બુમરાહ સહિતના પુરુષ ક્રિકેટર્સે હિંમત આપી
શ્રેયંકા પાટીલ
ભારતીય સ્પિન ઑલરાઉન્ડર શ્રેયંકા પાટીલ બૅક-ટુ-બૅક ઇન્જરીને કારણે એક વર્ષથી વધુ સમયથી ભારતીય ટીમથી દૂર છે. સેન્ટર ઑફ એક્સલન્સમાં ફુલ્લી ફિટ બનવાની તૈયારી દરમ્યાનની કેટલીક રસપ્રદ વાતોનો તેણે ખુલાસો કર્યો હતો. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 માટે શ્રેયંકા પાટીલને ૬૦ લાખ રૂપિયામાં રીટેન કરી છે.
૨૩ વર્ષની શ્રેયંકા પાટીલ કહે છે, ‘ઇન્જરી બાદ હું લોકો સાથે વાત કરી શકતી નહોતી અને બે મહિનાથી વધુ સમય સુધી મેં મારી જાતને એક રૂમમાં બંધ કરી દીધી હતી. ક્રિકેટ અને જીવન વિશેની સામાન્ય વાતચીતથી મને મારી ઈજા ભૂલી જવા અને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી હતી. મેં સેન્ટર ઑફ એક્સલન્સમાં કેટલાક મિત્રો બનાવ્યા છે જેમાં જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રિયાન પરાગ અને મયંક યાદવ જેવા પુરુષ ક્રિકેટર્સ પણ હતા. તેમની સાથે વાત કરવાથી મને ખ્યાલ આવ્યો કે હું મુશ્કેલીનો સામનો કરતી એકલી વ્યક્તિ નથી. બુમરાહ સાથે બોલિંગ વિશે વાતચીત કરવા હું ઉત્સાહી હતી. તેણે મને ઇન્જરીઓને સામાન્ય ગણીને એનો સામનો કરવાને બદલે સ્વીકારવાની સલાહ આપી હતી.’


