પાડોશમાં રહેતી મહિલા અને પુરુષ કિશોરીને ફોસલાવીને લઈ ગયાં એ પછી તેને મધ્ય પ્રદેશમાં વેચી દીધી, પછી તેને રાજસ્થાનમાં વેચી દેવાઈ
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણમાં રહેતી એક કિશોરી ૨૦૧૮માં ગાયબ થઈ ગઈ હતી. અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ હતી ત્યારે કિશોરી માત્ર નવ વર્ષની હતી. તાજેતરમાં આ કિશોરી સાત વર્ષ બાદ ઘરે પાછી ફરી છે. પુત્રી પાછી ફરવાનો આનંદ તેનાં માતા-પિતાને થાય એ સ્વાભાવિક છે. જોકે ખોવાઈ ગયેલી સગીર દીકરી બે પુત્ર સાથે પાછી ફરી છે. તેને કેવી રીતે બે વખત વેચી નાખવામાં આવ્યા બાદ શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું એ સાંભળીને તેનાં માતા-પિતા ચોંકી ઊઠ્યાં હતાં. દીકરીની દાસ્તાન સાંભળ્યા બાદ તેનું અપહરણ અને શારીરિક શોષણ કરનારાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કલ્યાણ પોલીસે આ મામલામાં બે આરોપીની ધરપકડ કરી છે.
કલ્યાણ પોલીસના અધિકારીના જણાવ્યા મુજબ ૨૦૧૮માં કિશોરીને એક મહિલા અને પુરુષ ફોસલાવીને પોતાની સાથે લઈ ગયાં હતાં. તેમણે કિશોરીને મધ્ય પ્રદેશમાં એક વ્યક્તિને વેચી નાખી હતી. રૂપિયા આપીને ખરીદવામાં આવેલી કિશોરી પર બે વર્ષ શારીરિક શોષણ કર્યા બાદ મધ્ય પ્રદેશની વ્યક્તિએ ૨૦૨૦માં કિશોરીને સાડાત્રણ લાખ રૂપિયામાં રાજસ્થાનના દિનેશ નટ નામની વ્યક્તિને વેચી હતી. આ વ્યક્તિએ કિશોરીનાં લગ્ન તેના ભાણેજ સાથે કરાવ્યાં હતાં જેનાથી કિશોરીને બે પુત્ર થયા. પતિની સાથે તેના મામા દિનેશ નટ પણ કિશોરીનું શારીરિક શોષણ કરતા હતા. જેમતેમ કરીને કિશોરી પતિ અને તેના મામાની પકડમાંથી છટકીને કલ્યાણમાં રહેતાં માતા-પિતાના ઘરે બે પુત્ર સાથે પહોંચી હતી. કલ્યાણ પોલીસે કિશોરીની ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટે ચાર ટીમ બનાવી હતી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ભુજમાં તપાસ કર્યા બાદ પોલીસે કિશોરીના પતિ વિકેશની માઉન્ટ આબુમાંથી અને રાજસ્થાનમાંથી તેના મામા દિનેશ નટની ધરપકડ કરી હતી હતી. કિશોરીને ફોસલાવીને પોતાની સાથે લઈ જનારી મહિલા અને પુરુષ તેમ જ મધ્ય પ્રદેશમાં કિશોરીને ખરીદનારા અજાણ્યા આરોપીને પોલીસ શોધી રહી છે.

