બન્ને ગેમમાં અનુભવી કોનેરુ હમ્પીનો દબદબો રહ્યો હતો. આજે ટાઇબ્રેકરની ટૂંકી ગેમ રમીને વિજેતાનો નિર્ણય લેવામાં આવશે
વિમેન્સ ચેસ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મૅચની બન્ને ગેમ ડ્રૉ થયા પછી ભારતની બન્ને પ્લેયર કોનેરુ હમ્પી અને યંગ પ્લેયર દિવ્યા દેશમુખે હાથ મિલાવ્યા હતા.
જ્યૉજિયામાં આયોજિત વિમેન્સ ચેસ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મૅચની બન્ને ગેમ ડ્રૉ થઈ હોવાથી આજે ટાઇબ્રેકરથી વિજેતાનો નિર્ણય થશે. ભારતની અનુભવી પ્લેયર કોનેરુ હમ્પી અને યંગ પ્લેયર દિવ્યા દેશમુખ વચ્ચેની પહેલા દિવસની ગેમ ૪૧ મૂવ્સ અને બીજી ગેમ ૩૪ મૂવ્સ પર ડ્રૉ રહી હતી. બન્ને ગેમમાં અનુભવી કોનેરુ હમ્પીનો દબદબો રહ્યો હતો. આજે ટાઇબ્રેકરની ટૂંકી ગેમ રમીને વિજેતાનો નિર્ણય લેવામાં આવશે. બન્ને પ્લેયર્સે પહેલી વાર ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે.
ટાઇબ્રેકર્સનું ફૉર્મેટ શું છે?
બે ક્લાસિકલ ગેમ ૧-૧ના સ્કોરથી લેવલ થઈ હોવાથી ટાઇબ્રેકરમાં આજે પહેલાં ૧૫-૧૫ મિનિટની બે ગેમ રમાશે. એમાં પણ સ્કોર બરાબર રહ્યો તો બે ૧૦-૧૦ મિનિટની ગેમ રમાશે. રિઝલ્ટ એક પ્લેયરના પક્ષમાં ન આવે તો પાંચ-પાંચ અને ત્યાર બાદ ત્રણ-ત્રણ મિનિટની ગેમ પણ રમાશે. જો હવે પણ સ્કોર લેવલ રહે તો ૩+૨ મિનિટની મિની ગેમ્સ વિજેતા નક્કી ન થાય ત્યાર સુધી રમાતી રહેશે.

