ઇલિક્ટ્રૉનિક્સ કમ્પોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ માટે ૨૨,૯૧૯ કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી
પ્રતીકાત્મક તસવીર
યુનિયન કૅબિનેટે ગઈ કાલે ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ માટે ૨૨,૯૧૯ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ ભારતીય ઇલેક્ટ્રૉનિક ઇન્ડસ્ટ્રીઝ માટે આત્મનિર્ભરતા તરફ એક મહત્ત્વનું પગલું છે. અત્યારે ભારતીય ઇલેક્ટ્રૉનિક ઇન્ડસ્ટ્રી એના કાચા માલ એટલે કે ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ માટે ઇમ્પોર્ટ પર ડિપેન્ડન્ટ છે. એને કારણે ભારતનું બહુમૂલ્ય વિદેશી ચલણ ઇલેક્ટ્રૉનિક્સ કમ્પોનન્ટ્સના આયાત પર ખર્ચાઈ જાય છે. ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગની PLI સ્કીમને કારણે દેશ-વિદેશની ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ કરતી કંપનીઓ ભારતમાં આ ક્ષેત્રે ઘણું મોટું રોકાણ કરશે. ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ જેવાં કે કૅપેસિટર, રઝિસ્ટર, ડાયોડ, કૅમેરા મૉડ્યુલ જેવી ઘણી અગત્યની વસ્તુઓનું નિર્માણ ભારતમાં જ થશે. આને કારણે આયાત પરની નિર્ભરતા ઘટશે. ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશને આ બાબતે સરકાર સમક્ષ સમયાંતરે ઘણી રજૂઆત કરી હતી અને એનાં ઘણાં સૂચનોનો સરકારે આમાં સમાવેશ કર્યો છે અને એને કારણે ભારતના ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રના સ્થાનિક SME અને MSME મૅન્યુફૅક્ચરને આવનારા સમયમાં ફાયદો થશે. સરકારે જ્યારે સેમિકન્ડક્ટર પૉલિસી જાહેર કરી એ પહેલાં અને ત્યાર બાદ ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન કમ્પોનન્ટ માટેની PLI સ્કીમની તરફેણમાં આંકડા સહિત સરકારને રજૂઆત કરતું રહ્યું હતું.
ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ PLI સ્કીમને ભારતીય સેમિકન્ડક્ટર પૉલિસી સાથે સુસંગત બનાવાતાં ભારતીય ઇલેક્ટ્રોનિક હાર્ડવેર મૅન્યુફૅક્ચર ઇન્ડસ્ટ્રીને આવનારા સમયમાં ઘણો ગ્રોથ મળશે. એને કારણે કીમતી વિદેશી હૂંડિયામણની બચત થશે અને સાથોસાથ લોકલ માર્કેટ અને એક્સપોર્ટમાં હિન્દુસ્તાનનો ડંકો વાગશે. જે દેશમાં ફિનિશ્ડ ગુડ્સ બનવાની ફૅક્ટરીઓ હોય એ જ દેશમાં એનો કાચા માલ બનાવવાની ફૅક્ટરીઓ પણ હોય અને તો જ એ પ્રોડક્ટ લોકલ અને ઇન્ટરનૅશનલ માર્કેટમાં સફળ થઈ શકે. ચાઇના આનું જ્વલંત ઉદાહરણ છે અને હવે ઇલેક્ટ્રૉનિક ઇન્ડસ્ટ્રી માટે નજીકના ભવિષ્યમાં ચાઇનાને આંતરરાષ્ટ્રીય બજારમાં કૉમ્પિટિશન આપવા ભારતીય ઉદ્યોગો આ સ્કીમને કારણે સુસજ્જ થઈ જશે. અમારી સરકારને વિનંતી છે કે આ સ્કીમ હેઠળ ભારતમાં રહેલા નાના સ્થાનિક ઉદ્યોગોને પણ એટલું જ મહત્ત્વ અને સવલત આપવામાં આવે જેટલું વિદેશી કંપનીઓને લાલ જાજમ પાથરીને આપવામાં આવે છે. કારણ કે સ્થાનિક ભારતીય ઉદ્યોગો જે રોજગાર અને નાણાં કમાશે એ ભારતીય સંપત્તિમાં વધારો કરશે.
ADVERTISEMENT
- મિતેશ મોદી
(લેખક ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના નૅશનલ જનરલ સેક્રેટરી છે.)

