ટ્રમ્પની લટકતી તલવાર વચ્ચે, એસ ઍન્ડ પીના રેટિંગ અપગ્રેડેશનના સંજોગો વચ્ચે શૅરબજારની ગતિ ટૂંકા ગાળામાં સુધરી જવાની શક્યતા ઓછી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પની લટકતી તલવાર વચ્ચે, એસ ઍન્ડ પીના રેટિંગ અપગ્રેડેશનના સંજોગો વચ્ચે શૅરબજારની ગતિ ટૂંકા ગાળામાં સુધરી જવાની શક્યતા ઓછી છે, પરંતુ લાંબા ગાળાના સંજોગો સકારાત્મક ગણી શકાય એમ સમજીને રોકાણ પ્લાન કરવું જોઈશે : ટ્રેડ-ટૅરિફની સમસ્યા ભારત માટે મૅનેજેબલ : મજબૂત ઇકૉનૉમી વિશે લાંબું વિચારવું જોઈશે
વીતેલા સપ્તાહમાં ભારતીય અર્થતંત્ર માટે સૌથી સારા સમાચાર શું હતા? એક જ વાક્યમાં જવાબ જોઈએ તો જવાબ છે, ગ્લોબલ રેટિંગ એજન્સી એસ ઍન્ડ પી દ્વારા ભારતના રેટિંગમાં કરાયેલું અપગ્રેડેશન અને વ્યક્ત કરાયેલું સ્ટેબલ આઉટલુક. આ ઉપરાંત ભારતીય અર્થતંત્રના વિકાસની સરાહના, જે વર્તમાન પડકારોના સંજોગોનો બહેતર સામનો કરીને પોતાની નીતિઓ મુજબ આગળ વધી રહ્યું છે. ટ્રમ્પસાહેબ ભલે ભારતીય ઇકૉનૉમીને ડેડ કહે, પરંતુ ગ્લોબલ રેટિંગ એજન્સીની જાહેરાત ટ્રમ્પની જાહેરાત કરતાં અનેકગણી વધુ પાવરફુલ અને અસરકારક ગણાય. આ બાબત અને એના સંકેતોને લાંબા ગાળાના ટ્રેન્ડ માટેનો જબરદસ્ત આશાવાદ કહી શકાય.
ADVERTISEMENT
હાલ ટ્રેડ-ટૅરિફ યુદ્ધમાં માહોલ જે પણ હોય એ ટૂંકા ગાળામાં ઉકેલાઈ જશે અથવા એની અસર લાંબી ચાલવી કઠિન છે. હકીકતમાં અત્યારે ભારતની જે આર્થિક સ્થિતિ અને ગતિ છે એ મહત્ત્વની છે. યાદ રહે, એસ ઍન્ડ પીએ ૧૮ વર્ષ બાદ ભારતના રેટિંગને ઊંચું કર્યું છે, જેમાં ભારતની સ્થિતિસ્થાપકતાની શક્તિને બિરદાવવામાં આવી છે. ભારતના વિકાસની સંભાવનાને ગણતરીમાં લેવામાં આવી છે. રેટિંગ કંપની માને છે કે અમેરિકન ટૅરિફનો મુદો ભારત માટે મૅનેજેબલ છે, એણે ભારતનો આગામી ત્રણ વર્ષ માટે વાર્ષિક ગ્રોથ ૬.૮ ટકા રહેવાની ધારણા મૂકી છે.
મ્યુચ્યુઅલ ફન્ડ્સનો મજબૂત ટેકો
ટ્રમ્પના તમાશા ચાલી રહ્યા હોવાથી સતત સર્જાતી અનિશ્ચિતા વચ્ચે કરેક્શનને બદલે ભારતીય શૅરબજારે વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે મોટો ઉછાળો માર્યો હતો, જેને મળેલાં ચોક્કસ કારણોમાં વૅલ્યુ-બાઇંગ ઉપરાંત પૉઝિટિવ ગ્લોબલ સંકેતો ઉપરાંત ક્રૂડ ઑઇલના ઘટેલા ભાવ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં આવતા સિસ્ટેમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં નોંધાયેલા જોરદાર જમ્પનો ખાસ સમાવેશ થતો હતો. મજાની વાત એ હતી કે જુલાઈના SIPના આંકડા પાવરફુલ કૉન્ફિડન્સ આપનારા હતા. ઇક્વિટીમાં ફન્ડ્સનું નેટ રોકાણ ૮૧ ટકાની વૃદ્ધિ સાથે ૪૨,૦૦૦ કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું હતું. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયા (AMFI)ના આ આંકડા દર્શાવે છે કે કોઈ પણ બદલાતા સંજોગોમાં પણ ભારતીય રોકાણકારો ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં સતત રોકાણપ્રવાહ વહાવી રહ્યા છે. આમ સતત ૫૩ મહિનાના નેટ ઇન્વેસ્ટમેન્ટનો આંકડો જળવાઈ રહ્યો છે. માર્કેટ એક તરફ ચિંતા અને અનિશ્ચિતતામાં મહદંશે કરેક્શન તરફી રહ્યું હોવા છતાં પણ રીટેલ રોકાણકારો ફન્ડ્સ માર્ગે SIP મારફત રોકાણ કરતા રહ્યા છે જે તેમનો વિશ્વાસ દર્શાવે છે. આ બાબત પણ માર્કેટ માટે લાંબા ગાળાના પૉઝિટિવ સંકેત આપે છે.
ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ વેચવાલ ખરા, પરંતુ...
સપ્તાહ દરમ્યાન પરિબળો બદલાતાં રહેતાં અને ટ્રમ્પ-પુતિનની મીટિંગના પરિણામની અનિશ્ચિતતાની સાવચેતીમાં માર્કેટમાં કરેક્શન આવ્યું હતું. આ ઉપરાંત FIIનું નેટ વેચાણ પણ કારણ હતું. ઇન્ફ્લેશન ડેટાની ચિંતા પણ હતી. જોકે વૅલ્યુએશન વાજબી સ્તરે આવ્યા હોવાની અસરને પગલે માર્કેટમાં કરેક્શન બાદ લેવાલી પણ આવી જાય છે. એથી જ બુધવારે માર્કેટ નેગેટિવમાંથી પૉઝિટિવ થઈને બંધ રહ્યું હતું, જ્યારે ગુરુવારે માર્કેટ વધઘટ બાદ અંતમાં સાધારણ પ્લસ બંધ રહ્યું હતું. જોકે સ્મૉલકૅપ ઇન્ડેક્સમાં કરેક્શન જોવાયું હતું.
આમ તો જુલાઈથી ભારતીય માર્કેટ કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું હતું. ટ્રેડ-ટૅરિફના મામલે તનાવ અને અનિશ્રિતતા વધવાને કારણે સેન્ટિમેન્ટ પર અસર થઈ હતી, જ્યારે FII સતત વેચવાલ બની ગયા હતા. દરમ્યાન વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટીઝ એ રીતે વેચી રહ્યા છે જાણે વેચ્યા વિના રહી જવાના હોય. ૨૦૨૫માં આ વિદેશી રોકાણકારોનો આઉટફલો ખાસ્સો ઊંચો રહ્યો છે. જોકે એનાં કારણોમાં જે બાબતો રહી હતી કે છે એ હવે ધીમે-ધીમે દૂર થતી જાય છે. અલબત્ત, ચોક્કસ અનિશ્ચિતતા હજી રહેવાના સંકેત હોવાથી સાવચેતી પણ રહેશે. જાણીતા અર્થશાસ્ત્રી જેફરી સાક્સના મતે અમેરિકા ભારતની પરવા કરતું નથી, પરંતુ ભારત એક મુખ્ય ગ્લોબલ ખેલાડી તરીકે ઊભરી રહ્યું છે. આખા વિશ્વમાં ભારત એકલું પોતાના દમ પર ઊભું છે. અમરિકા ગેરબંધારણીય રીતે એના પર ટૅરિફ લાદી રહ્યું છે.
એસ ઍન્ડ પી કહે છે...
ગ્લોબલ રેટિંગ એજન્સી એસ ઍન્ડ પીએ ભારતનું રેટિંગ BBB માઇનસથી અપગ્રેડ કરીને BBB કર્યા બાદ ભારતની ઇકૉનૉમીની સરાહના કરતાં કહ્યું છે કે ભારત એની સ્થિર નીતિઓ સાથે વિકાસ કરી રહ્યું છે. એજન્સીએ ભારતના આઉટલુકને પણ સ્ટેબલ ગણાવ્યું છે જે વર્તમાન સંજોગોમાં નોંધનીય ગણાય. અમેરિકા આદું ખાઈને ભારતની પાછળ પડી ગયું છે અને ટ્રમ્પસાહેબ ભારતની ઇકૉનૉમીને ડેડ ઇકૉનૉમી ગણાવી રહ્યા છે ત્યારે ગ્લોબલ રેટિંગ એજન્સી તરફથી આ અપગ્રેડેશન ખાસ બની જાય છે. હવે બજાર પર બે પરિબળો મુખ્ય અસર કરશે. એમાં પુતિન-ટ્રમ્પ મીટિંગ, ચીન સાથેની ભારતની મીટિંગના નિષ્કર્ષનો સમાવેશ થશે. હવે પછી મૂડીઝ અને ફિચ જેવી રેટિંગ એજન્સીઓ પણ ભારત માટે નવું વિચારી શકે.
બૅન્કોનું ઇક્વિટી રોકાણ
મજાની વાત એ છે કે હાલની માર્કેટમાં બૅન્કોનું પણ ઇક્વિટીમાં રોકાણ વધ્યું છે, વર્ષ ૨૦૨૫માં આ રોકાણ ૪૯ ટકા વધ્યું છે. રીટેલ રોકાણકારો ભલે પોતે તક ન ચૂકી જાય એવા ભય કે વિચારથી સ્ટૉક માર્કેટમાં પ્રવેશ્યા હોય, પરંતુ બૅન્કો તો આયોજન કરીને ઇક્વિટી માર્કેટમાં પોતાનું રોકાણ વધારી રહી છે. અગાઉ એક સમયે એવું જોવા મળતું કે બૅન્કો ફાઇનૅન્સ સોર્સની મુખ્ય ભૂમિકામાં રહેતી, જેમાં પછીથી એની લોન્સ બૅડ લોન્સ પણ બની હતી, જ્યારે કે હવે કંપનીઓ માર્કેટનો આશરો મેળવતી થઈ ગઈ છે. આમાં નાની-મધ્યમ કંપનીઓ પણ આવી જાય છે. આજે બૅન્કો મોટે પાયે શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી થઈ છે. નાના-મોટા રોકાણકારો IPO મારફત, ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ, ખાનગી ઇક્વિટી માર્ગે, પ્રમોટર્સ બ્લૉક્સ મારફત કંપનીઓના પ્રોજેક્ટ્સને ફાઇનૅન્સ કરતા થઈ ગયા છે. અગાઉ આવું ૯૦ના દાયકામાં બનતું જોવાયું હતું. આમાં કંઈક અંશે જોખમ પણ છે, એમ છતાં હાલ રોકાણકારો અન્ય ઍસેટ્સ કરતાં ઇક્વિટી તરફ જ વધુ ઢળી રહ્યા છે. તેઓ ઍસેટ અલોકેશન ટાળી રહ્યા છે જે રિસ્કી પણ બની શકે.
આર્થિક સમાચાર-સંકેતો
કેન્દ્ર સરકાર GSTમાં સુધારા કરી આ કર-માળખાને સરળ બનાવશે એવી આશા છે.
રોકાણકારોએ હાલ ભારત અને અમેરિકાના ઇન્ફ્લેશન-ડેટા પર ધ્યાન આપવું જોઈશે.
માર્કેટ-ખેલાડીઓએ ગ્લોબલ ટ્રેડ ડેવલપમેન્ટ તેમ જ કૉર્પોરેટ અર્નિંગ્સ પર પણ નજર રાખવી જોઈશે.
હાલના સમયમાં સ્થાનિક વપરાશ આધારિત સેક્ટર્સ પર પણ ધ્યાન આપવું મહત્ત્વનું રહેશે.
FIIનો રોકાણપ્રવાહ કેવો રહે છે એ જાણવું પણ મહત્ત્વનું બનશે.

