Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર નીચલા મથાળેથી ૭૧૯ પૉઇન્ટ બાઉન્સ થઈ છેવટે નજીવા ઘટાડે બંધ

બજાર નીચલા મથાળેથી ૭૧૯ પૉઇન્ટ બાઉન્સ થઈ છેવટે નજીવા ઘટાડે બંધ

Published : 08 November, 2025 08:01 AM | IST | Mumbai
Anil Patel

અંબર એન્ટરપ્રાઇઝિસ નબળા રિઝલ્ટમાં ૬૭૩૭ થઈ ૭.૭ ટકા ગગડી ૭૨૩૨ બંધ : થંગમયિલ જ્વેલરી ૧૦ ટકાની તેજીની સર્કિટ સાથે નવા બેસ્ટ લેવલે : માથે પરિણામ વચ્ચે બજાજ ફાઇનૅન્સ સેન્સેક્સમાં ટૉપ ગેઇનર : એકઝો નોબલ ઇન્ડિયાનો નફો અસાધારણ આવકના સહારે ૯૮ crથી વધીને ૧૬૮૩ cr

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. પિરામલ ફાઇનૅન્સ ૧૧૨૪ની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે લિસ્ટિંગમાં ૧૩૩૩ બંધ રહી
  2. કેપી ગ્રીનનો નફો બેવડાયો, શૅર ૬ ટકા ગગડ્યો
  3. સેબી ચીફની હૈયાધારણને પગલે BES લિમિટેડનો શૅર તેજીમાં આવ્યો

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) શૅરોમાં વૅલ્યુએશનની વધતી ફિકરમાં અમેરિકન ડાઉ ૩૯૯ પૉઇન્ટ કે પોણો ટકો તથા નૅસ્ડૅક ઇન્ડેક્સ બે ટકા નજીક ગગડીને બંધ આવ્યા પછી એશિયન બજાર એના અનુસરણમાં શુક્રવારે નરમ રહ્યા છે. સાઉથ કોરિયા પોણાબે ટકા, જપાન દોઢ ટકો, હૉન્ગકૉન્ગ એક ટકો, તાઇવાન એક ટકા નજીક ડૂલ થયું છે. એકમાત્ર ઇન્ડોનેશિયા અડધો ટકો વધીને બંધ આવ્યું છે. યુરોપ રનિંગમાં સાંકડી વધ-ઘટે લગભગ ફ્લૅટ હતું. બિટકૉઇન ફરી એક વાર એક લાખ ડૉલર નીચે જવાનાં એંધાણ આપતાં ૧૦૧૮૭૩ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૪ ડૉલર પર મક્કમ હતું. ઑક્ટોબરમાં ચાઇનાની નિકાસ અણધાર્યા ઘટાડામાં એક ટકાથી વધુ ઘટીને ૩૦૫ અબજ ડૉલર નોંધાઈ છે. માર્ચ ૨૦૨૪ પછી પ્રથમ વાર ચાઇનીઝ એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. મતલબ કે ટ્રમ્પના ટૅરિફના આંતકની અસર હવે ચાઇનાને પણ થવા માંડી છે.

બે દિવસની નબળાઈ બાદ ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૬૧ પૉઇન્ટ નીચે, ૮૩૧૫૦ ખૂલી છેવટે ૯૫ પૉઇન્ટના ઘટાડે ૮૩૨૧૬ તથા નિફ્ટી ૧૭ પૉઇન્ટ ઘટીને ૨૫૪૯૨ શુક્રવારે બંધ થયો છે. નબળા ઓપનિંગ બાદ સેન્સેક્સ નીચામાં ૮૨૬૭૧ થયા પછી ક્રમશઃ વધતો રહી ઉપરમાં ૮૩૩૯૦ દેખાયો હતો. નિફ્ટી ગઈ કાલે નીચામાં ૨૫૩૧૮ થયો હતો. ચાર્ટવાળા કહે છે કે નિફ્ટી ૨૫૩૭૨ની અંદર બંધ આવે તો વધ-ઘટે બીજા ૧૦૦૦ પૉઇન્ટ નીકળી જશે. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૫૮૯ શૅર સામે ૧૫૨૬ જાતો ઘટી છે. માર્કેટ કૅપ ૫૨૦૦૦ કરોડ વધી ૪૬૬.૩૩ લાખ કરોડ થયું છે. ભારતીના ભારમાં ટેલિકૉમ બેન્ચમાર્ક સવા ટકો કપાયો છે. આઇટી, હેલ્થકૅર, પાવર ઇન્ડેક્સ અડધા ટકા આસપાસ ઢીલા હતા. મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ હતા. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૭૨૨ પૉઇન્ટ કે ૦.૯ ટકા તથા નિફ્ટી ૨૩૦ પૉઇન્ટ કે ૦.૯ ટકા માઇનસ થયો છે.



થંગમયિલ જ્વેલરી પરિણામ પછી જોરમાં છે. ભાવ ગઈ કાલે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૩૮૫ની નવી ટોચે જઈ ત્યાં જ બંધ થયો છે. લાર્સન ફાઇનૅન્સ ૩૦૫ની નવી ટૉપ બનાવી ૧૦.૩ ટકા ઊછળી ૩૦૩ રહી છે. ૧૩ જાન્યુઆરીએ ભાવ ૧૨૯ના તળિયે હતો. પ્રિકોલ પરિણામ પાછળ ૫૯૩ વટાવી સાડાનવ ટકાના જમ્પમાં ૫૬૬ થઈ છે. ડીસીબી બૅન્ક ૧૭૫ના શિખરે જઈ ૬.૪ ટકાની મજબૂતીમાં ૧૭૩ હતી. અંબર એન્ટરપ્રાઇઝિસનો નફો ૭૧ ટકા વધી ૩૩ કરોડ નજીક થયો છે. આવક સવાબે ટકા તથા માર્જિન સવા ટકો ઘટ્યા છે. શૅર ૨૦ ગણા કામકાજે નીચામાં ૬૭૩૭ થઈ ૭.૭ ટકા કે ૬૦૨ રૂપિયા ખરડાઈ ૭૨૩૨ બંધ હતો. લેટેન્ટ વ્યુ સવાસાત ટકા તથા ઇક્લેરેક્સ પાંચ ટકા ગગડી છે. બજાજ ઑટો તેમ જ નાયકા પરિણામ પૂર્વે નામ પૂરતી પ્લસ હતી. ટ્રેન્ટ રિઝલ્ટ પૂર્વે સવા ટકા નજીકની નરમાઈમાં ૪૬૨૫ નજીક જોવા મળી છે. 


MCXનાં સારાં પરિણામ છતાં મૉર્ગન સ્ટૅનલીના બેરિશ વ્યુ યથાવત્

ડિવીઝ લૅબની આવક ૧૬ ટકા વધી છે. સામે નેટ નફો ૩૫ ટકા વધી ૬૮૯ કરોડ થયો છે. શૅર ૪ ગણા કામકાજે ૬૮૮૪ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૬૬૦૨ થઈ ૩.૩ ટકા તૂટી ૬૬૫૬ બંધ થયો છે. હેક્સાવેર ટેક્નૉલૉજીઝની આવક પોણાસાત ટકા વધી છે, પણ ચોખ્ખો નફો અઢી ટકા ઘટી ૩૭૦ કરોડ નોંધાયો છે. ભાવ ચાર ગણા કામકાજે નીચામાં ૬૬૫ થઈ પોણાચાર ટકા બગડી ૬૭૨ રહ્યા છે. કંપની મિડ ફેબ્રુઆરીમાં શૅરદીઠ ૭૦૮ના ભાવે ૮૭૫૦ રૂપિયાનો પ્યૉર OFS ઇશ્યુ લાવી હતી. કેપી ગ્રીન એન્જિનિયરિંગની આવક ૨૬૨ કરોડથી વધી ૫૩૨ કરોડ થઈ છે. નફો બેવડાઈ ૫૮ કરોડ વટાવી ગયો છે. શૅર ૬૧૪ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી ૫૩૨ બતાવી ૬.૧ ટકા ગગડી ૫૫૧ બંધ થયો છે. લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝનો નેટ નફો ૨૬ ટકા વધી ૩૬ કરોડ નજીક ગયો છે, પણ શૅર ૫૦૬૬ની ઇન્ટ્રા-ડે ટૉપથી લથડી ૪૪૭૫ થઈ ચાર ટકા કે ૧૯૧ રૂપિયા તૂટી ૪૬૬૦ રહ્યો છે.


પિરામલ એન્ટરપ્રાઇઝિસની પૂર્ણ માલિકી સબસિડિયરી પિરામલ ફાઇનૅન્સનું પિરામલ એન્ટરપ્રાઇઝિસ સાથે મર્જર થતાં પિરામલ એન્ટરપ્રાઇઝિસમાં ટ્રેડિંગ ૨૩ સપ્ટેમ્બરથી બંધ હતું. હવે મર્જર બાદ પિરામલ ફાઇનૅન્સનો શૅર ગઈ કાલે બજારમાં લિસ્ટેડ થયો છે જેમાં ભાવ ૧૧૨૪ની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે ૧૨૭૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૩૩ વટાવી ત્યાં જ બંધ થયો છે. MCX તરફથી આવકમાં ૩૧ ટકાના વધારા સાથે ૨૯ ટકા વૃદ્ધિદરથી ૧૯૭ કરોડ પ્લસનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. સારા રિઝલ્ટ વચ્ચે પણ મૉર્ગન સ્ટૅનલી દ્વારા ૫૮૬૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે સેલનો કૉલ જાળવી રખાયો છે. શૅર ગઈ કાલે બમણા કામકાજે નીચામાં ૮૮૦૭ થયા બાદ ઉપરમાં ૯૫૦૦ બતાવી ૧.૯ ટકા વધી ૯૪૨૬ બંધ થયો છે. 

સિંગટેલે રોકડી કરતાં ભારતી ઍરટેલ ગગડીને ટૉપ લૂઝર બની

અપોલો હૉસ્પિટલ્સની આવક પોણાતેર ટકા વધી છે. નેટ પ્રૉફિટ ૨૬ ટકા વધી ૪૭૭ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૭૮૯૧ થયા બાદ નીચામાં ૭૬૨૫ બતાવી ૧.૮ ટકા ઘટી ૭૬૪૨ નિફ્ટી ખાતે બંધ થયો છે. ભારતી ઍરટેલમાં સિંગાપોર ટેલિકૉમ તરફથી ૫૧૦ લાખ શૅર બ્લૉકડીલ મારફત વેચાણ થતાં શૅર નીચામાં ૧૯૯૫ની અંદર જઈ શૅર નીચામાં ૧૯૯૫ની અંદર જઈ ૪.૫ ટકા ગગડી ૨૦૦૧ બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૨૧૬ પૉઇન્ટ નડ્યો છે. ટેક મહિન્દ્ર ૧.૯ ટકા, TCS અડધો ટકો, HCL ટેક્નો એકાદ ટકો, તાતા કન્ઝ્યુમર બે ટકા, ઇન્ડિગો ૧.૯ ટકા, વિપ્રો દોઢ ટકો ડાઉન હતી. રિલાયન્સ સવા ટકો ઘટી ૧૪૭૮ થઈ છે.

નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ ૮૨૦ના બેસ્ટ લેવલે જઈ ત્રણ ટકાની મજબૂતીમાં ૮૧૬ બંધ આપીને ઝળકી હતી. બજાજ ફાઇનૅન્સનાં રિઝલ્ટ ૧૦મીએ છે. શૅર ૧૦૭૭ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અઢી ટકા વધી ૧૦૬૭ બંધ થયો છે. તાજેતરની નરમાઈ બાદ ICICI બૅન્ક બાઉન્સ બૅકમાં ૧.૭ ટકા વધી ૧૩૪૩ બંધમાં બજારને ૧૩૫ પૉઇન્ટ ફળી છે. તાતા સ્ટીલ ૨.૪ ટકા, અદાણી પોર્ટ્સ એક ટકો, મહિન્દ્ર બે ટકા, બજાજ ફિનસર્વ બે ટકા, ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૪ ટકા, મૅક્સ હેલ્થકૅર પોણો ટકો, SBI લાઇફ ૧.૪ ટકા, HDFC લાઇફ ૧.૮ ટકા, ગ્રાસિમ એક ટકો સુધરી છે.

ઇન્ફોસિસે શૅરદીઠ મહત્તમ ૧૮૦૦ના ભાવે કુલ ૧૮૦૦૦ કરોડના બાયબૅક માટે ૧૪ નવેમ્બરની રેકૉર્ડ ડેટ જાહેર કરી છે. શૅર ગઈ કાલે પોણો ટકો સુધી ૧૪૭૭ બંધ હતો. સેબી ચીફ તરફથી વીકલી F&O હમણાં ચાલુ જ રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવતાં BSE લિમિટેડનો શૅર ઉપરમાં ૨૭૧૯ થઈ ૯ ટકા કે ૨૨૩ રૂપિયાની મજબૂતીમાં ૨૬૭૮ બંધ આવ્યો છે. 

LICમાં સિટીવાળા ૧૩૫૪ના ટાર્ગેટ સાથે બુલિશ

LICનો ત્રિમાસિક નફો ૩૦.૭ ટકા વધીને ૧૦૦૯૯ કરોડ થયો છે. સિટી રિસર્ચ તરફથી ૧૩૫૪ની રિડ્યુસ્ટ ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જાળવી રખાયો છે. ભાવ ગઈ કાલે ચાર ગણા કામકાજે ઉપરમાં ૯૩૬ થઈ સવાત્રણ ટકા વધી ૯૨૪ રહ્યો છે. વોડાફોનનાં પરિણામ ૧૧મીએ આવવાનાં છે. શૅર ઉપરમાં પોણાદસ થઈ ૩.૭ ટકા વધી ૯.૬૧ હતો. રેઇન ઇન્ડસ્ટ્રીઝ ૧૭૯ કરોડની નેટ લૉસમાંથી ૧૦૬ કરોડના ચોખ્ખા નફામાં આવી છે, પણ શૅર પ્રારંભિક મજબૂતીમાં ૧૩૯ વટાવ્યા બાદ સવાબે ટકા ઘટી ૧૩૨ રહ્યો છે. સાંઈ લાઇફ સાયન્સિસની આવક ૩૬ ટકા વધી ૫૩૭ કરોડ તથા ચોખ્ખો નફો ૪૧ કરોડથી બેવડાઈ ૮૪ કરોડ નજીક આવવા છતાં ભાવ નીચામાં ૮૬૯ થઈ ૫.૨ ટકા બગડી ૮૭૪ હતો.

એક્ઝો નોબલ ઇન્ડિયાનું વેચાણ ૧૫ ટકા ઘટીને ૯૮૨ કરોડ થયું છે, પરંતુ નેટ નફો ૯૮ કરોડથી વધીને ૧૬૮૩ કરોડ નોંધાયો છે. નફામાં આ અસાધારણ વૃદ્ધિ ૧૮૭૪ કરોડની એક્સ્ટ્રા કે અસાધારણ વન ટાઇમ આવકનું પરિણામ છે. શૅર નીચામાં ૩૧૫૮ થઈ પોણો ટકો સુધરી ૩૨૪૬ બંધ રહ્યો છે. શ્રી રેણુકા શુગરની આવક સાડાપાંચ ટકા ઘટી ૨૪૨૩ કરોડ થઈ છે. નેટ લૉસ ૨૨ કરોડથી વધી ૩૬૯ કરોડે પહોંચી છે. શૅર ૩.૭ ટકા ખરડાઈ નજીક ૨૮૨ બંધ હતો. લુપિનની આવક ૨૪ ટકા વધી છે. સામે ચોખ્ખો નફો ૭૩ ટકા વધીને ૧૪૭૮ કરોડ થયો છે. શૅર ૬ ગણા કામકાજે ઉપરમાં ૨૦૦૨ થઈ પોણો ટકો સુધરી ૧૯૭૧ રહ્યો છે. જાગરણ પ્રકાશનની આવક પોણાપાંચ ટકા વધીને ૪૬૭ કરોડ તથા નેટ નફો ૩૬ ટકા વધી ૫૮ કરોડને વટાવી ગયો છે. શૅર ૭૦ પ્લસના લેવલે જૈસે-થે હતો. જે. એમ. ફાઇનૅન્શિયલનો નફો ૪૦.૫ ટકા ગગડી ૨૭૦ કરોડ આવ્યો છે. શૅર ૧૫૪ નીચે જઈ પોણાબે ટકા ઘટી ૧૫૯ હતો. 

ઓર્કલા ઇન્ડિયા પછી સ્ટડ્સ ઍક્સેસરીઝનું પણ નબળું લિસ્ટિંગ

ગઈ કાલે મેઇન બોર્ડમાં બિલ્યન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સ અર્થાત્ Growwનો બેના શૅરદીઠ ૧૦૦ના ભાવનો કુલ ૬૬૩૨ કરોડ રૂપિયાનો ઇશ્યુ રીટેલમાં ૯.૫ ગણા સહિત કુલ ૧૮ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ગગડીને સાડાચાર થઈ ગયું છે. રાજકોટની SME કંપની શ્રીજી ગ્લોબલ FMCGનો ૧૦ના શૅરદીઠ ૧૨૫ના ભાવનો કુલ ૮૫ કરોડનો NSE SME IPO કુલ ૩.૫ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ પહેલેથી નથી. બૅન્ગલોરની ફિનબડ ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૧૪૨ની અપરબૅન્ડ સાથે ૭૧૬૮ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ સવા ગણો ભરાયો છે. પ્રીમિયમ નથી.

સતત ખોટ કરતી પાઇન લૅબ્સનો એકના શૅરદીઠ ૨૨૧ની અપરબૅન્ડ સાથે કુલ ૩૯૦૦ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૫૫ ટકા સહિત કુલ ૧૨ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૬૦થી શરૂ થયેલું પ્રીમિયમ તૂટતું રહી હાલ પાંચ રૂપિયા થયું છે. ગઈ કાલે આ ઉપરાંત બે SME ભરણાં ખૂલ્યાં છે. બન્ને કંપની ગુજરાતની છે. સાણંદની ક્યુરિસ લાઇફ સાયન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૮ની અપરબૅન્ડ સાથે ૨૭૫૨ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ બે ગણો પ્રથમ દિવસે ભરાયો છે. પ્રીમિયમ સાત રૂપિયા જેવું છે.

ગોંડલની શાઇનિંગ ટૂલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૪ના ભાવનો ૧૭૧૦ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૬૦ ટકા સહિત કુલ ૪૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી.

હેલ્મેટ બનાવતી સ્ટડ્સ ઍક્સેસરીઝ પાંચના શૅરદીઠ ૫૮૫ની ઇશ્યુ પ્રાઇસ તથા છેલ્લે બોલાતા ૪૫ના પ્રીમિયમ સામે નબળા લિસ્ટિંગમાં ગઈ કાલે ૫૭૦ બંધ થતાં એમાં સવાચાર ટકા કે શૅરદીઠ ૨૪.૫૫ રૂપિયા લિસ્ટિંગ લૉસ મળી છે. અહીં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમના સોદા ૮૫થી શરૂ થયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2025 08:01 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK