ટૅરિફના નામે હાલ માર્કેટ જે કરેક્શનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે એમાં સેન્ટિમેન્ટની અસર વધુ છે, ફન્ડામેન્ટલ્સની નહીં. ભારતીય અર્થતંત્રની ગતિ સકારાત્મક રહી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટૅરિફના નામે હાલ માર્કેટ જે કરેક્શનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે એમાં સેન્ટિમેન્ટની અસર વધુ છે, ફન્ડામેન્ટલ્સની નહીં. ભારતીય અર્થતંત્રની ગતિ સકારાત્મક રહી છે. આર્થિક વૃદ્ધિ આના સધ્ધર પુરાવા આપી રહી છે, જેથી લૉન્ગ-ટર્મ ગ્રોથ-સ્ટોરી અકબંધ ગણાય. દરમ્યાન નરેન્દ્ર મોદીની જપાન-ચીનની મુલાકાતનાં પરિણામ પર સૌની નજર છે. ઇન શૉર્ટ, સમજો તો ઇશારા કાફી, વર્તમાન કરેક્શનને તક બનાવી શકાય
એક તરફ અમેરિકા તરફથી ભારતના માલોની નિકાસ પર ૫૦ ટકા ટૅરિફ લાગુ કરી દેવામાં આવી છે. એના સેન્ટિમેન્ટની અસરે સ્ટૉક માર્કેટ વીતેલા સપ્તાહમાં સતત ઘટતું રહ્યું અને ભારતીય અર્થતંત્ર સામે પડકાર વધી ગયા હોવાની ચર્ચા ચાલી ત્યારે શુક્રવારે સાંજે જાહેર થયેલી દેશના ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP-કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)નો વૃદ્ધિદર પ્લેઝન્ટ સરપ્રાઇઝ રૂપે ૭.૮ ટકા જેવો ઊંચો જાહેર થતાં સેન્ટિમેન્ટ નવેસરથી બદલાવાની આશા જાગી છે. ૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં GDPનો વૃદ્ધિદર ૭.૮ ટકા આવ્યો એ ઉમ્મીદ સે ઝ્યાદા છે. રિઝર્વ બૅન્કે પણ એની ધારણા ૬.૫ ટકા મૂકી હતી. જોકે આગલા ક્વૉર્ટરમાં એ ૭.૪ ટકા રહ્યો હતો. એમ છતાં આ ક્વૉર્ટરમાં એના વધવાની આશા તો નહોતી જ. ઇન શૉર્ટ, વૈશ્વિક અનિશ્ચિતતાના આ માહોલમાં પણ ભારતીય ઇકૉનૉમીની વૃદ્ધિ ચાલુ રહી છે એટલું જ નહીં, ઊંચી પણ રહી છે. મૂલ્યની દૃષ્ટિએ ઇકૉનૉમીનું કદ ૪૭ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું છે. આ સંજોગોમાં રિઝર્વ બૅન્ક તરફથી વ્યાજદરમાં કાપ મૂકવાની શક્યતા વધી છે જે બજાર માટે સકારાત્મક પગલું બનશે.
ADVERTISEMENT
દેશ વધુ મજબૂત બનશે
ભારત માટે ૨૦૨૫નું વર્ષ બહુ જ મહત્ત્વનું બની ગયું છે, અમેરિકાના ટ્રમ્પસાહેબનો આભાર માનવાનું મન થાય એવાં નિવેદનો સરકારનાં જ નહીં, ઉદ્યોગજગત તેમ જ પ્રજામાંથી પણ બહાર આવી રહ્યાં છે. ભારત કોઈ એક દેશ, માર્કેટ અને સિંગલ સપ્લાય-ચેઇન પર નિર્ભર નહીં રહે. ભારત સતત વેપાર વૈવિધ્યકરણ પર જોર આપશે, અમેરિકન ટૅરિફનો આ અનુભવ ભારત માટે બહુ મહત્ત્વનો પાઠ છે જે ભારતને વિશાળ અર્થતંત્ર બનવા વધુ જોશપૂર્વક દોરી જશે.
૨૦૦૮ની ક્રાઇસિસ વખતે જે બન્યું હતું એની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો FII ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ના વેચાણ સામે અડીખમ ઊભા છે એટલું જ નહીં, એનાથી ઉપર રહ્યા છે. ભારતીય બજારને સ્થાનિક રોકાણકારોનો એટલો જબરદસ્ત ટેકો મળી રહ્યો છે કે ફૉરેન ઇન્વેસ્ટર્સના ભારે વેચવાલીના દબાણને આપણા રોકાણકારો પચાવી જાય છે. જુલાઈમાં FPI ભારતમાંથી નાણાં ઉપાડી રહ્યા હતા ત્યારે એવું પણ જોવાયું કે તેઓ તાઇવાન, જપાન અને સાઉથ કોરિયામાં ખરીદી કરી રહ્યા હતા. તેમને ભારતની માર્કેટમાં પ્રૉફિટ બુક કરી લેવાનું મુનાસિબ લાગ્યું હતું, કેમ કે ટ્રમ્પસાહેબ ભારત પ્રત્યે ખફા થયા હોવાથી તેમને લાગ્યું કે ભારતીય માર્કેટ આ સહન નહીં કરી શકે. જોકે ઑગસ્ટમાં બાજી બદલાવાની શરૂ થઈ અને FII ધીમા પડ્યા અને હવે તેઓ પાછા ભારત તરફ બાયર્સ તરીકે આગળ વધશે એવા સંકેત છે. અલબત્ત, નોંધનીય વાત એ છે કે આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ નેટ સેલર્સ રહેશે તો પણ સ્થાનિક રોકાણકારોના મજબૂત ટેકાથી ભારતીય શૅરબજાર ટકી રહેશે અને આગેકૂચ પણ ચાલુ રાખશે એવું માનવા માટે કારણો છે અને સંજોગો પણ છે. અલબત્ત, ટૂંકા સમયગાળામાં ટૅરિફની અસર નેગેટિવ રહી શકે છે. અલબત્ત, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર-ડીલ ફાઇનલ થયા બાદ મામલો થાળે પડ્યો ગણાશે. આ પહેલાં જપાન-ચીન મુલાકાતનાં પરિણામ પણ જોવા મળશે જે સકારાત્મક રહેવાની આશા છે.
અલબત્ત, આગામી ક્વૉર્ટરમાં GDP પર અમેરિકાની અસર જોવા મળી શકે, જેથી માર્કેટને કંઈક અંશે એ અધ્ધર રાખી શકશે. અર્થાત્ માર્ગમાં અવરોધો જરાય નહીં આવે એમ માની શકાય નહીં, પરંતુ આ અવરોધો ભારતને વધુ શક્તિશાળી બનાવશે એવી ઉમ્મીદ છે. વર્તમાન સરકારનાં છેલ્લાં ૧૧ વર્ષનાં પગલાં અને એનાં પરિણામોને, રિફૉર્મ્સ અને વિકાસલક્ષી અભિગમને જોઈએ તો નિરાશા કરતાં આશા વધુ મજબૂત દેખાશે. દેશનો બહુ મોટો વર્ગ છેલ્લા દાયકાથી સતત મ્યુચ્યુઅલ ફન્ડ્સના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં એકધારું રોકાણ કરતો રહ્યો છે એટલું જ નહીં, વધારતો પણ રહ્યો છે.
સ્થાનિક રોકાણકારોનો મજબૂત પ્રવાહ
એસ ઍન્ડ પી બાદ રેટિંગ એજન્સી ફિચ દ્વારા સ્ટેબલ આઉટલુક સાથે ભારતનું રેટિંગ બીબીબી જાળવી રખાયું છે જે ભારતની ઇકૉનૉમિક વૃદ્ધિની મજબૂતી દર્શાવે છે. એણે ૨૦૨૬માં ભારતનો GDP ૬.૫ ટકા રહેવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. એ પછી રેટિંગ એજન્સી ફિચે પણ રેટિંગને જાળવી રાખ્યું છે. આમ એકંદરે રેટિંગ અપગ્રેડ થયું હોવા છતાં ફૉરેન ઇન્વેસ્ટર્સને ભારતીય માર્કેટમાં હજી કંઈક અનિશ્ચિતતાના સંકેતો જણાય છે. ૨૦૨૪થી સતત નેટ સેલર્સ રહેનાર FIIએ આ વર્ષમાં ૧.૨૧ લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા, જ્યારે કે ૨૦૨૫ના અત્યાર સુધીના સમયમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રાખીને વધારાના ૧.૫૭ લાખ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. હવે અહીં ટર્નિંગ પૉઇન્ટની આશા વધી રહી છે ખરી, પરંતુ યોગ્ય સમયની રાહ જોવી પડશે.
કૉર્પોરેટ અર્નિંગ્સ સુધારાની રાહ
ડી. આર. ચોકસી ફિનસર્વના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીના મતે હાલ ભારતીય માર્કેટમાં વૅલ્યુએશન વાજબી સ્તરે કહી શકાય. જોકે ફૉરેન ઇન્વેસ્ટર્સને અત્યારે કોઈ અર્થપૂર્ણ વૃદ્ધિની શક્યતા જણાતી નથી. તેમના અભિપ્રાય મુજબ જ્યાં સુધી કંપનીઓની અર્નિગ્સમાં નોંધપાત્ર સુધારા દેખાશે નહીં ત્યાં સુધી આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સક્રિય ખરીદી કરશે નહીં. કહેવાય છે કે ગ્લોબલ મૉનિટરી હળવાશ, રૂપિયાની સ્થિરતા અને અર્નિંગ્સની વૃદ્ધિ જ ભારતીય ઇક્વિટીઝમાં રોકાણપ્રવાહ ઝડપથી વહેતો કરી શકે. હાલ ગ્લોબલ ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટર્સમાં પણ ભારતીય શૅરબજાર માટે સેન્ટિમેન્ટ નબળાં રહ્યાં છે. બૅન્ક ઑફ અમેરિકાના તાજા ફન્ડ મૅનેજર્સ સર્વે અનુસાર છેલ્લા મે મહિનામાં મોસ્ટ ફેવર્ડ રાષ્ટ્ર તરીકે ભારતનો ક્રમ નીચે આવી ગયો છે. ગ્લોબલ સંસ્થા નોમુરાના ઍનૅલિસિસ મુજબ ૪૫ લાર્જ ઇમર્જિંગ માર્કેટ ફન્ડ્સે ભારતીય માર્કેટ માટે ફાળવણી ઘટાડી છે જ્યારે હૉન્ગકૉન્ગ, ચીન અને સાઉથ કોરિયા માટેની ફાળવણી વધારી છે. જોકે આ અસર પણ કામચલાઉ રહેવાની શક્યતા છે.
હવે પછી દેશની અને બજારની નજર મોદીની જપાન અને ચીન મુલાકાતના પરિણામ પર રહે એ સહજ છે જે ભારતના ગ્લોબલ વેપારનો તનાવ ઘટાડી શકે છે. હાલ તો FIIની આક્રમક વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની જબરદસ્ત ખરીદીનો ટેકો બજારને જાળવવાની મજબૂત કામગીરી કરી રહ્યો છે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
ભારતને ડેડ ઇકૉનૉમી કહેનાર ટ્રમ્પને ભારતના ઊંચા (૭.૮ ટકા) GDPએ જવાબ આપી દીધો છે.
રિઝર્વ બૅન્ક હવે ઑક્ટોબરમાં ધિરાણ પરના વ્યાજદરમાં પા (૦.૨૫ ટકા) ટકાનો કાપ મૂકે એવી શક્યતા વધી છે. આ પગલું માગ અને વપરાશને વેગ આપશે.
રિલાયન્સ ગ્રુપ એના નવા મહત્ત્વાકાંક્ષી પ્લાન્સ સાથે સજ્જ થયું છે, જેમાં ન્યુ ઇકૉનૉમીના વિવિધ પ્રોજેક્ટ્સ લૉન્ચ થશે.
રિલાયન્સ ગ્રુપની જિયો એના વિરાટ IPO માટે સજજ થઈ રહી છે.
GSTના સુધારા પણ ઇકૉનૉમીને વેગ આપવામાં મહત્ત્વનું પગલું સાબિત થશે.
ટ્રમ્પ-ટૅરિફથી જેમને નેગેટિવ અસર થવાની શક્યતા છે એ તમામ સેક્ટર્સને સરકારે તેમની રક્ષાની કાળજી લેવાશે એની ખાતરી આપી છે.
ટ્રમ્પના ટૅરિફ-નિર્ણયો ડેડ
અમેરિકાની કોર્ટે ટ્રમ્પ સરકાર દ્વારા લદાયેલી મોટા ભાગની ટૅરિફને ગેરકાયદે જાહેર કરતાં હવે આ વિષયમાં ટ્વિસ્ટ આવશે. ફરી વાર ટૅરિફ મામલે અનિશ્ચિતતા ઊભી થઈ છે. હવે સમીકરણો કઈ રીતે બદલાશે, વેપાર પર કઈ રીતે અસર થશે, ટ્રમ્પ સરકાર આનો ઉપાય શું કરશે, વિવિધ દેશોની સહી થયેલી કે સહી ન થયેલી ડીલ્સ કઈ રીતે હાથ ધરાશે વગેરે માટે રાહ જોવી પડશે. બજાર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગળ વધશે. હાલ તો ઇકૉનૉમી નહીં પણ ટ્રમ્પસાહેબના નિર્ણયો ડેડ થઈ ગયા જેવી દશા ઊભી થઈ છે.

