નેપાલના ૧૩૪ રનના ટાર્ગેટને વેસ્ટ ઇન્ડીઝે ૧૫.૨ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો, મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં એન્ટ્રી મેળવનાર વેસ્ટ ઇન્ડીઝ પહેલી ટીમ બની છે.
કૅરિબિયન ફાસ્ટ બોલર જેસન હોલ્ડર ૨૭ રનમાં ૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં એન્ટ્રી મેળવનાર વેસ્ટ ઇન્ડીઝ પહેલી ટીમ બની છે. ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નેપાલ સામે વેસ્ટ ઇન્ડીઝે ૯ વિકેટે શાનદાર જીત મેળવી હતી. નેપાલે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૩૩ રન કર્યા હતા. જવાબમાં કૅરિબિયન ટીમે ૧૫.૨ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૧૩૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સતત ત્રણ હાર સાથે નેપાલની ટીમ ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ થઈ ગઈ છે.
દીપેન્દ્ર સિંહ એરીએ ૪૭ બૉલમાં ૩ ફોર અને ૩ સિક્સની મદદથી ૫૮ રન કર્યા હતા. નેપાલ માટે વર્લ્ડ કપમાં આ હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર હતો. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર જેસન હોલ્ડરે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
રન-ચેઝ દરમ્યાન કૅપ્ટન શાઈ હોપની ૪૪ બૉલમાં પાંચ ફોર અને ૩ સિક્સના આધારે ૬૧ રનની મોટી ઇનિંગ્સ રહી હતી. T20 વર્લ્ડ કપમાં ક્રિસ ગેઇલ બાદ તે માત્ર બીજો કૅરિબિયન કૅપ્ટન બન્યો છે જેણે ફિફટી ફટકારી હોય. શિમરન હૅટમાયરે ૩૨ બૉલમાં ૪ ફોર, બે સિક્સના આધારે ૪૬ રન કર્યા હતા. નેપાલના ફાસ્ટ બોલર નંદન યાદવે ૧૭ બૉલમાં ૨૨ રન કરનાર બ્રેન્ડન કિંગની વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન શાઇ હોપે ૪૪ બૉલમાં પાંચ ફોર અને ૩ સિક્સના આધારે ૬૧ રન કર્યા હતા


