નરેન્દ્ર મોદીએ GSTમાં ધરખમ રાહતોનો અણસાર આપ્યો છે ત્યારે વેપારી અગ્રણીઓ કહે છે... વેપારીઓ કહે છે કે સરકાર આ મુદ્દે વાતોનાં વડાં કરતી રહી છે, પણ હજી સુધી એના પર અમલ કરવામાં નિષ્ફળ ગઈ છે
નરેન્દ્ર મોદી
૧૫ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅકસ (GST)માં વ્યાપક સુધારાની ઘોષણાની વેપાર તેમ જ ઉદ્યોગજગત દ્વારા ભારપૂર્વક પ્રશંસા કરવામાં આવી છે. વેપારીઓ માને છે કે સામાન્ય નાગરિકો પર કરવેરાના ભારને ઘટાડવા અને વપરાશને પ્રોત્સાહન આપવા તરફનું આ ઐતિહાસિક પગલું છે. દૈનિક વસ્તુઓ પર GST ઘટાડવાનું અને ટૅક્સ-સ્લૅબને સરળ બનાવવાનું આ પગલું નાના વેપારીઓ, માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) અને છૂટક ક્ષેત્રો માટે અત્યંત ફાયદાકારક રહેશે અને તહેવારની મોસમ પહેલાં અર્થતંત્રને નવી ગતિ આપશે. જોકે વેપારી નેતાઓનું કહેવું છે કે આ સાથે-સાથે જો GSTના જટિલ કમ્પ્લાયન્સિસમાં સરળતા લાવતા ઘણા મહત્ત્વપૂર્ણ બદલાવ લાવવામાં આવશે તો જ એનો લાભ છેવટના નાગરિક સુધી પહોંચી શકશે. તેઓ કહે છે, ‘અત્યારે GSTનાં વિવિધ રિટર્ન્સ ભરવાં પણ એટલાં જટિલ છે કે સારામાં સારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના સ્ટાફે પણ એમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે લોકો પણ રિટર્ન્સ વ્યવસ્થિત ભરી શકવામાં અસમર્થ પુરવાર થાય છે. સરકારે સૌથી પહેલાં GSTનાં રિટર્ન્સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવી અત્યંત જરૂરી છે. હવે જ્યારે GST-સુધારણા થઈ રહી છે ત્યારે પ્રોફેશનલ ટૅક્સ અને વિવિધ સ્થાનિક મ્યુનિસિપલ ટૅક્સ તરત હટાવી સરકાર ‘વન નેશન વન ટૅક્સ’નું વચન પાળી બતાવે. સરકાર આ મુદ્દે વાતોનાં વડાં કરતી રહી છે, પણ હજી સુધી એના પર અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.’
મિતેશ મોદી
ADVERTISEMENT
આ પ્રક્રિયા સરળ ન બને ત્યાં સુધી સરકારે વેપારીઓનાં રિટર્ન્સ ભરવા માટે સુવિધાકેન્દ્ર શરૂ કરવાં જોઈએ એમ જણાવતાં ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના રાષ્ટ્રીય મહાસચિવ અને ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સચિવ મિતેશ મોદી ‘મિડ-ડે’ને કહે છે, ‘કેન્દ્ર સરકારનાં આ સુવિધા-સેન્ટરોમાં સરકારી અધિકારી કે સ્વયંસેવકોએ ટૅક્સ ભરનારાઓને રિટર્ન ભરવામાં નિઃશુલ્ક સહાય કરવી જોઈએ. ઑનલાઇન પ્રક્રિયાના ચક્કરમાં મોકલાતી આડેધડ નોટિસો અને ત્યાર પછીના ધક્કા કેટલા કષ્ટદાયક હોય છે એ ફક્ત ભોગવનાર જ સમજી શકે છે.’
આ સિવાય મોંઘવારી કાબૂ રાખવા માટે પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટસનો GSTમાં સમાવેશ કરવો અત્યંત જરૂરી છે. આ માગણી દેશભરનાં વેપારી સંગઠનો પહેલા દિવસથી કરી રહ્યાં છે. એ સંદર્ભમાં મિતેશ મોદી કહે છે, ‘ભારતના ૯૮ ટકા લોકો આવકવેરાના માળખામાં નથી જોડાયેલા, પરંતુ GST ૯૫ ટકા નાગરિકોને અપ્રત્યક્ષ રૂપે લાગુ પડે છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. જે રીતે ખેતીની આવક પર ઇન્કમ ટૅક્સ નથી એવી જ રીતે ખેતીના ક્ષેત્રમાં GST પણ લાગુ નથી. અગાઉ કપડા અને સોના પર GST નહોતો, પરંતુ સરકારે એનો GSTમાં સમાવેશ કરી એ ક્ષેત્રને એક ઑર્ગેનાઇઝ્ડ અને ફૉર્મલ સેક્ટર બનાવ્યું. ખેતીના ક્ષેત્રને પણ જો ઑર્ગેનાઇઝ્ડ અને અકાઉન્ટેબલ ક્ષેત્ર બનાવવું હોય તો સરકારે હિંમત દાખવીને મિનિમમ તો મિનિમમ પણ GST હેઠળ એને આવરી લેવું જોઈએ, કારણ કે ઇન્કમ ટૅક્સ અને GSTની મુક્તિનો ગેરફાયદો ખેડૂતો કરતાં વગદાર લોકો વધારે ઉપાડે છે. ન્યાયતંત્ર, વકીલાત વગેરે ક્ષેત્રોનો પણ GST અંતર્ગત સમાવેશ નથી તો પછી જે વેપારીઓ GST કલેક્ટ કરી સરકારી તિજોરીમાં વગર મહેનતાણે જમા કરાવે છે તેમને કેમ કોઈ વિશેષ લાભ નથી આપતી સરકાર? એ વેપારીઓના રિટાયરમેન્ટનું શું? આ સંજોગોમાં અમારી સરકાર પાસે માગણી છે કે GST રજિસ્ટર્ડ વેપારીઓને તેમના દ્વારા જમા કરાવેલી GST અમાઉન્ટના પ્રપોર્શનમાં તેમના રિટાયરમેન્ટ ભથ્થાના સરકારી બૉન્ડ દર બે વર્ષે આપવાં અથવા સરકાર દ્વારા તેમના ખાતામાં સીધાં જમા કરાવવાં. બીજું, હવે જ્યારે GST સુધારણા થઈ રહી છે ત્યારે પ્રોફેશનલ ટૅક્સ અને વિવિધ સ્થાનિક મ્યુનિસિપલ ટૅક્સ તરત હટાવી સરકાર ‘વન નેશન વન ટૅક્સ’નું વચન પાળી બતાવે. છેલ્લે GST સુધારણા હેઠળ અગાઉના જૂના કેસ જે પચાસ લાખ રૂપિયા કે એનાથી ઓછી ડિમાન્ડના હોય એને ઍમ્નેસ્ટી સ્કીમ આપી એમનો નિવેડો લાવવામાં આવે.’
આશિષ મહેતા
મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિધાનસભામાં GST કાયદો પસાર થયા પછી બૉમ્બે ટિમ્બર મર્ચન્ટ્સ અસોસિએશન GST પાંચ ટકા રાખવાની વિનંતી કરી રહ્યું છે. આ સંદર્ભની માહિતી આપતાં ધ બૉમ્બે ટિમ્બર મર્ચન્ટ્સ અસોસિએશન લિમિટેડના ભૂતપૂર્વ પ્રમુખ આશિષ મહેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘સરકાર લાકડાને કાચા માલ તરીકે ગણે છે. એથી ગોળાકાર લાકડા પર કસ્ટમ્સ ડ્યુટી સાડાપાંચ ટકા છે અને રફ લાકડા પર ૧૧ ટકા છે. વૅલ્યુ ઍડેડ ટૅક્સના અમલીકરણના પ્રારંભિક તબક્કામાં લાકડા પર પાંચ ટકા ટૅક્સ હતો. એને ઔદ્યોગિક ઇનપુટ વસ્તુ તરીકે ધ્યાનમાં લેતા. જોકે બે વર્ષમાં એને ફરીથી ૧૨ ટકા કરવામાં આવ્યો. એ પણ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે લાકડામાંથી બનેલા પૅકિંગ કેસ પર GST પાંચ ટકા છે અને કાચા માલના લાકડા પર હાલમાં ૧૮ ટકા GST લાદવામાં આવે છે. એના પરિણામે પૅકિંગ કેસોમાં કામ કરતા ઉદ્યોગપતિઓની કાર્યકારી મૂડી અવરોધિત થાય છે, કારણ કે તેઓ લાકડાની ખરીદી પર ૧૮ ટકા GST ચૂકવે છે, જ્યારે તેમના વેચાણ પર તેમને પાંચ ટકા GST વસૂલવો પડે છે. પરિણામે તેમની ૧૩ ટકા મૂડી અવરોધિત થાય છે. ઉપરાંત ૧૩ ટકા રીફન્ડ મેળવવું સરળ નથી અને ક્યારેક એ મેળવવામાં થોડાં વર્ષોથી વધુ સમય લાગે છે. અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા GST કાઉન્સિલને વારંવાર રજૂઆત કરી છે. ઉપરાંત અમે ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર દ્વારા નાણાપ્રધાન નિર્મલા સીતારમણજીને અમારું મેમોરેન્ડમ મોકલ્યું છે. અમે ૨૦૨૨ની સાલમાં પણ રજૂઆત કરી હતી કે ૨૦૨૫ની સાલ સુધીમાં બધાને સસ્તા ઘર આપવાનું આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થઈ શકે છે, જો લાકડા પરનો GST પાંચ ટકા રાખવામાં આવે તો. એ આપમેળે બાંધકામ ખર્ચ ઘટાડશે, કારણ કે લાકડા બાંધકામ સામગ્રીનો મુખ્ય ભાગ છે. જોકે અમારી વિનંતીનો આજ સુધી ભારત સરકાર-GST કાઉન્સિલ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાદિનના ભાષણમાં કહ્યું હતું કે સરકાર વિવિધ ઉત્પાદનો પરના GSTમાં સુધારો કરવા જઈ રહી છે અને દર ઘટાડવાનું વિચારી રહી છે. અમે આશા રાખીએ છીએ કે લાકડા પર GST ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની અમારી વાસ્તવિક અપીલ પર વિચાર કરવામાં આવે.’
શંકર ઠક્કર
GSTમાં આગલી પેઢીના સુધાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્નદ્રષ્ટા જાહેરાતનું સ્વાગત કરતાં કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મુંબઈના સેક્રેટરી રાષ્ટ્રીય પ્રધાન અને અખિલ ભારતીય તેલ વ્યાપારી મહા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કર ‘મિડ-ડે’ને કહે છે, ‘સરકારનું આ બોલ્ડ પગલું છે જે ભારતના વેપાર અને અર્થતંત્ર માટે ગેમચેન્જર સાબિત થશે. જોકે અમારી સૌપ્રથમ માગણી GSTના સરળીકરણની છે, જેના પર સરકાર અનદેખી કરી રહી છે. છાશવારે GSTમાં બદલાવ થતા હોય છે. GST લાગુ કરવાથી આજ સુધીમાં ૧૨૦૦ ફેરફાર થયા છે જે દરેક વેપારી માટે સમજીને એને અમલમાં મૂકવા મુશ્કેલ છે. એક વેપારી આસાનીથી પોતે રિટર્ન ફાઇલ કરી શકે એ રીતનો સરળ ટૅક્સ બનાવવો જોઈએ, જેથી નાના વેપારીઓ આ પ્રતિસ્પર્ધાના યુગમાં ઑનલાઇન અને મૉડર્ન ટ્રેડ સામે ટકી શકે. જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે એક દેશ એક ટૅક્સ એવી ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ હજી પણ APMC સેસ, પ્રોફેશન ટૅક્સ જેવા અન્ય ટૅક્સ હટાવવામાં આવ્યા નથી જે તરત પાછા લેવાની અમારી માગણી છે.’
બીજો વિષય ખાદ્ય તેલના વેપાર સાથે જોડાયેલો છે જેમાં ખાદ્ય તેલ પર પાંચ ટકા GST છે જ્યારે ખાદ્ય તેલના પૅકિંગ માટે વપરાતી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બૉટલો, બૉક્સ વગેરે પર GST વધારે છે. એ બાબતે શંકર ઠક્કર કહે છે, ‘એના કારણે ખાદ્ય તેલ ઉત્પાદક આ બધી વસ્તુઓની ખરીદી કરે એનો GST મજરે મળતો નથી જેના કારણે ખાદ્ય તેલના વેપારીઓને મોટું નુકસાન થાય છે. આ મુદ્દે અનેક વાર સરકાર અને GST કાઉન્સિલ સામે રજૂઆત કરવામાં આવી, પણ એના પર હજી સુધી કોઈ ઍક્શન લેવામાં આવી નથી. આ બાબતમાં સરકારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.’

