Saina Nehwal Divorce: ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ અને તેનો પતિ કશ્યપ પારુપલ્લી અલગ થઈ ગયા છે; સાઇનાએ પોતે સોશ્યલ મીડિયા દ્વારા ડિવોર્સના ચોંકાવનારા સમાચારનો ખુલાસો કર્યો
સાઇના નેહવાલ અને કશ્યપ પારુપલ્લી
કી હાઇલાઇટ્સ
- સાઇના અને કશ્યપના સાત વર્ષના લગ્નજીવનનો અંત
- ઇન્સ્ટાગ્રામ પર સાઇના નેહવાલે કરી ઇમોશનલ પોસ્ટ
- સાઇના નેહવાલ અને કશ્યપ પારુપલ્લીના ડિવોર્સથી ખેલ જગતને આંચકો
ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza), સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પછી ડિવોર્સ ખેલાડીઓની યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Saina Nehwal)એ તેના પતિ કશ્યપ પારુપલ્લી (Kashyap Parupalli)સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. સાઇના નેહવાલએ પતિ કશ્યપ સાથે છૂટાછેડા (Saina Nehwal Divorce)નો નિર્ણય લીધો છે. જેની જાહેરાત સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા કરવામાં આવી છે.
પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે તેના પતિ પારૂપલ્લી કશ્યપથી અલગ થવાના નિર્ણયને (Saina Nehwal Divorce) જાહેર કર્યો. તેણે સોશ્યલ મીડિયા પર એક નોટ શૅર કરીને આ માહિતી શૅર કરી. આ બાબતે સાઇનાએ લખ્યું છે કે, ‘જીવન ક્યારેક આપણને જુદી જુદી દિશામાં લઈ જાય છે. ઘણા વિચાર કર્યા પછી, મેં અને કશ્યપ પારુપલ્લીએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે આપણા અને એકબીજા માટે શાંતિ, વિકાસ અને ઉપચાર પસંદ કરી રહ્યા છીએ. હું તે યાદો માટે આભારી છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. આ સમય દરમિયાન અમારી ગોપનીયતાને સમજવા અને આદર આપવા બદલ આભાર.’
ADVERTISEMENT
૩૫ વર્ષીય સાઇનાએ આ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન પી કશ્યપ અને તેની ગોપનીયતાને સમજવા અને આદર આપવા ચાહકોનો બદલ આભાર માન્યો છે.
સાઇના નેહવાલ અને કશ્યપ પારુપલ્લી, બંનેની પ્રેમ કહાની બેડમિન્ટન કોર્ટથી જ શરૂ થઈ હતી. બંનેએ હૈદરાબાદ (Hyderabad)ની પુલેલા ગોપીચંદ એકેડેમી (Pullela Gopichand Academy)માં સાથે તાલીમ લીધી હતી, અહીંથી બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ જે પાછળથી પ્રેમમાં ફેરવાઈ ગઈ. પછી બન્ને સાત જન્મ સાથે રહેવાના વચન સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા.
સાઇના નેહવાલ અને ભૂતપૂર્વ શટલર કશ્યપ પારુપલ્લીના લગ્ન ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ થયા હતા. હરિયાણાના હિસારમાં જન્મેલી સાયના પારુપલ્લી કશ્યપ કરતા ત્રણ વર્ષ નાની છે. લગ્ન સમયે પારુપલ્લી ૩૧ વર્ષની હતી અને સાયના નેહવાલ ૨૮ વર્ષની હતી. ૩૦ વર્ષની ઉંમરે સાયનાએ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો, તે ૨૦૨૦માં ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party - BJP)માં જોડાઈ.
૨૦૦૫માં, સાઇના નેહવાલે ૧૫ વર્ષની ઉંમરે એશિયન સેટેલાઇટ ટુર્નામેન્ટ જીતી હતી. ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં, તેણીએ મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઓલિમ્પિકમાં પણ તેણીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. સાઇનાએ તેના કરિયરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ૩ ગોલ્ડ મેડલ જીત્યા હતા, જેમાંથી ૨ મહિલા સિંગલ્સમાં અને એક મિક્સ ડબલ્સમાં આવ્યો હતો.
૨૦૧૫ માં, સાયના નેહવાલ બેડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની.
પારુપલ્લી કશ્યપની વાત કરીએ તો, ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, તે લંડન ૨૦૧૨માં ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ શટલર બન્યો. કશ્યપે ૨૦૧૩માં તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કરી, તે છઠ્ઠા નંબરે પહોંચ્યો. ૨૦૧૪માં, તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ૩૨ વર્ષની રાહનો અંત લાવ્યો.

