અમેરિકામાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ લેનારાઓની સંખ્યા વધીને ત્રણ મહિનાની ટોચે પહોચતાં ડૉલર ઘટ્યો
પ્રતીકાત્મક તસવીર
જપાનમાં લાંબા સમયથી ચાલી આવતા નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ટૂંક સમયમાં પૂરી થશે એવા સંકેતને પગલે ડૉલર ઘટતાં સોનું વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૭૭ રૂપિયા ઘટ્યાં હતાં.
વિદેશ પ્રવાહ
ADVERTISEMENT
જપાનની સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅન કાજુઓ ઉડાએ ધારણાથી વહેલી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત લાવવાનો સંકેત આપતાં જૅપનીઝ યેન બે ટકા સુધરતાં અમેરિકન ડૉલર નબળો પડ્યો હતો. વળી અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ લેનારાઓની સંખ્યા ચાલુ સપ્તાહે વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોના પર દબાણ વધ્યું હતું. સોનું શુક્રવારે વધીને ૨૦૩૨.૬૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૩૦થી ૨૦૩૧ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૦૦૦ વધીને ૨.૨૦ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૨૨ લાખની ધારણા કરતાં ઓછા હતા, પણ નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ઍક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૬૪ હજાર ઘટીને ૧૮.૬૧ લાખે પહોંચ્યા હતા.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે ૧૦૩.૬૭ પૉઇન્ટ રહ્યો હતો. અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ધારણા કરતાં વધી જતાં અને અગાઉના ઇકૉનૉમિક ડેટાની નબળાઈને કારણે ગુરુવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યો હતો. જૅપનીઝ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીમાં ફેરફારના સંકેતો મળતાં યેન સામે ડૉલર ઘટ્યો હતો.
અમેરિકામાં નોકરી ગુમાવનારાઓની સંખ્યા નવેમ્બરમાં વધીને ૪૫,૫૧૦ રહી હતી જે ઑક્ટોબરમાં ૩૬.૮૩૬ રહી હતી. રીટેલ, ટેક્નૉલૉજી, ફાઇનૅન્શિયલ, ટ્રાન્સપોર્ટ અને હેલ્થકૅર સેન્ટરમાં કામ કરનારાઓએ નોકરીઓ ગુમાવી હતી. છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત નોકરી ગુમાવનારાઓની સંખ્યા વધી હતી. જૉબ-માર્કેટના ઍનલિસ્ટોના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં હજી પણ નોકરી ગુમાવનારાઓની સંખ્યા વધશે.
અમેરિકામાં કન્ઝ્યુમર ક્રેડિટ ગ્રોથ ઑક્ટોબરમાં ૫.૧૩ અબજ ડૉલર વધ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૯.૦૬ અબજ ડૉલર વધ્યો હતો. માર્કેટની ધારણા ક્રેડિટ-ગ્રોથ નવ અબજ ડૉલર રહેવાની હતી. ક્રેડિટ કાર્ડનો વપરાશ ૨.૭ ટકા વધ્યો હતો, પણ ઑટો, સ્ટુડન્ટ લોનનો ગ્રોથ ધારણા કરતાં ઓછો વધતાં ક્રેડિટ-ગ્રોથ ઓછો રહ્યો હતો.
અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી ઑક્ટોબરમાં ૦.૪ ટકા ઘટી હતી જે સપ્ટેમ્બરમાં જળવાયેલી હતી અને માર્કેટની ધારણા ૦.૨ ટકા ઘટાડાની હતી. ડ્યુરેબલ ગુડ્સની ઇન્વેન્ટરી ૦.૧ ટકા વધી હતી, પણ નૉન ડ્યુરેબલ ગુડ્સની ઇન્વેન્ટરી ૦.૨ ટકા ઘટી હતી.
યુરો એરિયાના ગ્રોથરેટમાં થર્ડ ક્વૉર્ટરમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં અગાઉના ક્વૉર્ટરમાં ૦.૧ ટકાનો વધારો થયો હતો. સાત ક્વૉર્ટર સુધી ગ્રોથ વધ્યા બાદ પ્રથમ વખત ઇકૉનૉમિક ગ્રોથ ઘટ્યો હતો. જર્મની, ફ્રાન્સ અને નેધરલૅન્ડનો ગ્રોથ ઘટ્યો હતો, જ્યારે સ્પેન અને ઇટલીનો ગ્રોથ વધ્યો હતો.
જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ થર્ડ ક્વૉર્ટરમાં ૦.૭ ટકા ઘટ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટીમેટમાં ૦.૫ ટકા અને અગાઉના ક્વૉર્ટરમાં ૦.૯ ટકા વધ્યો હતો. જપાનના ઇકૉનૉમિક ગ્રોથમાં છેલ્લા એક વર્ષમાં આ પહેલો ઘટાડો હતો. જપાનમાં પ્રાઇવેટ કન્ઝમ્પ્શન, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ અને કૅપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો થતાં ઓવરઑલ ગ્રોથ ઘટ્યો હતો. જપાનનો ગ્રોથ ઘટતાં હવે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીમાં ફેરફાર કરવાની કવાયત ચાલુ થઈ હતી.
જૅપનીઝ યેન ચાલુ સપ્તાહે બે ટકા સુધરીને ૧૧૪ ડૉલર થયો છે. જૅપનીઝ સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅન કાજુઓ ઉડાએ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત ધારણાં કરતાં વહેલો થશે એવી કમેન્ટ કરતાં અત્યાર સુધી સતત તૂટતો યેન સુધર્યો હતો. કાજુઓ ઉડાએ જણાવ્યું હતું કે આગામી ફાઇનૅન્શિયલ કન્ડિશનના આધારે હાલના ઇન્ટરેસ્ટ રેટને ઝીરોથી વધારીને ૦.૧૦ ટકા વધારીને ૦.૫૦ ટકા સુધી કરવા માટે તમામ વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. છેલ્લા એક વર્ષથી જપાનનું ઇન્ફ્લેશન સેન્ટ્રલ બૅન્કના બે ટકા ટાર્ગેટથી ઊચું ચાલી રહ્યું છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સતત પાંચમી વખત બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૬.૫ ટકાએ જાળવી રાખ્યો છે. સેન્ટ્રલ બૅન્કની ધારણા છે કે ઇન્ફ્લેશન બેથી છ ટકાના ટાર્ગેટ પ્રમાણે રહેશે. ભારતનું ઇન્ફ્લેશન ઑક્ટોબર મહિનામાં ચાર મહિનાની નીચી સપાટીએ ૪.૮૭ ટકા હતું. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઇન્ફ્લેશન વધવાની શક્યતા બતાવી હતી. રિઝર્વ બૅન્કે આગામી ફાઇનૅન્શિયલ વર્ષનું ગ્રોથરેટનું પ્રોજેક્શન ૬.૫ ટકાથી વધારીને સાત ટકા કર્યું હતું. ચાલુ ફાઇનૅન્શિયલ વર્ષના ત્રીજા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ૬.૫ ટકા અને ચોથા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ છ ટકા રહેશે. ચાલુ ફાઇનૅન્શિયલ વર્ષનું પ્રોજેક્શન ૫.૪ ટકા જાળવી રાખ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
કોરોના બાદ સતત વધી રહેલી મોંઘવારીને કાબૂમાં લેવા અમેરિકા, યુરોપ, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, કૅનેડા સહિત તમામ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ ઇન્ટરેસ્ટ રેટમાં એકધારો વધારો ચાલુ કર્યો હતો, પણ જપાનની સેન્ટ્રલ બૅન્કે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ચાલુ રાખી હતી એના પરિણામે એક તબક્કે જૅપનીઝ કરન્સી યેનનું મૂલ્ય ૩૨ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. હવે નવું ડેવલપમેન્ટ એ છે કે જપાનની સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅન કાજુઓ ઉડાએ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત લાવવાનો સંકેત આપ્યો છે. જો જપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થાય તો એક મોટું ડેવલપમેન્ટ સોનાની માર્કેટ માટે ગણાશે, કારણ કે છેલ્લાં પાંચથી છ વર્ષથી જૅપનીઝ યેનની નબળાઈને કારણે અમેરિકન ડૉલર સતત વધતો હતો અને સોનાના ભાવ ઘટતા હતા, પણ હવે ઊલટી સાઇકલ ચાલુ થશે. જૅપનીઝ યેન વધશે અને ડૉલર ઘટશે આથી સોનાની તેજીને વધુ એક સપોર્ટ મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૨,૪૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૨,૧૬૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૩,૭૧૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

