જિયોપૉલિટિકલ તણાવો અને તકરારો વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ ઊભી કરે છે, જેને કારણે રોકાણકારોના આત્મવિશ્વાસ અને મૂડી-પ્રવાહ ઉપર અસર થાય છે
પ્રતીકાત્મક તસવીર
ભારતના રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર ઇઝરાયલ-ગાઝા સંઘર્ષની કોઈ પ્રકારની સીધી અસર પડી નથી, પરંતુ ઇઝરાયલી કંપનીઓ પાસેથી આવતા નાણાકીય ભંડોળની ગતિ ધીમી પડવાથી તેમ જ ક્રૂડ તેલના ભાવમાં વધારો થવાને કારણે બાંધકામ ઉદ્યોગમાં પડતર કિંમતોમાં થયેલા વધારાને કારણે મુખ્યત્વે કમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ યુદ્ધની અસરો જોવા મળી શકે છે. દેશનું અર્થતંત્ર, સરકારી નીતિઓ, વ્યાજદર તેમ જ સ્થાનિક માગ અને પુરવઠા જેવાં ઘરેલુ પરિબળોનો રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર વધુ પ્રભાવ પડે છે. જોકે અન્ય પરોક્ષ પરિબળો ભારત સહિત વૈશ્વિક બજારો ઉપર વ્યાપક અસરો કરી શકે છે. જિયોપૉલિટિકલ તણાવો અને તકરારો વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ ઊભી કરે છે, જેને કારણે રોકાણકારોના આત્મવિશ્વાસ અને મૂડી-પ્રવાહ ઉપર અસર થાય છે. આનાથી નાણાકીય બજારો ઉપર થતી અસરોને કારણે સંભવિત રીતે આંતરરાષ્ટ્રીય રોકાણો ઉપર પણ આનો પ્રભાવ પડે છે, જેમાં રિયલ એસ્ટેટ માર્કેટ પણ શામેલ છે.
યુદ્ધો જેવી વૈશ્વિક જિયોપૉલિટિકલ ઘટનાઓ ભારતના રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર પરોક્ષ રીતે કેવી અસરો કરી શકે છે એ આપણે આજે જોઈએ.
ADVERTISEMENT
૧. રોકાણકારોની ભાવના : વૈશ્વિક ઘટનાઓ રોકાણકારોની ભાવના અને આત્મવિશ્વાસ ઉપર અસર કરી શકે છે. જો અનિશ્ચિતતા વધે તો રોકાણકારો વધુ સચેત થઈ જાય છે જેને કારણે વિવિધ ઍસેટ ક્લાસમાં આવતો મૂડી-પ્રવાહ અવરોધાય છે, જેમાં રિયલ એસ્ટેટ માર્કેટ પણ બાકાત રહેતી નથી.
૨. વૈશ્વિક અર્થતંત્રની પરિસ્થિતિઓ : ઇઝરાયલ-ગાઝા વચ્ચેનો સંઘર્ષ વિશ્વની આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી શકે છે. દુનિયાના દેશો વચ્ચે થતા વેપાર અને દેશોનો આર્થિક વૃદ્ધિનો દર ધીમો પડી શકે છે. આમ દુનિયાના અન્ય ભાગોમાંની આર્થિક મંદી અથવા વિક્ષેપો ભારતીય અર્થતંત્ર ઉપર અને રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર પરોક્ષ રીતે અસર કરી શકે છે.
૩. તેલના ભાવ : મિડલ ઈસ્ટમાં જિયોપૉલિટિકલ તણાવને કારણે તેલના ભાવ ઊંચકાઈ શકે છે. ભારત મોટી માત્રામાં તેલની આયાત કરતો દેશ છે. તેલના ભાવોમાં વધુપડતી વધ-ઘટ ભારતના અર્થતંત્ર ઉપર માઠી અસર કરી શકે છે. આથી ભારતમાં ફુગાવાનો દર અને એકંદર આર્થિક સ્થિરતા પ્રભાવિત થવાની શક્યતાઓ છે, જેને લીધે રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર પણ નકારાત્મક અસર થઈ શકે છે.
૪. વ્યાજદર અને ધિરાણ : જિયોપૉલિટિકલ ઘટનાઓ વૈશ્વિક વ્યાજદરોને તેમ જ નાણાકીય પરિસ્થિતિઓને પ્રભાવિત કરી શકે છે. વ્યાજદરમાં થનારા આવા ફેરફાર લોન લેવાની કિંમત ઉપર અસર કરી શકે છે જેનાથી રિયલ એસ્ટેટમાં થનારાં રોકાણોના નિર્ણયો પ્રભાવિત થઈ શકે છે.
૫. ફૉરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) : અન્ય ઘણા દેશોની માફક ભારતના રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર ફૉરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અસર થઈ શકે છે. વૈશ્વિક ઘટનાઓ ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવાની વિદેશી રોકાણકારોની ઇચ્છાને પણ પ્રભાવિત કરી શકે છે.
૬. કૉમોડિટીના ભાવ : જિયોપૉલિટિકલ તણાવ બાંધકામ સામગ્રી સહિતના કૉમોડિટીના ભાવને અસર કરી શકે છે. આવી કૉમોડિટીના ભાવોમાં થનારી કોઈ પણ નોંધપાત્ર વધઘટ બાંધકામની કિંમત/ખર્ચ ઉપર અસર કરી શકે છે અને છેવટે એની અસર રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઉપર થઈ શકે છે.
૭. વ્યાજદર અને મૂડી-પ્રવાહ : જો આ સંઘર્ષ વૈશ્વિક વ્યાજદર અથવા મૂડી-પ્રવાહ ઉપર અસર કરશે તો એ પરોક્ષ રીતે ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટને પણ પ્રભાવિત કરી શકે છે. વ્યાજદરમાં થતો ફેરફાર લોન લેવાની કિંમત ઉપર અસર કરે છે, જેને કારણે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની કિંમતો અને પ્રૉપર્ટી ખરીદવાની ક્ષમતા બન્ને ઉપર અસર થતી જોવા મળે છે.
૮. ભારત-ઇઝરાયલ યુદ્ધથી દ્વિપક્ષીય વેપાર ઉપર અસર : ઑટોમોટિવ ડીઝલ, રાસાયણિક અને ખનીજ ઉત્પાદનો, મશીનરી અને વિદ્યુત ઉપકરણો, પ્લાસ્ટિક, કાપડ અને તૈયાર વસ્ત્રો, પરિવહન સાધનો અને કૃષિ ઉત્પાદનો વગેરેની ભારતથી ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે તેમ જ ભારત ઇઝરાયલથી મુખ્યત્વે સંરક્ષણ મશીનરી, પેટ્રોલિયમ તેલ, વિદ્યુત સાધનો અને પરિવહન સાધનો આયાત કરે છે. જો ઇઝરાયલ-હમાસ યુદ્ધ લાંબા સમય સુધી ખેંચાઈ જાય તો આ દ્વિપક્ષીય વેપાર ઉપર માઠી અસર થઈ શકે છે.
ભારત અથવા કોઈ પણ દેશના રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર થનારી સંભવિત અસરો સમજવા માટે વૈશ્વિક અને ઘરેલુ આર્થિક વલણો અને જિયોપૉલિટિકલ ઘટનાઓ બન્નેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. રિયલ એસ્ટેટ એ લાંબા ગાળા માટે કરાતું રોકાણ હોવાથી એની ઉપર જટિલ જિયોપૉલિટિકલ ઘટનાઓ જેવાં અન્ય વિવિધ પરિબળોની અસર થાય છે.

