મિડફીલ્ડર રાયન વિલિયમ્સની મમ્મી મુંબઈકર છે, ભારતીય નાગરિકતા માટે સુનીલ છેત્રીએ કરી હતી મદદ
આ ફુટબૉલરે ભારત માટે રમવા ઑસ્ટ્રેલિયન નાગરિકતાનો ત્યાગ કર્યો
ઑસ્ટ્રેલિયાના પર્થમાં જન્મેલો ફુટબૉલર રાયન વિલિયમ્સ ઑસ્ટ્રેલિયન નાગરિકતાનો ત્યાગ કરી ભારતીય બન્યો છે. ૩૧ વર્ષનો આ મિડફીલ્ડર ઑસ્ટ્રેલિયાની અન્ડર-20, અન્ડર-23 અને સિનિયર ટીમ માટે રમી ચૂક્યો છે. બૅન્ગલોર ફુટબૉલ ક્લબના તેના સાથી-પ્લેયર અને ભારતના સ્ટાર ફુટબૉલર સુનીલ છેત્રીએ તેને ભારતીય નાગરિકતા મેળવવા માટે ઘણી મદદ કરી હતી. વિલિયમ્સની મમ્મીનો જન્મ મુંબઈમાં એક ઍન્ગ્લો-ઇન્ડિયન પરિવારમાં થયો હતો.
ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશને ઢાકામાં બંગલાદેશ સામે એશિયન કપ ક્વૉલિફાયર પહેલાં રાષ્ટ્રીય શિબિરમાં રાયન વિલિયમ્સને સામેલ કર્યો છે. તે ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટ દરમ્યાન ભારતીય ફુટબૉલ ટીમ માટે ડેબ્યુ કરતો જોવા મળશે. આ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન પ્લેયરનો તિરંગા સાથેનો ફોટો હાલમાં ભારે ચર્ચામાં છે.


