નૉર્થ કોરિયાના પહેલવાનને ૧૧-૭થી હરાવ્યો, ૫૭ કિલો ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો
ભારતના યુવા પહેલવાન અમન સેહરાવત
ભારતના યુવા પહેલવાન અમન સેહરાવતે એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરતાં પુરુષોની ૫૭ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. રોમાંચક અને ઉતાર-ચડાવ ભરેલી ફાઇનલમાં અમને વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન નૉર્થ કોરિયાના હાન ચોંગ-સોંગને ૧૧-૭થી પરાજિત કરીને મોટો અપસેટ સર્જ્યો હતો.
આ ઐતિહાસિક વિજય સાથે અમન સેહરાવત એશિયન ગેમ્સમાં પુરુષોની ૫૭ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાં સુવર્ણચંદ્રક જીતનારો પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની ગયો છે. આ અગાઉ સુજિત કલકલે પણ પુરુષોની ૬૫ કિલો ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ૧૯૭૮ પછી પ્રથમ વખત ભારતે એશિયન ગેમ્સમાં મેન્સ ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે અમન ઑલિમ્પિક મેડલિસ્ટ પણ છે, તેણે પેરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ઉપરાંત ૨૦૨૩ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ તેણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો, જેને હવે તેણે ગોલ્ડમાં અપગ્રેડ કરીને દેશનું નામ રોશન કર્યું છે.
