યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવા સ્પષ્ટ સંકેતથી સોનામાં ખરીદી વધી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના જૉબ ઓપનિંગ, પ્રાઇવેટ સેક્ટરના જૉબ ડેટા અને એક્સપોર્ટના ડેટા નબળા આવતાં સોનું સતત બીજે દિવસે વધ્યું હતું. મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૧૮ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૩૮૦ રૂપિયા ઘટી હતી. મુંબઈમાં ચાંદી સતત ત્રીજે દિવસે ઘટી હતી. ચાંદીના ભાવ છેલ્લા ત્રણ દિવસમાં ૨૫૪૨ રૂપિયા ઘટ્યા હતા.
વિદેશ પ્રવાહ
અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા ૩૧ મહિનાની નીચી સપાટીએ આવ્યા બાદ એક્સપોર્ટ એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં તેમ જ પ્રાઇવેટ સેક્ટરમાં નવી નોકરીઓ ઑક્ટોબરની સરખામણીમાં ઓછી વધતાં ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સ વધુ ધૂંધળા બનતાં ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ ઘટ્યા હતા. આથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. સોનું બુધવારે ઘટીને ૨૦૧૯.૯૦ ડૉલર થયું હતું, જે ગુરુવારે વધીને ૨૦૩૫.૩૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૩૪થી ૨૦૩૫ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં નવેમ્બરમાં ૧.૦૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. ઑક્ટોબરમાં પ્રાઇવેટ સેક્ટરમાં ૧.૦૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. પ્રાઇવેટ સેક્ટરમાં નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા ૧.૩૦ લાખની હતી. પ્રાઇવેટ સેક્ટરમાં સર્વિસ સેક્ટરમાં ૧.૧૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આ ઉપરાંત ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, યુટિલિટી, એજ્યુકેશન, હેલ્થ, ફાઇનૅન્શિયલ ઍક્ટિવિટી અને ઇન્ફર્મેશનમાં પણ નોકરીઓ વધી હતી, પણ હૉસ્પિટલિટી, બિઝનેસ સર્વિસીસ, મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર, કન્સ્ટ્રક્શન્સ વગેરે સેક્ટરમાં નોકરીઓ ઘટી હતી.
અમેરિકાની એક્સપોર્ટ ઑક્ટોબરમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૨૫૮.૮ અબજ ડૉલરે પહોંચી હતી જે સપ્ટેમ્બરમાં ૨૬૧.૪ અબજ ડૉલર હતી, જ્યારે અમેરિકાની ઇમ્પોર્ટ ઑક્ટોબરમાં વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૩૨૩. અબજ ડૉલરે પહોંચી હતી. અમેરિકાની એક્સપોર્ટ ઘટવા સામે ઇમ્પોર્ટ વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૬૪.૦૩ અબજ ડૉલરે પહોંચી હતી જે સપ્ટેમ્બરમાં ૬૧.૨ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૬૪.૨૦ અબજ ડૉલરની હતી.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ૦.૧૭ ટકા ઘટીને ૧૦૩.૯૫ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકાના એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડેટા નબળા આવતાં અને પ્રાઇવેટ સેક્ટરમાં નવી નોકરીઓ ઑક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં ઘટતાં ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા વધુ ધૂંધળી બની હોવાથી ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૦.૦૫ ટકા ઘટીને ૪.૧૮ ટકા રહ્યા હતા.
ચીનની ફૉરેક્સ રિઝર્વ નવેમ્બરમાં વધીને ૩.૧૭૨ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે ઑક્ટોબરમાં એક વર્ષની નીચી સપાટીએ ૩.૧૦૧ ટ્રિલ્યન ડૉલર હતી અને માર્કેટની ધારણા ૩.૧૨ ટ્રિલ્યન ડૉલરની હતી. અમેરિકન ડૉલર અનેક દેશોની કરન્સી સામે ઘટતાં ચીનની ફૉરેક્સ રિઝર્વ વધી હતી. નવેમ્બર મહિનામાં ચાઇનીઝ કરન્સી યુઆનનું મૂલ્ય ડૉલર સામે ૨.૬ ટકા વધ્યું હતું, જ્યારે નવેમ્બરમાં ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ૩.૧ ટકા ઘટ્યું હતું. ચીનની ગોલ્ડ રિઝર્વ નવેમ્બરના અંતે વધીને ૧૪૫.૭૦ અબજ ડૉલરે પહોંચી હતી જે ઑક્ટોબરને અંતે ૧૪૨.૧૭ અબજ ડૉલર હતી.
ચીનની એક્સપોર્ટ નવેમ્બરમાં ૦.૫ ટકા વધીને ૨૯૧.૯૩ અબજ ડૉલર નોંધાઈ હતી. ચીનની એક્સપોર્ટ સતત સાત મહિના ઘટ્યા બાદ નવેમ્બરમાં પ્રથમ વખત વધી હતી. ઑક્ટોબરમાં ચીનની એક્સપોર્ટ ૬.૪ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા નવેમ્બરમાં ૧.૧ ટકા એક્સપોર્ટ ઘટવાની હતી. ચીનની એક્સપોર્ટ વધતાં ગ્લોબલ ટ્રેડ વધ્યાનો સંકેત મળી રહ્યો છે. ચીનની ઍલ્યુમિનિયમ પ્રોડક્ટ, સ્ટીલ પ્રોડક્ટ, રૅર અર્થની એક્સપોર્ટ વધી હતી, એની સામે રિફાઇન્ડ પ્રોડક્ટ અને ગ્રેનની એક્સપોર્ટ ઘટી હતી. ચીનની એક્સપોર્ટ અમેરિકામાં ૭.૩ ટકા અને તાઇવાનમાં ૬.૪ ટકા વધી હતી, જ્યારે જપાન, સાઉથ કોરિયા, ઑસ્ટ્રેલિયા, આશિયન દેશો અને યુરોપિયન દેશોમાં ચીનની એક્સપોર્ટ ઘટી હતી.
ચીનની ઇમ્પોર્ટ નવેમ્બરમાં ૦.૬ ટકા ઘટી હતી જે ૨૦૨૩માં દસમી વખત ઘટી હતી. ચીનની ઇમ્પોર્ટ ઑક્ટોબરમાં ત્રણ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૩.૩ ટકા વધવાની હતી. ચીનની ક્રૂડ તેલ, સ્ટીલ પ્રોડક્ટ, ખાદ્ય તેલો, રબ્બરની ઇમ્પોર્ટ ઘટી હતી, જ્યારે નૅચરલ ગૅસ, આયર્નઓર, સોયાબીન, કૉપર પ્રોડક્ટની ઇમ્પોર્ટ વધી હતી. ચીનની ઇમ્પોર્ટમાં તાઇવાન, ઑસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોની પ્રોડક્ટની વધી હતી.ચીનની એક્સપોર્ટ વધી હતી, એની સામે ઇમ્પોર્ટ ઘટતાં ટ્રેડ સરપ્લસ નવેમ્બરમાં વધીને ૬૮.૩૯ અબજ ડૉલરે પહોંચી હતી, જે ગયા વર્ષે નવેમ્બરમાં ૬૬.૪૯ અબજ ડૉલર હતી. માર્કેટની ધારણા ટ્રેડ સરપ્લસની ૫૮ અબજ ડૉલરની હતી.
જપાનના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અને જૉબ ઑફર ડેટાને બતાવતો લીડિંગ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૧૦૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૦૯.૩ પૉઇન્ટ હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત પાંચ મહિના નેગેટિવ રહ્યો હોવાથી લીડિંગ ઇન્ડેક્સ ઘટ્યો હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટીને ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે જપાનના રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન અને એમ્પ્લૉયમેન્ટ સેક્ટરને બતાવતો કો-ઇન્સિડન્ટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ ૧૧૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૧૫.૭ પૉઇન્ટ હતો. જપાનની ફૉરેક્સ રિઝર્વ નવેમ્બરમાં વધીને ૧૫ મહિનાની ઊંચા એ ૧.૨૭૦ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બર અને ફ્રાન્સની સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅન ફ્રાન્સીકોઇસ વીલરે જણાવ્યું હતું કે યુરો એરિયાનું ઇન્ફ્લેશન ધારણા કરતાં ઝડપથી ઘટી રહ્યું હોવાથી જો યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં વિલંબ કરશે તો યુરો એરિયાની ઇકૉનૉમી ડિફ્લેશન તરફ જશે. ફ્રાન્સના ચૅરમૅનની કમેન્ટ બાદ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક માર્ચ મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે એના ચાન્સ વધીને ૮૫ ટકા થયા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બરે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનો સંકેત આપ્યો એવો સંકેત હજી ફેડ ચૅરમૅન કે ફેડના કોઈ મેમ્બરે આપ્યો નથી. સી.એમ.ઈ. ફેડ વૉચના અંદાજ અનુસાર માર્ચથી ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ સતત વધી રહ્યા હોવાથી સોનામાં હજી પણ નવી તેજીના ચાન્સ મોજૂદ છે.

