૧૨ ડિસેમ્બરે કલકત્તા આવશે, ૧૫ ડિસેમ્બરે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મળશે : કલકત્તા, મુંબઈ અને દિલ્હીમાં યોજાશે GOAT કૉન્સર્ટ અને GOAT કપ : સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા સાથે મળવાનું ગોઠવાય એવી શક્યતા.
લીઅનલ મેસી
૧૨ ડિસેમ્બરે કલકત્તા આવશે, ૧૫ ડિસેમ્બરે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મળશે : કલકત્તા, મુંબઈ અને દિલ્હીમાં યોજાશે GOAT કૉન્સર્ટ અને GOAT કપ : સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, શાહરુખ ખાન, વિરાટ કોહલી, શુભમન ગિલ સાથે મળવાનું ગોઠવાય એવી શક્યતા.
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબૉલર લીઅનલ મેસીની ભારતની ટૂર કન્ફર્મ થઈ ગઈ છે. ‘GOAT (ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ) ટૂર ઑફ ઇન્ડિયા 2025’ નામની આ ટૂરની શરૂઆત ૧૨ ડિસેમ્બરે કલકત્તાથી થશે અને દિલ્હીમાં ૧૫ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે થનારી મીટિંગ સાથે સમાપ્ત થશે. કલકત્તા અને દિલ્હી વચ્ચે મેસી અમદાવાદ અને મુંબઈ જશે.
મેસી ૨૦૧૧માં પોતાના દેશની ટીમ સાથે વેનેઝુએલાની વિરુદ્ધમાં એક ફ્રેન્ડ્લી મૅચ રમવા કલકત્તા આવ્યો હતો એ પછીની તેની પહેલી ભારતયાત્રા હશે.
ગઈ કાલે જે શેડ્યુલ જાહેર થયું છે એ મુજબ મેસી ૧૨ ડિસેમ્બરની રાત્રે કલકત્તામાં લૅન્ડ થશે. ૧૩ ડિસેમ્બરની સવારે હોટેલમાં તેની સાથે મીટ ઍન્ડ ગ્રીટ ઇવેન્ટ યોજાશે. એની સાથે એક સ્પેશ્યલ ફૂડ ઍન્ડ ટી ફેસ્ટિવલનું પણ આયોજન થશે.
૧૩ ડિસેમ્બરની હાઇલાઇટ હશે મેસીની પ્રતિમાનું અનાવરણ. મેસીનું આ સ્ટૅચ્યુ અત્યાર સુધીનું સૌથી મોટું હશે. એના પછી GOAT કૉન્સર્ટ અને GOAT કપનું આયોજન થશે જે કાં તો ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થશે અથવા સૉલ્ટ લેક સ્ટેડિયમમાં. GOAT કપ માટે જે મૅચ રમાશે એમાં ૭-૭ સભ્યોની ટીમ હશે જે સૉફ્ટ-ટચ ફુટબૉલ રમશે. આ મૅચમાં સૌરવ ગાંગુલી, લિએન્ડર પેસ, જૉન એબ્રાહમ, ભાઈચુંગ ભુટિયા પણ રમશે.
૧૩ ડિસેમ્બરની સાંજે મેસી અદાણી ફાઉન્ડેશનની એક પ્રાઇવેટ ઇવેન્ટ માટે અમદાવાદ જવા રવાના થશે.
૧૪ ડિસેમ્બરે મુંબઈમાં ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાના બ્રેબર્ન સ્ટેડિયમમાં મેસી સાથેની મીટ ઍન્ડ ગ્રીટ ઇવેન્ટનું આયોજન થશે. ત્યાર બાદ વાનખેડે સ્ટેડિયમમાં GOAT કૉન્સર્ટ અને GOAT કપની મૅચ યોજાશે. મુંબઈમાં મેસી ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયામાં પૅડલ પણ રમશે. મુંબઈમાં મેસી સાથે શાહરુખ ખાન પણ રમે એવી શક્યતા છે. મુંબઈમાં મેસી સાથે સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની મીટિંગ ગોઠવવાની પણ તૈયારી ચાલી રહી છે; જેમાં બૉલીવુડના રણવીર સિંહ, આમિર ખાન, ટાઇગર શ્રોફ પણ હાજર રહી શકે છે.
૧૫ ડિસેમ્બરે દિલ્હીમાં મેસી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ઘરે મળશે અને ત્યાર બાદ ફિરોજશા કોટલા મેદાનમાં GOAT કૉન્સર્ટ અને GOAT કપમાં હાજર રહેશે. દિલ્હી ક્રિકેટ અસોસિએશન આ ઇવેન્ટ માટે વિરાટ કોહલી અને શુભમન ગિલને પણ આમંત્રિત કરશે.

