ચીરાબજારમાં શરૂ કરવામાં આવેલી મિડટાઉન કૅફેમાં પીત્ઝા, પાસ્તા અને સૅન્ડવિચ તો મળે જ છે, પણ અહીંની મેઇન ખાસિયત છે બનાના ટ્વિસ્ટર
હવે સાઉથ મુંબઈની માર્કેટમાં પણ ખાવા મળશે ટ્વિસ્ટર અને કુલ્હડ પીત્ઝા
સાઉથ મુંબઈમાં ખાસ કરીને માર્કેટ એરિયામાં તમને વડાપાંઉ, સૅન્ડવિચ, જૂસ, ચાટ-આઇટમ્સ જેવી વાનગીઓ ઘણી જગ્યાએ મળી જશે; પણ ટ્વિસ્ટર, કુલ્હડ પીત્ઝા અને પાસ્તા, ગાર્લિક બ્રેડ જેવી આઇટમ અહીં શોધવા ભારે જહેમત ઉઠાવવી પડે. કદાચ એ જ વિચાર સાથે બે ગુજરાતીએ મળીને ચીરાબજારમાં એક કૅફે શરૂ કરી છે જ્યાં એવી દરેક ફૂડ-આઇટમ મળે છે જે નૉર્મલી આ વિસ્તારોમાં ખૂબ જ જૂજ જોવા મળે છે.
ચીરાબજારમાં મિડનાઇટ કૅફે નામની કૅફે છે જે લગભગ છ મહિના પહેલાં જ શરૂ કરવામાં આવી છે. આમ તો આ કૅફેમાં નૉર્મલી બધી જ વાનગીઓ મળે છે અને એવી વાનગીઓ પણ મળે છે જે આ વિસ્તારોમાં મળતી નથી. આ કૅફે વિશે માહિતી આપતાં કૅફેના ઓનર તર્ક ઠાકુર કહે છે, ‘આ કૅફે મેં પ્રીતેશ શાહ સાથે મળીને છ મહિના પહેલાં જ શરૂ કરી છે. અહીં અનેક વરાઇટીના પીત્ઝા, પાસ્તા, ગાર્લિક બ્રેડ, ચાઇનીઝ, મોમો, ટ્વિસ્ટર, મિલ્કશેક વગેરે બધું જ મળે છે. આ સિવાય અમે બનાના ટ્વિસ્ટર પણ લઈને આવ્યા છીએ જે અહીં બીજે કશે મળતાં નથી. જૈન જ નહીં, નૉન-જૈન કસ્ટમર્સને પણ અમારા આ ટ્વિસ્ટર ભાવી રહ્યાં છે. આ ઉપરાંત કુલ્હડ પીત્ઝા અને પાસ્તા પણ અહીં આવતા લોકોને પસંદ પડી રહ્યા છે.’
ADVERTISEMENT
આ કૅફેમાં સીટિંગ નથી. તમે ઑર્ડર પ્લેસ કરીને ત્યાં ઊભા-ઊભા ખાઈ શકો છો અથવા તો પાર્સલ લઈ જઈ શકો છો. અહીં જૈન ફૂડના વિકલ્પો પણ ઘણા છે. ફૂડ જ નહીં, મૉકટેલ અને મિલ્કશેકમાં પણ ઘણી વરાઇટી છે.
ક્યાં મળશે ? : મિડટાઉન કૅફે, ગઝદર સ્ટ્રીટ, JSS રોડ, ચીરાબજાર


