝ દરમ્યાન કૅપ્ટન સ્ટીવ સ્મિથે ૪૮ બૉલમાં ૭ ફોર અને ૯ સિક્સની મદદથી અણનમ ૧૧૦ રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલો ઍન્ડ્રીઝ ગૉસ ૫૧ બૉલમાં ૧૦ ફોર અને ૧૨ સિક્સની મદદથી ૧૩૨ રન કરીને MLCમાં સદી ફટકારનાર પહેલો અમેરિકન બન્યો હતો.
બન્નેએ ત્રીજી વિકેટ માટે ડોમેસ્ટિક કે ફ્રેન્ચાઇઝી T20 ક્રિકેટની સૌથી મોટી ૨૪૧ રનની ભાગીદારી કરીને મૅચની દિશા બદલી દીધી હતી. MI ન્યુ યૉર્ક માટે સ્પિનર શાકિબ અલ-હસન ૪ ઓવરમાં ૩૪ રન આપીને બે વિકેટ લઈ સૌથી સફળ બોલર રહ્યો હતો.
સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ અને વૉશિંગ્ટન ફ્રીડમ વચ્ચે MLCની ફાઇનલમાં પહોંચવાનો અંતિમ જંગ
અમેરિકામાં આગામી ૧૯ જુલાઈએ મેજર લીગ ક્રિકેટની ચોથી સીઝનની ફાઇનલ મૅચ રમાશે. આ ફાઇનલ મૅચમાં પહોંચવા અને બીજી ફાઇનલિસ્ટ ટીમ બનવા આજે અંતિમ જંગ જામશે. સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ અને વૉશિંગ્ટન ફ્રીડમ વચ્ચે ચૅલેન્જર મૅચ રમાશે. ૨૦૨૪ની રનરઅપ ટીમ સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ ક્વૉલિફાયર મૅચ હારીને અહીં પહોંચી છે, જ્યારે વૉશિંગ્ટન ફ્રીડમે એલિમિનેટર મૅચમાં રેકૉર્ડ-બ્રેક રન-ચેઝ કરીને ચૅલેન્જર મૅચમાં એન્ટ્રી કરી છે. વૉશિંગ્ટન ફ્રીડમે ૨૦૨૪નું ટાઇટલ જીત્યું હતું અને ૨૦૨૫માં આ ટીમ રનરઅપ રહી હતી. સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ સામે ૮ મૅચમાંથી પાંચ મૅચ વૉશિંગ્ટન ફ્રીડમે જીતી છે.
1000
આટલી T20 સિક્સ ૬૬૨મી ઇનિંગ્સમાં પૂરી કરી પોલાર્ડે. ગેઇલ (૪૫૫ ઇનિંગ્સમાં ૧૦૫૬ સિક્સ) બાદ આ કમાલ કરનાર બીજો બૅટર બન્યો.
|
સૌથી વધુ રનવાળી T20 ક્રિકેટ મૅચ |
|
|
બૅન્ગલોર vs હૈદરાબાદ IPL 2024 |
૫૪૯ રન |
|
MI ન્યૂ યૉર્ક vs વૉશિંગ્ટન MLC 2026 |
૫૩૬ રન |
|
દિલ્હી vs પંજાબ IPL 2026 |
૫૨૯ રન |
|
હૈદરાબાદ vs રાજસ્થાન IPL 2025 |
૫૨૮ રન |
|
કલકત્તા vs પંજાબ IPL 2024 |
૫૨૩ રન |
