જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે ગુરુનો જીવનમાં પ્રભાવ વધતો દર્શાવે એવી ઘટનાઓને જાણી લેવી જોઈએ
પ્રતીકાત્મક તસવીર
ગુરુ સૌથી મહત્ત્વનો ગ્રહ છે. ગુરુ ગ્રહની સૌથી સારી વાત જો કોઈ હોય તો એ કે ગુરુ સંભવ હોય ત્યાં સુધી કોઈને નકારાત્મક પરિણામ નથી આપતો. આ જ ગુરુ ગ્રહની બીજી ખાસિયત છે કે એને જરા અમસ્તો પણ સાચવવાનો પ્રયાસ થાય તો તરત જ એ વ્યક્તિને સકારાત્મક પરિણામ આપવા માંડે છે. આજે આપણે ગુરુ ગ્રહનો જીવનમાં પ્રભાવ વધે તો કેવી રીતે વ્યક્તિને ખબર પડે એ વિશે વાત કરવાની છે.
જો ગુરુનો પ્રભાવ વધ્યો હોય અને એના વિશે અગાઉથી જ જાણકારી મળી જતી હોય તો અનેક બાબતોમાં એનો લાભ લઈ શકાય છે એટલે એ જાણવું જરૂરી છે કે ગ્રહનો પ્રભાવ વધ્યો છે.
ADVERTISEMENT
જો વજન વધે તો...
શારીરિક અસ્વસ્થતા ન હોય, શરીરમાં કોઈ જાતની બીમારી ન હોય અને તંદુરસ્ત તથા નૉર્મલ રીતે વજન વધે તો માનવું કે જીવનમાં ગુરુનો પ્રભાવ વધી રહ્યો છે. એક વાત યાદ રાખવી, વજન ઘટાડવા માટે સર્જરી કરાવવા કરતાં તંદુરસ્તી અકબંધ રહે અને વ્યક્તિ ઍક્ટિવ રહે એવા પ્રયત્નો થવા જોઈએ. વજન ઘટાડવાનો એક અર્થ એવો પણ થાય કે વ્યક્તિ ઇરાદાપૂર્વક પોતાના જીવનમાં ગુરુનો પ્રભાવ ઘટાડી રહી છે, જે વાજબી નથી.
જો તમે સ્વસ્થ હો, આરામથી અને સરળતા સાથે દરેક કાર્ય કરી શકતા હો અને વજનના કારણે જીવનમાં બીજી કોઈ વ્યાધિ-ઉપાધિ આવી ન હોય તો વધેલા વજનને ગુરુનો પ્રભાવ ગણી જીવનને માણો.
પીળો રંગ વારંવાર દેખાવો
પીળા રંગનું દેખાવું અને વારંવાર દેખાવું પણ ગુરુના વધતા પ્રભાવની અસર દર્શાવે છે. ગુરુનો કલર પીળો છે. ઇરાદાપૂર્વક પ્રયાસ નથી કરવાનો પણ સાવ જ અનાયાસે વારંવાર પીળો રંગ સામે આવ્યા કરે તો સમજવું કે ગુરુની પ્રભાવી દૃષ્ટિનો લાભ મળવાની તૈયારીમાં છે. પીળા રંગનાં ફૂલ, પીળા રંગનાં કપડાં, પીળા રંગનાં પક્ષીઓ કે પછી પીળા રંગની અન્ય કોઈ જગ્યાએ હાજરી દેખાવી એ સારી વાત છે.
આવું જો જાગૃત અવસ્થાના એક દિવસ દરમ્યાન વારંવાર બને તો ખુશ થવું અને સારા કાર્યને આગળ ધપાવવા માટે સકારાત્મક રીતે વિચારવું.
અચાનક શિક્ષકોનું મળવું
હા, આ વાતને પણ ગુરુની પ્રભાવી અસર સાથે સરખાવવામાં આવે છે. અચાનક જ સ્કૂલ-કૉલેજના એવા શિક્ષકોનું મળવું જેના માટે તમને માન-પ્રેમ હોય, જેમણે તમારા જીવનમાં સાચા અર્થમાં ગુરુની ભૂમિકા ભજવી હોય એ કોઈ કારણ વિના બહાર રૂબરૂ મળી જાય કે તેમનો ફોન આવી જાય તો માનવું કે ગુરુ તમારા જીવનમાં સકારાત્મક ભૂમિકા ભજવવાની તૈયારીમાં છે. શિક્ષકો ઉપરાંત જૂના બૉસનું મળવું કે તેમનો ફોન આવી જવો એને પણ ગુરુની પ્રભાવી અસર ગણવામાં આવે છે.
ધારો કે તમને કોઈ વાત કનડે છે અને એ વાતનું સોલ્યુશન સાવ અનાયાસે જ કોઈ દ્વારા મળી જવું પણ ગુરુની સકારાત્મક અસરનું પરિણામ છે.
અજાણતાં આવે ધાર્મિક વાતો
ઘણી વાર આવું બનતું હોય છે કે તમારા કાને અચાનક જ ફિલ્મનાં ગીતો પડે. ગીત કોઈ વગાડતું હોય, પણ તમને સાવ અનાયાસે જ એ સાંભળવા મળી જાય. આવું જ ધાર્મિક ગીતોમાં કે ભજનમાં બને કે પછી ભગવદ્ગીતા, રામાયણ, વેદ-ઉપનિષદ જેવા ગ્રંથોનું પઠન થતું હોય અને તમને એ એકાએક સંભળાય તો માનવું કે જીવનમાં ગુરુનો પ્રભાવ વધી રહ્યો છે.
આવું જ દાન-ધર્મની બાબતમાં પણ છે. જો તમે પસાર થતા હો અને તમને કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાનું મન થઈ આવે અને તમે લાંબું વિચાર્યા વિના તેને મદદ કરો તો માનવું કે ગુરુ તમારા જીવનમાં પ્રભાવ વધારી રહ્યો છે. પરોપકાર ત્યારે સુઝે છે જ્યારે ગુરુ ગ્રહની વ્યક્તિ પર અસર વધી હોય.
અટકેલાં કામો પૂર્ણ થવાં
લાંબા સમયથી કોઈ કામ અટક્યું હોય, પૂરું થવાની ધારણા ન હોય કે પછી ઉઘરાણી લેવાની હોય અને પૈસા આવતા જ ન હોય પણ સાવ અચાનક, ધારણા પણ રાખી હોય એ રીતે એ પૈસા કે કામ પૂરું થાય તો માનવું કે ગુરુએ પોતાના બાર હાથ તમારા પર પાથરી દીધા છે. સકારાત્મક ગુરુ ગ્રહની સૌથી મોટી ખાસિયત એ છે કે ગુરુ મુશ્કેલી, તકલીફ અને અડચણો દૂર કરી જીવનમાં સરળતા લાવે.
ધારણા ન રાખી હોય એવા સમયે અચાનક જ કોઈ એવા ગુડ ન્યુઝ મળે જે ખરેખર વ્યક્તિને રાજી કરી દે તો પણ માનવું કે ગુરુનો જીવનમાં સકારાત્મક પ્રભાવ વધી રહ્યો છે. ભણવાનું છોડી દીધું હોય અને એ પછી પણ કંઈ ભણવા કે શીખવાનું મન થાય એ પણ ગુરુના વધતા સકારાત્મક પ્રભાવની અસર છે.

