Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર પ્રારંભિક સુધારો ભૂંસી ૪૧૨ પૉઇન્ટના ઘટાડે બંધ

બજાર પ્રારંભિક સુધારો ભૂંસી ૪૧૨ પૉઇન્ટના ઘટાડે બંધ

Published : 09 May, 2025 08:26 AM | IST | Mumbai
Anil Patel

યુપીએલ અને એનો પાર્ટ પેઇડ શૅર ગગડ્યા, સીએટ નવા બેસ્ટ લેવલે : ભારતી હેક્સાકૉમ વિક્રમી સપાટી બનાવી નરમાઈમાં બંધ, ગ્રાઇન્ડવેલ નોર્ટન તગડા ઉછાળે ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


પાકિસ્તાની શૅરબજારમાં ૨૦૦૮ પછીનો સૌથી મોટો કડાકો : ICICI બૅન્ક બેસ્ટ લેવલે જઈ પાછી પડી, તાતા મોટર્સની શરૂઆતની મજબૂતી છેવટે નગણ્ય સુધારામાં ફેરવાઈ : વર્ચ્યુઅલ ગૅલૅક્સી ઇન્ફોટેકનો આજે SME ઇશ્યુ, પ્રીમિયમ ઘટીને ૧૩ રૂપિયા : યુપીએલ અને એનો પાર્ટ પેઇડ શૅર ગગડ્યા, સીએટ નવા બેસ્ટ લેવલે : ભારતી હેક્સાકૉમ વિક્રમી સપાટી બનાવી નરમાઈમાં બંધ, ગ્રાઇન્ડવેલ નોર્ટન તગડા ઉછાળે ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર 


સેન્સેક્સ ૧૬૫ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૦,૯૧૨ ખૂલી ૪૧૨ પૉઇન્ટની નરમાઈમાં ૮૦,૩૩૫ નજીક તો નિફ્ટી ૧૪૦ પૉઇન્ટના ઘટાડે ૨૪,૨૭૩ બંધ થયો છે. ગુરુવારે બહુધા પોઝિટિવ ઝોનમાં રહેલું માર્કેટ સવા-દોઢ વાગ્યા પછી માઇનસ ઝોનમાં સરી પડ્યું હતું. શૅર આંક ઉપરમાં ૮૦,૯૨૮ અને નીચામાં ૭૯,૯૮૭ થયો હતો. બજાર બંધ થવાના ટાંકણે બાસ્કેટ સેલિંગમાં વધુ નબળાઈ જોવાઈ હતી. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકાની કમજોરી સામે મિડકૅપ બે ટકા નજીક, સ્મૉલકૅપ અને બ્રૉડર માર્કેટ એક-એક ટકો ડાઉન હતું. આઇટી બેન્ચમાર્ક ૪૩ પૉઇન્ટ જેવો નહીંવત પ્લસ હતો. બાકીનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા તરડાયો હતો. ઑઇલ-ગૅસ, પાવર, યુટિલિટીઝ, મેટલ, ઑટો, હેલ્થકૅર બેન્ચમાર્ક લગભગ પોણાથી બે ટકા માઇનસ હતા. એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી ફાર્મા સવા ટકા જેવા કટ થયા છે. ખરડાયેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૮૨૦ શૅરની સામે ૨૦૨૭ શૅર ડાઉન હતા. બજારનું માર્કેટકૅપ પાંચ લાખ કરોડ રૂપિયાના ઘટાડે ગઈ કાલે ૪૧૮.૫૦ લાખ કરોડ રહ્યું છે.



પ્રાઇમરી માર્કેટમાં વર્ચ્યુઅલ ગૅલૅક્સી ઇન્ફોટેક ૧૦ના શૅરદીઠ ૧૪૨ની અપર બૅન્ડમાં ૯૩૨૯ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ આજે ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં ૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને હાલમાં ૧૩ ચાલે છે. ગુજરાતની કૅનરિક ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૨૫ના ભાવનો BSE SME ઇશ્યુ આજે લિસ્ટિંગમાં જશે. મનોજ જ્વેલર્સ તથા શ્રીજી ડીએલએમ લિમિટેડનું લિસ્ટિંગ સોમવારે છે. શ્રીજી ડીએલએમમાં ગ્રે માર્કેટ ખાતે હાલ ૩૪ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.


રાજટ્યુબ મૅન્યુફૅક્ચરિંગ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સસ્પ્લિટ થતાં બે ટકાની ઉપલી સર્કિટે ૩૧ના બેસ્ટ લેવલે બંધ થઈ છે. નવકાર અર્બન તથા શાંતાઈ ઇન્ડસ્ટ્રીઝ આજે એક્સસ્પ્લિટ થશે. નવકાર અર્બન શૅર વિભાજન પૂર્વે પાંચ ટકા ગગડી છે. સેન્ચુરી એન્કા ૪૩૦ની વર્ષની બૉટમ બતાવી પોણાબે ટકા ઘટી ૪૩૩ રહી છે. જેનસોલ એન્જિનિયરિંગ સતત મંદીની સર્કિટ મારતી રહી પાંચ ટકા તૂટી ૬૦ના વર્સ્ટ લેવલે પહોંચી ગઈ છે. વેદાન્ત ફૅશન્સ ૭૧૯ના ઑલટાઇમ તળિયે જઈ અઢી ટકાના ઘટાડે ૭૨૩ ઈ છે. ભારતી હેક્સાકૉમ ૧૭૫૨ની વિક્રમી સપાટી નોંધાવી એક ટકો ઘટીને ૧૬૯૩ હતી. સીએટ ૩૮૦૪ના બેસ્ટ લેવલ બાદ સાધારણ સુધરી ૩૬૪૧ હતી. ICICI બૅન્ક ૧૪૪૮ની સર્વોચ્ચ સપાટી બતાવી અડધો ટકો ઘટી ૧૪૨૭ રહી છે.

HDFC બજારને સર્વાધિક નડી, પરિણામ પૂર્વે લાર્સન ફ્લેટ


સેન્સેક્સ ખાતે વધેલા ૭ શૅરમાં ઍક્સિસ બૅન્ક પોણા ટકાની નજીક વધી ૧૧૭૦ના બંધમાં થર્ડ બેસ્ટ ગેઇનર હતી તો નિફ્ટીમાં વધેલા પાંચ શૅરમાં HCL ટેક્નૉ એક ટકા કરતાં વધુ સુધરીને ટૉપ ગેઇનર બની છે. ઝોમાટો અર્થાત એટર્નલ દોઢા વૉલ્યુમે ત્રણ ટકાથી વધુ અને મહિન્દ્ર ૩.૪ ટકો ખરડાઈ સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર હતા. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ સવાત્રણ ટકા બગડી ટૉપ લુઝર બની છે. અદાણી એન્ટરપ્રાઇઝ પોણાત્રણ ટકા, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અઢી ટકાથી વધુ, હિન્દાલ્કો અઢી ટકા, ONGC સવાબે ટકા, આઇશર બે ટકાથી વધુ, અપોલો હૉસ્પિટલ્સ-જિયો ફાઇનૅન્સ તથા હીરો મોટોકૉર્પ પોણાબે ટકા, બજાજ ઑટો અને સિપ્લા દોઢ-દોઢ ટકો, એશિયન પેઇન્ટ્સ તથા JSW સ્ટીલ સવા ટકાથી વધુ, મારુતિ સુઝુકી બે ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૯ ટકા, તાતા સ્ટીલ પોણાબે ટકા, ભારતી ઍરટેલ દોઢ ટકો, બજાજ ફીનસર્વ દોઢ ટકો, સ્ટેટ બૅન્ક એક ટકો બગડી છે.

HDFC બૅન્ક એકાદ ટકાની નરમાઈમાં ૧૯૨૬ બંધ આપી બજારને સર્વાધિક ૧૨૦ પૉઇન્ટ નડી છે. વૉલ્યુમ દોઢું હતું. રિલાયન્સ પાંખા કામકાજે નામપૂરતી નરમાઈમાં ૧૪૦૫ હતી. લાર્સન પરિણામ પૂર્વે સારા કામકાજે દોઢ રૂપિયો ઘટી ૩૩૨૦ બંધ રહ્યો છે. ITC પણ નામપૂરતી નરમ હતી. સામે ટીસીએસ પોઝિટિવ બાયસમાં ૩૪૪૭ના લેવલે ફ્લૅટ હતી. સ્વિગી સવાચાર ટકા ખરડાઈ ૩૧૫ની અંદર ઊતરી ગઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી એથર એનર્જી પોણાબે ટકા ઘટીને ૩૦૪ દેખાઈ છે મારુતિની સાથે-સાથે હ્યુન્ડાઈ મોટર પણ ૨.૪ ટકા ગગડી ૧૭૩૩ હતી. પરિણામ પાછળ આગલા દિવસે ઝળકેલી પેટીએમ ગઈ કાલે નીચામાં ૮૨૨ થઈ સાડાચાર ટકા બગડીને ૮૩૪ હતી. કોટક બૅન્ક અને ટાઇટન પોણા ટકાની આસપાસ સુધર્યા છે.

પાકિસ્તાની શૅરબજાર ઉપલા મથાળેથી ૧૦,૨૮૨ પૉઇન્ટ પટકાયું

પાકિસ્તાની શૅરબજારમાં જબરી ખુવારી જોવા મળી છે. બુધવારે લગભગ સવાત્રણ ટકા કે ૩૫૫૯ પૉઇન્ટના ધબડકામાં ૧,૧૦,૦૦૯ બંધ રહેલો કરાચી શૅરબજારનો આંક ગઈ કાલે વધુ ૭૭૩૫ પૉઇન્ટ લથડી ૧,૦૨,૬૭૪ બંધ થયો છે. બજાર ગઈ કાલે ૧,૧૦,૯૯૦ ખૂલ્યું હતું. ૯૮૧ પૉઇન્ટના પોઝિટિવ ઓપનિંગ બાદ આંક બીજા ૮૯૧ પૉઇન્ટના ઉમેરામાં ઉપરમાં ૧,૧૧,૮૮૧ વટાવી ગયો હતો, પરંતુ ત્યાર પછી માર્કેટ ઘટવા માંડ્યું હતું અને ઉપલા મથાળેથી ૧૦,૨૮૨ પૉઇન્ટ પટકાઈને નીચામાં ૧,૦૧,૫૯૯ની અંદર ઊતરી ગયું હતું. આ દરમ્યાન ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં સવાસાત ટકા જેવો તૂટી જતાં બજારનું કામકાજ એક કલાક માટે અટકાવી દેવાની ફરજ પડી હતી. કુલિંગ પિરિયડ પૂરો થયા પછી શરૂ થયેલું બજાર ઓર ખરડાયું હતું. લાહોર ખાતે થયેલા બ્લાસ્ટની અસરમાં કરાચી શૅરબજારનો આંક ઇન્ટ્રા-ડેમાં ૬૯૪૯ પૉઇન્ટ કે ૬.૩ ટકા ડૂલ થઇ ૧,૦૩,૦૬૦ થયો ત્યારે બજારનું ટ્રેડિંગ સ્થિગત કરી દેવાયું હતું. બજાર ફરી ચાલુ થયા બાદ આ આંક વધુ ખરડાઈ નીચામાં ૧,૦૧,૫૯૯ની અંદર ચાલી ગયો હતો. છેલ્લે ૧,૦૨,૬૭૪ બંધ થયો છે. ૨૦૨૫ની ૪ એપ્રિલે પાકિસ્તાની શૅરબજાર ૧,૨૦,૭૯૭ નજીક ઑલટાઇમ હાઈ થયું હતું.

એશિયન બજાર મિશ્ર વલણમાં હતાં. ચાઇના, હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા, જપાન નહીંવતથી સાધારણ સુધર્યાં છે. સામે ઇન્ડોનેશિયા દોઢ ટકો, થાઇલૅન્ડ એક ટકો, સિંગાપોર અડધો ટકો નરમ હતાં. તાઇવાન લગભગ ફ્લૅટ રહ્યું છે. યુરોપ ખાતે લંડન ફુત્સી સાધારણ તો અન્ય બજાર રનિંગમાં પોણાથી એક ટકો પ્લસ હતાં. બ્રેન્ટ ફ્રૂડ ૬૨ ડૉલર નજીક સરક્યું છે. નાયમેક્સ ક્રૂડ ૫૯ ડૉલર નજીક હતું. બિટકૉઇન ફરીથી લાખેણો થવાની તૈયારીમાં છે. રનિંગમાં પોણાત્રણ ટકા વધી ૯૯,૬૫૭ ડૉલર ચાલતો હતો.

BSE લિમિટેડમાં ૭૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ-વ્યુ

BSE લિમિટેડ ૩૬૨ ટકાની નફાવૃદ્ધિનો કરન્ટ આગળ વધારતાં ગઈ કાલે ૬૮૯૪ની વિક્રમી સપાટી નોંધાવી અડધો ટકો વધી ૬૬૯૦ રહી છે. મોતીલાલ ઓસ્વાલે ૭૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સામે બાયની ભલામણ કરી છે. MCX પરિણામ પૂર્વે ૬૨૨૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો ઘટી ૫૯૯૯ થઈ છે. નિવા બુપા બેલ્થ ઇન્શ્યૉરન્સે ૩૧ ટકાના વધારામાં ૨૦૬ કરોડનો ધારણાથી સારો નફો આપતાં શૅર ૨૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૯૩ વટાવી ૭.૮ ટકા ઊંચકાઈને ૮૭ થઈ છે. ગ્રાઇન્ડવેલ નોર્ટન પરિણામની પૂર્વસંધ્યાએ ૧૫ ગણા કામકાજે ૧૮૧૩ થઈ ૧૩.૮ ટકા કે ૨૧૪ રૂપિયા ઝળકી ૧૭૬૩ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે મોખરે હતી. કૉન્કોર્ડ બાયોટેક ૧૪ ગણા વૉલ્યુમે ૧૫૫૯ વટાવીને ૧૦.૪ ટકાના ઉછાળે ૧૫૩૪ હતી. આઇડિયા ફોર્જ ૭.૬ ટકાની મજબૂતીમાં ૩૮૬ રહી છે. પરિણામ બજાર બંધ થયા પછી આવવાનાં હતાં. કેપીઆર મિલ્સનાં રિઝલ્ટ આજે છે. શૅર ૭ ગણા વૉલ્યુમે ૧૨૧૬નું બેસ્ટ લેવલ દેખાડી સાત ટકાની તેજીમાં ૧૧૭૯ હતો. ક્રિસિલ સાડાત્રણ ગણા વૉલ્યુમે ૪૭૧૯ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૫૦૫૦ થઈ સવાપાંચ ટકા કે ૨૫૨ રૂપિયાના જમ્પમાં ૪૯૫૫ રહી છે. સિમ્ફની લિમિટેડ સારાં પરિણામના પગલે ૨૬ ગણા વૉલ્યુમે ૧૩૪૮ વટાવી છેવટે સાત ટકાની મજબૂતીમાં ૧૨૭૭ બંધ આવી છે. કિર્લોસ્કર ફેરો ઇન્ડસ્ટ્રીઝ પરિણામ પૂર્વે સાડાસાત ટકા વધીને ૪૭૭ હતી.

યુપીએલનો પાર્ટ પેઇડઅપ શૅર ૬.૯ ટકા ગગડી ૪૩૩ હતો, જ્યારે યુપીએલ લિમિટેડ ૪.૭ ટકા બગડી ૬૫૫ રહી છે. રિઝલ્ટનું જોશ ઓસરતાં CCL પ્રોડક્ટ્સ ૬.૨ ટકા કે ૫૭૭ રૂપિયાની ખરાબીમાં ૯૭૦૮ જોવાઈ છે. દેવયાની ઇન્ટર છ ટકા અને કાર ટ્રેડ પોણાછ ટકા ડૂલ થઈ છે.  

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2025 08:26 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK