પોતાની ઉંમર કરતાં બમણી ઉંમરની અનુભવી કોનેરુ હમ્પીને ટાઇબ્રેકરમાં હરાવીને જીતી આ ખિતાબ, ભારતની ચોથી મહિલા ગ્રૅન્ડમાસ્ટર પણ બની
કોનેરુ હમ્પીને બીજી ટાઇબ્રેકર ગેમમાં હરાવીને દિવ્યા દેશમુખ ભાવુક થઈ ગઈ હતી. ચૅમ્પિયન બન્યા બાદ ભાવુક દિવ્યા ડૉક્ટર મમ્મીને ગળે વળગીને ભેટી પડી હતી.
જ્યૉર્જિયામાં ગઈ કાલે દિવ્યા દેશમુખ વિમેન્સ ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પહેલી ભારતીય બની હતી. તેણે ભારતની જ અનુભવી પ્લેયર કોનેરુ હમ્પીને ટાઇબ્રેકરમાં હરાવીને આ ટાઇટલ જીત્યું છે. પોતાની ઉંમરથી બમણી પ્રતિસ્પર્ધી સામે જીત મેળવ્યા પછી ભાવુક દિવ્યા તેનાં આંસુ રોકી શકી નહીં. રનર-અપ હમ્પી પણ દિવ્યા સામે હારતાં પહેલાં અંત સુધી લડી હતી.
શનિવાર અને રવિવારે ફાઇનલમાં બે ક્લાસિક ગેમ્સ ડ્રૉ થયા બાદ ગઈ કાલે બન્ને વચ્ચે ટાઇબ્રેકર રાઉન્ડ શરૂ થયો હતો. ૧૫ મિનિટની પહેલી ગેમ ડ્રૉ થયા બાદ ૧૫ મિનિટની બીજી ટાઇબ્રેકરમાં ૧૯ વર્ષની દિવ્યાએ ૩૮ વર્ષની હમ્પી સામે જીત નોંધાવી હતી. આ જીત સાથે તે ગ્રૅન્ડમાસ્ટર બની છે. તે ગ્રૅન્ડમાસ્ટર બનનાર કોનેરુ હમ્પી, આર. વૈશાલી અને હરિકા દ્રોણવલ્લી પછી ચોથી ભારતીય મહિલા અને ઓવરઑલ ૮૮મી પ્લેયર બની છે. કોનેરુ હમ્પી ૨૦૦૨માં ગ્રૅન્ડમાસ્ટર બની હતી, જ્યારે દિવ્યાનો જન્મ ૨૦૦૫માં નાગપુરમાં થયો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે મોડી રાત્રે દિવ્યા દેશમુખે ટ્રોફી સાથે પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. તેણે ચૅમ્પિયન બન્યા બાદ કહ્યું હતું કે હજી ઘણું પ્રાપ્ત કરવાનું બાકી છે. મને આશા છે કે આ ફક્ત એક શરૂઆત છે.
સામાન્ય રીતે ગ્રૅન્ડમાસ્ટર બનવા માટે પ્લેયર્સે ત્રણ ગ્રૅન્ડમાસ્ટર ધોરણો જીતવા અને ૨૫૦૦ કે એથી વધુનું રેટિંગ પ્રાપ્ત કરવાનું હોય છે. જોકે દિવ્યાને એ નિયમનો ફાયદો થયો જે ચોક્કસ ટુર્નામેન્ટના વિજેતાઓને સીધા ગ્રૅન્ડમાસ્ટર બનવાની મંજૂરી આપે છે, ભલે તેઓ સામાન્ય ધોરણ અને રેટિંગ પ્રાપ્ત ન કરે. વિમેન્સ વર્લ્ડ કપ પણ આવી જ એક ટુર્નામેન્ટ છે જે જીતીને પ્લેયર ગ્રૅન્ડમાસ્ટર બની શકે છે.
કોણે-કોણે શું કહ્યું?
ચેસ વર્લ્ડ ચૅમ્પિયનશિપની બન્ને ફાઇનલિસ્ટ ભારતની હતી. આ આપણા દેશમાં અને ખાસ કરીને મહિલાઓમાં પ્રતિભાની વિપુલતા દર્શાવે છે. દિવ્યા દેશમુખને મારા હૃદયપૂર્વક અભિનંદન. - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
બે ઉત્તમ ભારતીય ચેસ પ્લેયર્સ વચ્ચે ઐતિહાસિક ફાઇનલ. વિમેન્સ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનનાર યુવા દિવ્યા દેશમુખ પર ગર્વ છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે તેને અભિનંદન. તે ઘણા યુવાનોને પ્રેરણા આપશે. કોનેરુ હમ્પીએ પણ અસાધારણ કૌશલ્ય બતાવ્યું. - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
દિવ્યા દેશમુખને વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. સહનશક્તિની અદ્ભુત કસોટી. કોનેરુ હમ્પીએ ખૂબ જ સારી રમત રમી અને મહાન લડાઈની ભાવના દર્શાવી. તે ભારતીય ચેસ અને ખાસ કરીને વિમેન્સ ચેસની એક મહાન ઉજવણી હતી. - વિશ્વનાથન આનંદ
નાગપુર અને મહારાષ્ટ્રના લોકો માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કે અમારી દીકરી (દિવ્યા દેશમુખ) આટલી નાની ઉંમરે ગ્રૅન્ડમાસ્ટર બની છે. - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
નાગપુરના લોકસભાના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વિડિયો-કૉલ કરીને દિવ્યા દેશમુખને ચૅમ્પિયન બનવાની શુભેચ્છા પાઠવી હતી. બન્નેએ મરાઠીમાં વાતચીત કરી હતી.
મહેન્દ્ર સિંહ ધોની જેવું માઇન્ડસેટ ધરાવે છે દિવ્યા દેશમુખ
દિવ્યા દેશમુખના શરૂઆતના કોચ શ્રીનાથ નારાયણન કહે છે, ‘દિવ્યા ખૂબ જ આક્રમક પ્લેયર છે. સમય જતાં તે વધુ ઑલરાઉન્ડર અને બહુમુખી બની ગઈ છે. મને લાગે છે કે તે બધાં ફૉર્મેટમાં (ક્લાસિકલ, રૅપિડ અને બ્લિટ્ઝ) સમાન રીતે સારી છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેની રમત વધુ પરિપક્વ બને છે. તેનામાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવું મજબૂત માઇન્ડસેટ છે જે છેલ્લી ઓવર્સમાં મૅચનું રિઝલ્ટ ફેરવી નાખે છે. મેં ઘણી વખત જોયું છે કે દિવ્યા મહત્ત્વપૂર્ણ મૅચોમાં પ્રેશર હેઠળ અવિશ્વસનીય રીતે સારું પ્રદર્શન કરી રહી છે.’
દિવ્યા દેશમુખની ભૂતકાળની સિદ્ધિઓ
મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલી દિવ્યાએ પાંચ વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. તેણે અન્ડર-7 અને અન્ડર-9 નૅશનલ ચૅમ્પિયનશિપની સાથે વર્લ્ડ અન્ડર-10 અને અન્ડર-12નાં યુથ ટાઇટલ્સ પણ જીત્યાં છે. તે ચેસ ઑલિમ્પિયાડમાં ત્રણ વાર ગોલ્ડ જીતી ચૂકી છે. તેણે એશિયન ચૅમ્પિયનશિપ, વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ યુથ ચૅમ્પિયનશિપમાં પણ અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે

