ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે અંતિમ T20 મૅચ, સિરીઝ જીતવા ભારતને વિજય જરૂરી, ભારતીય ટીમ બ્રિસબેનમાં સાત વર્ષ બાદ T20 મૅચ રમશે : ઑસ્ટ્રેલિયા અહીં ૮માંથી ૭ મૅચ જીત્યું છે, એકમાત્ર હાર ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે મળી હતી
મૅચનો સમય બપોરે ૧.૪૫ વાગ્યાથી
ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની T20 સિરીઝની પાંચમી અને અંતિમ મૅચ આજે બ્રિસબેનમાં રમાશે. ભારત આ સિરીઝમાં ૨-૧થી આગળ છે, પરંતુ ડ્રૉ ટાળવા અને ટ્રોફી ઘરે લઈ જવા આજની મૅચમાં જીતવું જરૂરી છે. સૂર્યા ઍન્ડ કંપની આ અંતિમ T20 મૅચમાં બૅટિંગમાં સાતત્યતાના અભાવને દૂર કરવા અને ઑસ્ટ્રેલિયાની ટૂરનો મજબૂત રીતે અંત કરવાનો પ્રયાસ કરશે.
બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા ૮માંથી ૭ T20 મૅચ જીત્યું છે. કાંગારૂઓને એકમાત્ર T20 હાર ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે મળી હતી. ભારત અહીં નવેમ્બર ૨૦૧૮માં એકમાત્ર T20 મૅચ રમ્યું છે અને એમાં યજમાન ટીમે DLS મેથડથી ચાર વિકેટથી જીત નોંધાવી હતી. બ્રિસબેન ક્રિકેટ ગ્રાઉન્ડને ઑસ્ટ્રેલિયાનું સૌથી ઝડપી T20 મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અહીં સરેરાશ રન-રેટ ૮.૩૩ની છે. ઑસ્ટ્રેલિયામાં T20 ઇતિહાસની પહેલી મૅચ બ્રિસબેનમાં જ કાંગારૂઓ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી.


