Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં ઑલટાઇમ હાઈની ચાલમાં વિરામ, રોકડું અને બ્રૉડર માર્કેટ નવા શિખરે, માર્કેટ કૅપમાં નવી ટૉપ

બજારમાં ઑલટાઇમ હાઈની ચાલમાં વિરામ, રોકડું અને બ્રૉડર માર્કેટ નવા શિખરે, માર્કેટ કૅપમાં નવી ટૉપ

Published : 08 December, 2023 07:31 AM | IST | Mumbai
Anil Patel

પાકિસ્તાનનું શૅરબજાર મલંગ મસ્તીમાં નવા શિખર સાથે ૬૫,૦૦૦ ભણી : આઇટીમાં નરમ વલણ વચ્ચે ૬૩ મૂન્સ અને ઍક્સિસ કેડ્સ ઉપલી સર્કિટ સાથે નવા બેસ્ટ લેવલે : એમસીએક્સમાં નવી ઑલટાઇમ હાઈ, આશાપુરા માઇનકેમ દોઢ દાયકા બાદ સર્વોચ્ચ સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ગુરુવારે બજારની નવા શિખરની ચાલ અટકી છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૧ પૉઇન્ટ જેવો પ્લસમાં ૬૯,૬૯૪ ખૂલી છેવટે ૧૩૨ પૉઇન્ટની પીછેહઠમાં ૬૯,૫૨૨ની અંદર તથા નિફ્ટી ૩૬ પૉઇન્ટની નરમાઈમાં ૨૦,૯૦૧ બંધ થયો છે. વધ-ઘટની સાંકડી રેન્જ વચ્ચે શૅરઆંક ઉપરમાં ૬૯,૬૯૫ અને નીચામાં ૬૬,૩૨૦ થયો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૭ ટકા, સ્મૉલ કૅપ ૦.૩ ટકા અને બ્રૉડર માર્કેટનો આંક નહીંવત સુધારા સાથે નવી વિક્રમી સપાટીએ ગયો છે. બન્ને બજારના બહુમતી સેક્ટોરલ વધીને બંધ હતા. પાવર ઇન્ડેક્સ ૨.૭ ટકા, યુટિલિટીઝ બેન્ચમાર્ક ૩.૨ ટકા, એનર્જી ઇન્ડેક્સ અડધા ટકા નજીક, પીએસયુ બૅન્ક નિફ્ટી અડધા ટકાની આગેકૂચ સાથે નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૫૩,૪૨૪ના બેસ્ટ લેવલે જઈ ૬૦ પૉઇન્ટના નજીવા ઘટાડે ૫૩,૦૫૯ બંધ હતો. મેટલ ઇન્ડેક્સ દસેદસ શૅરના ઘટાડે પોણો ટકો તો એફએમસીજી આંક ૦.૯ ટકા ડાઉન થયો છે. આઇટી, ટેક્નૉલૉજીસ, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી નહીંવતથી સાધારણ નરમ હતા. નિફ્ટી ફાર્મા પોણો ટકો તથા હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો પ્લસ હતા. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૧૧૯૩ શૅરની સામે ૯૩૩ કાઉન્ટર માઇનસ હતાં. વિશ્વબજારો માટે ગુરુવારે નબળો ગયો છે. એશિયામાં જૅપનીઝ નિક્કી પોણાબે ટકા, હૉન્ગકૉન્ગ તથા થાઇલૅન્ડ પોણો ટકો, સિંગાપોર અને તાઇવાન અડધા ટકા નજીક, ચાઇના તેમ જ સાઉથ કોરિયા નહીંવત ઢીલાં હતાં. એક માત્ર ઇન્ડોનેશિયા ૦.૭ ટકા વધ્યું હતું. યુરોપ રનિંગમાં નહીંવત નીચે દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ પાંચેક માસની બૉટમ બતાવી પોણા ટકાના સુધારામાં ૭૫ ડૉલર નજીક હતું. પાકિસ્તાની શૅરબજાર તેની મલંગ મસ્તીમાં નવી વિક્રમી સપાટીની હારમાળા ચાલુ રાખતાં ઉપરમાં ૬૪,૯૫૮ થઈ ૧.૩ ટકા કે ૮૩૯ પૉઇન્ટ વધીને ૬૪,૭૫૭ બંધ થયું છે. આગલા દિવસે ૪૪,૨૦૦ ડૉલર પાર થયા બાદ થાકોડો ખાવાના મૂડમાં બીટકૉઇન બે ટકા જેવા ઘટાડે રનિંગમાં ૪૩,૦૭૧ ડૉલર જોવાયો છે. 


મેઇન બોર્ડમાં વલસાડના ઉમરગામ ખાતેની સ્ટેશનરી તથા આર્ટ પ્રોડક્ટ્સ બનાવતી ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૭૫૦થી ૭૯૦ની પ્રાઇસ બેન્ડમાં ૮૫૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૨૦૦ કરોડના ઇશ્યુ સાથે ૧૩મીએ મૂડીબજારમાં આવવાની છે. કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૭૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. ઇશ્યુમાં ક્યુઆઇબી પોર્શન ૭૫ ટકા અને રીટેલ પોર્શન ૧૦ ટકાનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૨૦૦થી શરૂ થયા બાદ રેટ વધતો રહી હાલ ૪૬૦ થઈ ગયો છે.  સેન્સેક્સ ઘટવા છતાં બીએસઈનું માર્કેટ કૅપ ગઈ કાલે ૧.૨૯ લાખ કરોડ રૂપિયા વધીને ૩૫૦.૧૪ લાખ કરોડના શિખરે પહોંચી ગયું છે. 



પાવર ગ્રિડ બન્ને બજારમાં નવી ટૉપ સાથે ટૉપ ગેઇનર, ભારતી ટૉપ લૂઝર 
ગુરુવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૨ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર પ્લસ હતા. પાવર ગ્રિડ ૨૩૨ની ટોચે જઈ ૨.૪ ટકા વધી ૨૩૦ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. તાતા ગ્રુપની ટાઇટન ૩૫૯૫ની સર્વોચ્ચ સપાટી બનાવી એક ટકો વધી ૩૫૮૬ નજીક હતી. અલ્ટ્રાટેક દોઢ ટકો, એનટીપીસી એક ટકા, મારુતિ અને સ્ટેટ બૅન્ક અડધા ટકાથી વધુ સુધર્યા હતા. નિફ્ટી ખાતે અદાણી પોર્ટ્સ ૨.૧ ટકા, સિપ્લા દોઢ ટકો, ગ્રાસીમ સવા ટકો, આઇશર ૧.૧ ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો અપ હતા. ભારતી ઍરટેલ અઢી ટકા બગડી ૧૦૦૦ની અંદર ઊતરી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. હિન્દુ. યુનિલીવર પોણાબે ટકા, તાતા સ્ટીલ ૧.૪ ટકા, આઇટીસી એક ટકો, લાર્સન ૦.૯ ટકા, ઇન્ફી અડધો ટકો, ઓએનજીસી દોઢ ટકો, અપોલો હૉસ્પિટલ દોઢ ટકો, હિન્દાલ્કો ૧.૩ ટકા, લાટિમ સવા ટકો, મહિન્દ્ર અને બજાજ ફાઇ. અડધો ટકો કટ થયા છે. રિલાયન્સ ત્રણેક રૂપિયાના પરચૂરણ ઘટાડે ૨૪૫૭ હતો. 
બૅન્ક નિફ્ટી સાતેક પૉઇન્ટ જેવા અતિ મામૂલી સુધારે ૪૬,૮૪૧ બંધ થયો છે. અત્રે ૧૨માંથી ૯ જાતો વધેલી હતી. બૅન્કિંગ ઉદ્યોગના ૩૯માંથી ૨૧ શૅર સુધર્યા હતા. આઇઓબી, ઇન્ડિયન બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, ઉત્કર્ષ સ્મૉલ બૅન્ક ત્રણથી સાડાચાર ટકા મજબૂત હતી. સામે આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૩ ટકા, જેકે બૅન્ક બે ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા પોણાત્રણ ટકા અને ફીનો પેમેન્ટ બૅન્ક સવાત્રણ ટકા બગડ્યા હતા. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૨ શૅરની નરમાઈમાં સાધારણ ઢીલો થયો છે, પણ ઍક્સિસ કેડ્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૬૧૯ના શિખરે ગયો છે. ૬૩ મૂન્સ બુલરન જારી રાખતાં એક વધુ પાંચ ટકાની સર્કિટમાં ૬૨૫ નજીક બંધ રહ્યો છે. ઓરિઅન પ્રો સૉલ્યુશન્સ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૨૦૨૮ હતો. ટીસીએસ સાધારણ સુધરી ૩૬૧૭ નજીક ગયો છે.  


અદાણીના ૧૧માંથી ૯ શૅર પ્લસમાં, અદાણી ટોટલમાં ઉપલી સર્કિટ જારી 
ગઈ કાલે અદાણીના ૧૧માંથી ૯ શૅર પ્લસ હતા. અદાણી ટોટલ ઉપલી સર્કિટ જારી રાખતાં ૧૦ ટકાની નવી લિમિટમાં ૧૧૫૯ બંધ હતો. ૨૪ નવેમ્બર ગત મહિને અહીં ૫૩૭નો ભાવ હતો. અદાણી ગ્રીન પોણાચાર ટકા, અદાણી એનર્જી સૉલ્યુ ત્રણ ટકા, અદાણી પોર્ટ્સ બે ટકા, એનડીટીવી સવા ટકો, એસીસી અને અંબુજા સિમેન્ટ્સ અડધો ટકો, અદાણી પાવર સાધારણ તો અદાણી એન્ટર. નજીવો વધ્યો હતો. અદામી વિલ્મર સાધારણ ઘટી ૩૯૫ હતો. સાંઘી ઇન્ડ. ૧૪૨ના બેસ્ટ લેવલે જઈ સવા ટકાના ઘટાડે ૪૮૩ હતો. પતંજલિ ફૂડ્સ નવા શિખર જારી રાખતાં ૧૬૬૫ની ટોચે જઈ એક ટકો વધી ૧૫૯૯ રહ્યો છે. 
‘એ’ ગ્રુપ ખાતે સાંડૂર મૅન્ગેનીઝ ૧૫ ગણા કામકાજે ૧૮૮૫ની વિક્રમી સપાટી બનાવી ૨૪૦ રૂપિયા કે ૧૪.૭ ટકાની તેજીમાં ૧૮૭૪ નજીક બંધ આપી મોખરે હતો. સરકારી કંપની એમએમટીસી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૬ નજીક અને કેઆઇઓસીએલ પણ ૧૦ ટકાની તેજીની સર્કિટે ૩૪૨ બંધ હતા. અન્ય મિનરલ્સ શૅરમાં ટ્વેન્ટી માઇક્રોન્સ પોણાઆઠ ટકા વધી ૧૮૦ થઈ છે. મેટલ ઇન્ડેક્સ દસેદસ શૅરના ઘટાડા વચ્ચે પોણો ટકો નરમ હતો. હિન્દાલ્કો દોઢ ટકા તો તાતા સ્ટીલ ૧.૪ ટકા માઇનસ હતા. સરકારે ઇથેનૉલના ઉત્પાદન પર અંકુશ મૂકવાની હિલચાલ હાથ ધરતાં શુગર ઉદ્યોગમાં સાર્વત્રિક ખરાબી જોવા મળી છે. અત્રે ઉદ્યોગના ૩૫ શૅરમાંથી માત્ર એક, ધામપુર સ્પે. શુગર પોણાચાર ટકા વધી હતી. બાકીના ૩૪ શૅર કડવા બન્યા છે. ઉત્તમ શુગર સવાઆઠ ટકા, દાલમિયા શુગર પોણાછ ટકા, બલરામપુર ચીની સવાછ ટકા, ત્રિવેણી એન્જી. પાંચ ટકા, ડીસીએમ શ્રીરામ ઇન્ડ. સાડાચાર ટકા, કેસર એન્ટર. સવાચાર ટકા, સિમ્ભોલી શુગર અને અવધ શુગર ૪-૪ ટકા ખરડાઈ છે. 

પેટીએમમાં સૌથી મોટો કડાકો બોલાયો, એલઆઇસી સુધારાની ચાલમાં વર્ષની ટોચે 
રિઝર્વ બૅન્ક તરફથી બૅન્કો અને નાણાકંપનીઓ તરફથી છૂટથી અપાતી કન્ઝ્યુમર લોનને અંકુશમાં લેવાનાં પગલાં હાથ ધરાયાં છે. એના પગલે પેટીએમને પણ એની ધિરાણ સંબંધી સ્ટ્રેટેજી બદલવાની ફરજ પડી છે, જેના ભાગરૂપ નાની, ૫૦ હજાર રૂપિયાથી ઓછી લોન આપવાની પ્રવૃત્તિ ઘટાડવાની જાહેરાત કરાઈ છે. મતલબ કે હવે ખાસ કરીને બીએનપીએલ પ્રકારની એટલે કે બાય નાઉ, પે લેટર કૅટેગરીની લોનમાં કાપ મુકાશે. પેટીએમ દ્વારા અપાતી કુલ લોનમાં ૫૦ હજારથી ઓછા ધિરાણનો હિસ્સો ૭૨-૭૫ ટકા છે. કંપનીના નવા નિર્ણયથી એની રેવન્યુ અને અર્નિંગમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશંકા છે. બ્રોકરેજ હાઉસિસ શૅરને ડી-રેટિંગ કરવા માંડ્યાં છે. ગોલ્ડમૅન સાક્સે ૧૨૫૦ની અગાઉની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૮૪૦ કરી નાખી છે, જેફરીઝ તરફથી ૧૩૦૦ના બદલે ૧૦૫૦ તો બર્નસ્ટેઇન તરફથી ૧૧૦૦ના બદલે ૯૫૦ની નવી ટાર્ગેટ પ્રાઇસ જારી થઈ છે. આ બધાની અસરમાં પેટીએમનો શૅર ૮૧૩ના આગલા બંધ સામે ૭૪૫ ખૂલી ૨૦ ટકાના લાર્જેસ્ટ કડાકામાં ૬૫૦ થઈ ૧૮.૭ ટકા કે ૧૫૨ રૂપિયાની ખુવારીમાં ૬૬૧ બંધ થયો છે. વૉલ્યુમ ૧૬ ગણું હતું. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૯ શૅરના સુધારા વચ્ચે બે પૉઇન્ટ જેવો નજીવો વધી ફ્લૅટ બંધ થયો છે. પૈસાલો ડિજિટલ ૯૬ ઉપરની ટૉપ બતાવી ૫.૫ ટકા ઊછળી ૯૩ રૂપિયા, ઇન્ડિયન એનર્જી એક્સ. ૬.૮ ટકાની મજબૂતીમાં ૧૫૭ તથા હોમ ફર્સ્ટ ૧૦૩૮ના શિખરે જઈ આઠ ટકાના જમ્પમાં ૧૦૨૫ બંધ હતાં. હૂડકો ૬.૩ ટકા વધી ૯૨ તો એલઆઇસી ૮૦૦ની વર્ષની ટોચે જઈ ૫.૩ ટકા વધી ૭૮૫ થયો છે. જ્યારે એમસીએક્સ ૩૩૨૪ની વિક્રમી સપાટી દર્શાવી ૪.૩ ટકા કે ૧૩૭ રૂપિયા ઊંચકાઈ ૩૩૧૧ હતો. જનરલ ઇન્શ્યૉરન્સ ૫.૬ ટકાની તેજીમાં ૩૧૦ રહ્યો છે.


મર્જરની યોજનામાં ટીવી-૧૮ અને નેટવર્ક-૧૮ વૉલ્યુમ સાથે બગડ્યા 
આશાપુરા માઇનકેમ સવાયા કામકાજે તેજીની ચાલમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૬૦ની સર્વોચ્ચ સપાટીએ બંધ થયો છે. આ શૅર ૧૫ વર્ષ બાદ નવી ટોચે પહોંચ્યો છે. લગભગ વર્ષ પહેલાં ૨૩ ડિસેમ્બરે અહીં ૭૩ નીચેની બૉટમ હતી. સ્પાઇસ જેટમાં ઇક્વિટી શૅર અને અથવા કન્વર્ટિબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફત ભંડોળ ઊભું કરવા ૧૧ ડિસેમ્બરે બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં ભાવ સવાત્રણ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૨ પ્લસના શિખરે જઈ ત્યાં જ બંધ રહ્યો છે. જેએમ ફાઇ. દ્વારા ૩૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં તાતા પાવર ૩૩૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૦.૮ ટકાની તેજીમાં ૩૨૬ બંધ આવ્યો છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સને ૩૯૧૫ કરોડનો ડિફેન્સ ઑર્ડર મળતાં ભાવ ૧૬૩ની વિક્રમી સપાટી હાંસલ કરી અઢી ટકા વધી ૧૬૦ હતો. રિલાયન્સ ગ્રુપની મીડિયા કંપની ટીવી-૧૮ તથા નેટવર્ક-૧૮ના મર્જરની જાહેરાત આવી છે, જેમાં મર્જર બદલ ટીવી-૧૮ના શૅરધારકોને ૧૭૨ શૅરદીઠ નેટવર્ક-૧૮ના ૧૦૦ શૅર મળશે. નેટવર્ક-૧૮ના શૅરની ફેસવૅલ્યુ પાંચની છે, જ્યારે ટીવી-૧૮ની ફેસવૅલ્યુ બે રૂપિયા છે. ગઈ કાલે ટીવી-૧૮નો ભાવ બમણાથી વધુના કામકાજે નીચામાં ૫૦ થઈ ૭ ટકા ગગડી ૫૨ થયો છે. તો નેટવર્ક-૧૮નો શૅર પણ સવાબે ગણા વૉલ્યુમે નીચામાં ૮૮ બતાવી આઠ ટકા ખરડાઈ ૯૧ રહ્યો છે. ઇરકોન ઇન્ટર.માં ૧૭૨ના આગલા બંધ સામે ૧૦ ટકા ડિસ્કાઉન્ટમાં ૧૫૪ની ફ્લોર પ્રાઇસથી કુલ આઠ ટકા કે ૭૫.૨ લાખ શૅર ઑફર ફૉર સેલ દ્વારા ડાઇવેસ્ટ કરવાની જાહેરાત કરતાં ભાવ નીચામાં ૧૫૭ થઈ ૬.૫ ટકાના ધોવાણમાં ૧૬૧ થયો છે. કંપનીમાં હાલ સરકારનો હિસ્સો ૭૩.૨ ટકાનો છે. ડેલ્ટા કૉર્પનો ડેલ્ટાટેક ગેઇમિંગ લિમિટેડને ટૅક્સ ઑથોરિટી તરફથી જારી થયેલી ૬૨૩૬ કરોડની ડિમાન્ડ નોટિસના મામલે કલકત્તા હાઈ કોર્ટે ઇન્ટરિમ રિલીફ આપતાં ડેલ્ટા કૉર્પનો ભાવ ઉપરમાં ૧૪૫ વટાવી અંતે અડધો ટકો સુધરી ૧૪૦ થયો છે.  

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2023 07:31 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK