ગુરુવારે આ જ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો
મુંબ્રાની ખાડીમાંથી ગઈ કાલે બહાર કાઢવામાં આવેલો મૃતદેહ
મુંબ્રાના રેતીબંદરના ખાડી વિસ્તારમાંથી ગઈ કાલે સવારે કોહવાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. મુંબ્રા પોલીસે તાત્કાલિક મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહ પાસેથી કોઈ દસ્તાવેજ ન મળી આવતાં ગઈ કાલે સાંજ સુધી તેની ઓળખ થઈ નહોતી. પ્રાથમિક તપાસના આધારે મૃત વ્યક્તિએ ખાડી વિસ્તારમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે.
ગુરુવારે આ જ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઉંમર પચીસથી ૩૦ વર્ષની વચ્ચે હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉપરાઉપરી બે દિવસ મૃતદેહ મળી આવતાં પોલીસે તમામ શક્યતાઓ ચકાસીને બન્ને લોકોની ઓળખ કરવાનું શરૂ કર્યું છે.


