ટૅરિફથી પણ ભારત દબાણમાં ન આવ્યું તો ડોનલ્ડ ટ્રમ્પનો યુરોપના દેશોને આદેશ
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકાએ રશિયા પાસેથી તેલની ખરીદી માટે ભારત પર દબાણ વધાર્યું છે. વાઇટ હાઉસે હવે યુરોપિયન દેશોને પણ ભારત પર પ્રતિબંધો લાદવાની અપીલ કરી છે. ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે છે કે યુરોપ ભારત પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરે અને વધુ કર લાદે.
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારત રશિયન ક્રૂડ ઑઇલ ખરીદીને મૉસ્કોને આર્થિક સહાય પૂરી પાડી રહ્યું છે અને આ રીતે યુક્રેન યુદ્ધમાં એને મદદ કરી રહ્યું છે. વૉશિંગ્ટને ભારત પર ૫૦ ટકા ટૅરિફ લગાવી દીધી છે. એના જવાબમાં ભારતે પશ્ચિમી દેશો પર બેવડાં ધોરણોનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચીન અને યુરોપ બન્ને રશિયા પાસેથી મોટા પાયે તેલ અને ગૅસની ખરીદી રહ્યાં છે, પરંતુ ચીનની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
યુરોપનું મૌન અને ટ્રમ્પનો ગુસ્સો
ઘણા યુરોપિયન નેતાઓ જાહેરમાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોને સમર્થન આપે છે, પરંતુ ગુપ્ત રીતે તેઓ અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન સમિટમાં થયેલી પ્રગતિને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના અધિકારીઓ માને છે કે વધુ સારા સોદા માટે યુક્રેન પર યુરોપિયન દેશોનું દબાણ યુદ્ધને લંબાવી રહ્યું છે. આ જ કારણ છે કે વાઇટ હાઉસ યુરોપિયન નેતાઓથી નારાજ છે.
ચીનમાં મહત્ત્વપૂર્ણ વાટાઘાટો
ચીનમાં SCO સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે થનારી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ટૅરિફ અને રશિયા-યુક્રેન યુદ્ધ હશે.

