પિતા અજિત પવારે કહ્યું કે વિરોધીઓએ અમને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આમાં એક પણ રૂપિયાનો વ્યવહાર નથી થયો
અજિત પવાર દીકરા પાર્થ સાથે
પુણેમાં પાર્થ પવારની કંપનીએ કરેલો જમીનનો સોદો રદ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન ઑફિસે એ વ્યવહાર રદ કર્યો છે એવું અજિત પવારે ગઈ કાલે મુંબઈમાં આયોજિત પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું. એ જમીનસોદામાં એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી એવું તેમણે સ્પષ્ટ કર્યું હતું.
અજિત પવારે કહ્યું હતું કે ‘મને આ વ્યવહારની જાણ નહોતી. આરોપ કરવા બહુ સહેલા છે પણ ખરેખર શું પરિસ્થિતિ છે એની જાણ પણ જનતાને થવી જોઈએ. હું ફરી કહીશ કે આ વ્યવહારમાં એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. મોટા-મોટા આંકડા કહેવામાં આવ્યા, વિરોધીઓએ અમને ટાર્ગેટ કરવાનું કામ કર્યું, પણ આમાં એક પણ રૂપિયાનો વ્યવહાર થયો નથી. જે વ્યવહાર થયો હતો એ રદ કરવામાં આવ્યો છે. રાજ્યના ઍડિશનલ ચીફ સેક્રેટરી, કમિશનર અને અન્ય અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે જે આ પ્રકરણની તપાસ કરશે અને એક મહિનામાં એનો અહેવાલ આપશે. આ પ્રકરણમાં મારા તરફથી કે મારા કોઈ અધિકારી તરફથી કોઈ દબાણ કરવામાં આવ્યું નથી કે કોઈ મદદ માટે પણ ફોન કરવામાં આવ્યો નથી. તપાસમાં જો મારા નજીકની કોઈ પણ વ્યક્તિની તપાસ કરવાની આવે તો એ યોગ્ય રીતે જ કરવામાં આવે. એ તપાસને મારો સંપૂર્ણ સપોર્ટ હશે.’


