૩૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર દીપ્તિ શર્મા કહે છે...
દીપ્તિ શર્મા
ભારતની અનુભવી મહિલા ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ કૅપ્ટન કૂલ ધોની પાસેથી એક મોટી બાબત શીખવાનો દાવો કર્યો છે. સ્પિનર દીપ્તિ શર્માએ કહ્યું કે ‘મેં એમ. એસ. ધોનીસર પાસેથી પ્રેશરનો સામનો કરવાનું શીખી લીધું છે. જ્યારે પણ તેમની મૅચ હોય ત્યારે હું ટીવી પર ચોંટી રહેતી અને મૅચ જોતી.’
૨૭ વર્ષની દીપ્તિએ વધુમાં કહ્યું, ‘ક્યારેય એવું લાગ્યું નહીં કે ધોની કોઈ પણ ક્ષણે પ્રેશરમાં હોય. તેઓ પરિસ્થિતિને શાંતિથી સંભાળે છે અને અંતે મૅચ જીતે છે. મેં મારી રમતમાં પણ એ જ ગુણવત્તા વિકસાવી છે. હું વસ્તુઓ સરળ રાખું છું. મને પડકારો ગમે છે અને જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે છે ત્યારે ટીમ-મૅનેજમેન્ટને લાગે છે કે અમારી પાસે દીપ્તિ છે અને તે કામ પૂર્ણ કરી શકે છે.’
ઉત્તર પ્રદેશની દીપ્તિએ નવેમ્બર ૨૦૧૪માં સાઉથ આફ્રિકા સામેની વન-ડેમાં ૧૭ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની ૩૦૦ ઇન્ટરનૅશનલ વિકેટની સિદ્ધિને પોતાના પરિવારને સમર્પિત કરી હતી, કારણ કે તેની ક્રિકેટ-કરીઅર માટે પરિવારે ઘણાં બલિદાન આપ્યાં હતાં. દીપ્તિ શર્માએ ૧૨૦ T20માં ૧૪૫ વિકેટ, ૧૬૦ વન-ડેમાં ૧૩૫ વિકેટ અને પાંચ ટેસ્ટમાં ૨૦ વિકેટ લીધી છે.

