ફાઇનલમાં ચીનને ૧-૦થી પરાસ્ત કર્યું : ત્રીજી વાર ચૅમ્પિયન બનીને સાઉથ કોરિયાના રેકૉર્ડની બરાબરી કરી : દીપિકા સેહરાવત ૧૧ ગોલ કરીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બની
એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીનને ૧-૦થી હરાવ્યા બાદ ખુશખુશાલ ભારતીય વિમેન્સ હૉકી ટીમ.
ગઈ કાલે બિહારમાં આયોજિત એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીનને ૧-૦થી હરાવીને ભારતીય વિમેન્સ હૉકી ટીમ ચૅમ્પિયન બની હતી. ૨૦૧૬ અને ૨૦૨૩માં ચૅમ્પિયન બનેલી ભારતીય ટીમે ત્રણ વાર આ ટાઇટલ જીતીને સાઉથ કોરિયાની બરાબરી કરી છે જે આ ટુર્નામેન્ટમાં ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં ચૅમ્પિયન બની હતી. આઠમી સીઝનની ફાઇનલ હારીને ચીનની ટીમ ૨૦૧૧ અને ૨૦૧૬ બાદ ત્રીજી વાર રનર-અપ ટીમ બની છે.
આ ફાઇનલ મૅચનો પહેલો હાફ ગોલ વગરનો રહ્યા બાદ બીજા હાફની પહેલી જ મિનિટે ભારતની દીપિકા સેહરાવતે ગોલ કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. ટુર્નામેન્ટમાં એક પણ મૅચ ન હારનારી ભારતીય ટીમની દીપિકા સેહરાવત પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બની છે. તેણે સાત મૅચમાં સૌથી વધુ ૧૧ ગોલ કર્યા હતા. ત્રીજા સ્થાન માટેની મૅચમાં મલેશિયા સામે જપાને ૪-૧થી જીત મેળવી છે. છ ટીમોની આ ટુર્નામેન્ટમાં સાઉથ કોરિયા પાંચમા અને થાઇલૅન્ડ અંતિમ સ્થાને રહી છે.
ADVERTISEMENT
૧૧ ગોલ કરીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બની દીપિકા સેહરાવત.
ભારતની ચૅમ્પિયન હૉકી ટીમને બિહાર સરકાર આપશે પુરસ્કાર
ચીનને હરાવીને એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય વિમેન્સ હૉકી ટીમ અને તેમના સપોર્ટ સ્ટાફ માટે બિહાર સરકારે ઇનામની જાહેરાત કરી છે. દરેક પ્લેયરની સાથે કોચ હરેન્દ્ર સિંહને નીતીશ કુમારની સરકાર ૧૦-૧૦ લાખ રૂપિયાની ઇનામી રકમ આપશે, જ્યારે બાકીના સપોર્ટ સ્ટાફને પાંચ-પાંચ લાખ રૂપિયા મળશે. ઘણાં વર્ષો બાદ આ ટુર્નામેન્ટને કારણે બિહારમાં ટૉપ લેવલની હૉકી મૅચ રમાઈ હતી અને ભારતીય ટીમની મૅચ જોવા મોટી સંખ્યામાં ફૅન્સ હાજર રહ્યા હતા.