Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આખરે ચોકર્સ બન્યા ચૅમ્પિયન ICC ટાઇટલ માટે ૨૭ વર્ષના દુકાળનો અંત આણ્યો

આખરે ચોકર્સ બન્યા ચૅમ્પિયન ICC ટાઇટલ માટે ૨૭ વર્ષના દુકાળનો અંત આણ્યો

Published : 15 June, 2025 07:51 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથા દિવસે ઑલમોસ્ટ ૨૭ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીત માટે જરૂરી ૬૯ રન બનાવીને પહેલી વાર WTC ચૅમ્પિયન બન્યું સાઉથ આફ્રિકા, છેલ્લે ૧૯૯૮માં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું

સાઉથ આફ્રિકાની ટીમ

સાઉથ આફ્રિકાની ટીમ


વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2023-25ની ફાઇનલ મૅચના ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હાર આપી હતી. બે ઇનિંગ્સમાં અનુક્રમે ૨૧૨ અને ૨૦૭ રન બનાવીને ઑસ્ટ્રેલિયાએ જીત માટે ૨૮૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૩૮ રને ઑલઆઉટ થનાર સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં ૮૩.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૮૨ રનનો રેકૉર્ડ ટાર્ગેટ ચેઝ કરીને ઇતિહાસ રચ્યો હતો. પ્લેયર ઑફ ધ મૅચ એઇડન માર્કરમની ૧૩૬ રનની ઇનિંગ્સ, કૅગિસો રબાડા અને લુંગી ઍન્ડિગી જેવા ફાસ્ટ બોલર્સના શાનદાર પ્રદર્શનના આધારે સાઉથ આફ્રિકાએ ICC ટાઇટલ જીતવાનાં ૨૭ વર્ષના દુકાળનો અંત કર્યો હતો.


ચોથા દિવસે ૬૬મી ઓવરથી બીજી ઇનિંગ્સની શરૂઆત કરનાર એઇડન માર્કરમ (૨૦૭ બૉલમાં ૧૩૬ રન) અને કૅપ્ટન ટેમ્બા બવુમા (૧૩૪ બૉલમાં ૬૬ રન)ની ત્રીજી વિકેટની ભાગીદારી ૨૫૦ બૉલમાં ૧૪૭ રન પર સમાપ્ત થઈ હતી. સાઉથ આફ્રિકાની ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ પડ્યા પછી છઠ્ઠા ક્રમે આવીને ડેવિડ બેડિંગહૅમ (૪૯ બૉલમાં ૨૧ રન અણનમ)એ ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને ઑસ્ટ્રેલિયન બોલિંગ-યુનિટને સફળ થવા દીધા નહોતા. બીજી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક (૬૬ રનમાં ૩ વિકેટ), પૅટ કમિન્સ (૫૯ રનમાં એક વિકેટ) અને જોશ હેઝલવુડ (૫૮ રનમાં એક વિકેટ)ને જ સફળતા મળી હતી.




WTC ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બનેલા સાઉથ આફ્રિકન ઓપનર એઇડન માર્કરમે જીત મેળવ્યા બાદ પત્નીને કિસ કરી હતી.

૧૯૯૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે એકમાત્ર ચૅમ્પિયન્સ ટ્રોફી રૂપે ICC ટાઇટલ જીતનાર સાઉથ આફ્રિકાએ ૨૦૨૫માં બીજું ટાઇટલ જીતીને બે ટાઇટલ વચ્ચે સૌથી વધુ ૨૭ વર્ષના અંતરનો રેકૉર્ડ કર્યો છે. અગાઉ આ રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે હતો જેણે ૧૯૭૯ના વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૦૪ની ચૅમ્પિયન્સ ટ્રોફી જીત વચ્ચે પચીસ વર્ષ રાહ જોઈ હતી.


સાઉથ આફ્રિકાની સિનિયર ટીમનું ICC ફાઇનલમાં પ્રદર્શન

ચૅમ્પિયન્સ ટ્રોફી ૧૯૯૮ - વેસ્ટ ઇન્ડીઝ સામે જીત

વિમેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૩ - ઑસ્ટ્રેલિયા સામે હાર

મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪ - ભારત સામે હાર

વિમેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪ - ન્યુ ઝીલૅન્ડ સામે હાર

ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫ - ઑસ્ટ્રેલિયા સામે જીત

એઇડન માર્કરમનું પ્રદર્શન

રન - ૧૩૬ 

બૉલ - ૨૦૭

ફોર - ૧૪

સિક્સ - ૦૦

સ્ટ્રાઇક-રેટ - ૬૫.૭૦

૧૫ વર્ષ બાદ ICC ફાઇનલ હારી કાંગારૂ ટીમ

ઑસ્ટ્રેલિયન મેન્સ ટીમે રમેલી ૧૪ ICC ફાઇનલમાંથી આ માત્ર તેમની ચોથી હાર હતી. આ ટીમને ૨૦૧૦ના T20 વર્લ્ડ કપ બાદ પહેલી વાર ICC ફાઇનલમાં હાર મળી છે. ૧૯૭૫ અને ૧૯૯૬ના વન-ડે વર્લ્ડ કપમાં પણ હારી ચૂકી છે. ૨૦૧૦ બાદ ૨૦૧૫ વન-ડે વર્લ્ડ કપ, ૨૦૨૧ T20 વર્લ્ડ કપ, ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ જીતી હતી.

દીકરા સાથે જીતની ઉજવણી કરતો ટેમ્બા બવુમા. 

ટેમ્બા બવુમાએ ૧૦૪ વર્ષ જૂનો ટેસ્ટ-કૅપ્ટન્સીનો રેકૉર્ડ તોડ્યો

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2023-25માં સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ સતત ૮ મૅચમાં જીત અપાવીને ટીમને ચૅમ્પિયન બનાવી છે. WTCની ત્રીજી સીઝનમાં સાઉથ આફ્રિકા માટે ૮ મૅચમાં બે સેન્ચુરી અને પાંચ ફિફ્ટીની મદદથી હાઇએસ્ટ ૭૧૧ રન બનાવ્યા હતા. કૅપ્ટન તરીકે સળંગ ૧૦ ટેસ્ટ-મૅચથી અપરાજિત રહેલા ટેમ્બા બવુમાએ ૧૦૪ વર્ષ જૂનો ટેસ્ટ-કૅપ્ટન્સીનો રેકૉર્ડ તોડ્યો છે.

૫ ફુટ ૩ ઇંચની હાઇટ ધરાવતો ટેમ્બા બવુમા ટેસ્ટ-ક્રિકેટમાં એક પણ હાર વગર સૌથી વધુ જીત મેળવનાર કૅપ્ટન બની ગયો છે. વર્ષ ૨૦૨૩થી ટેસ્ટ-કૅપ્ટન્સી કરનાર બવુમા ૧૦માંથી ૯  ટેસ્ટ જીત્યો છે, જ્યારે એક મૅચ ડ્રૉ રહી હતી. ૧૯૦૨થી ૧૯૨૧ દરમ્યાન ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન વૉરવિક આર્મસ્ટ્રૉન્ગે એક પણ મૅચ હાર્યા વગર સૌથી વધુ ૮ મૅચ જીતવાનો રેકૉર્ડ કર્યો હતો. ૧૦માંથી બે મૅચ ડ્રૉ રમ્યો હતો.

102

આટલા હાઇએસ્ટ રન કૅપ્ટન તરીકે WTC ફાઇનલમાં કરવાનો રેકૉર્ડ કર્યો ટેમ્બા બવુમાએ.

મારી દાદીએ મારું નામ ટેમ્બા રાખ્યું હતું, કારણ કે એનો અર્થ આશા થાય છે. અમારા સમુદાય માટે આશા, અમારા દેશ માટે આશા.

- એક ઇન્ટરવ્યુ દરમ્યાન ટેમ્બા બવુમાનું નિવેદન

મુંબઈમાં બનેલો ૧૪ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો

સાઉથ આફ્રિકા ICC ફાઇનલના ઇતિહાસનો હાઇએસ્ટ ૨૮૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ચૅમ્પિયન બન્યું છે. પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૨૦૧૧માં ભારતે શ્રીલંકા સામે ફાઇનલમાં ૨૭૫ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2025 07:51 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK