Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે વ્યાજદર જાળવ્યો, જીડીપી ગ્રોથ અપગ્રેડ કર્યો અને નિફ્ટી ૨૧,૦૦૦ બતાવી નવા શિખરે બંધ રહ્યો

રિઝર્વ બૅન્કે વ્યાજદર જાળવ્યો, જીડીપી ગ્રોથ અપગ્રેડ કર્યો અને નિફ્ટી ૨૧,૦૦૦ બતાવી નવા શિખરે બંધ રહ્યો

Published : 09 December, 2023 07:10 AM | IST | Mumbai
Anil Patel

વીકલી ધોરણે સેન્સેક્સ અને નિફ્ટી સાડાત્રણ ટકા અપ, સળંગ છઠ્ઠા સપ્તાહે બજારની આગેકૂચ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રેટ સેન્સિટિવ સેક્ટર મિશ્ર વલણમાં રહ્યાં, રોકડું તથા બ્રૉડર માર્કેટ નવી ટોચે જઈ નરમ પડ્યું : સેન્સેક્સ ૩૦૪ પૉઇન્ટ વધી નવા શિખરે ગયો, પરંતુ માર્કેટ કૅપ ૯૧,૦૦૦ કરોડ રૂપિયા ઘટ્યું : પાકિસ્તાની શૅરબજાર ૧૫૫૩ પૉઇન્ટની તેજીમાં ૬૬,૨૭૧ના બેસ્ટ લેવલે જોવાયું : વીકલી ધોરણે સેન્સેક્સ અને નિફ્ટી સાડાત્રણ ટકા અપ, સળંગ છઠ્ઠા સપ્તાહે બજારની આગેકૂચ : એલઆઇસી અને એમસીએક્સ નવી ટૉપ બતાવીને માઇનસમાં બંધ, આઇઆરબી ઇન્ફ્રા ઑલટાઇમ હાઈ : પેટીએમ આગલા દિવસના કડાકા પછી પણ નરમાઈમાં, ૬૩ મૂન્સમાં સતત નવી ટોચ


રિઝર્વ બૅન્ક તરફથી પૉલિસી મીટિંગમાં સતત પાંચમી વખત વ્યાજદરનું માળખું જૈસે થે રાખવામાં આવ્યું છે. એની સાથે ચાલુ વર્ષ માટેનો જીડીપી ગ્રોથ રેટનો અંદાજ સાડાછ ટકાથી અપગ્રેડ કરીને સાત ટકાનો કરાયો છે. ફુગાવો ૫.૪ ટકાએ રહેવાનું અનુમાન જોતાં નજીકના ભવિષ્યમાં વ્યાજદર કે રેપો રેટ ઘટવાની શક્યતા દેખાતી નથી. ચાલુ વર્ષનો આર્થિક વિકાસદર સાત ટકા રહેવાની રિઝર્વ બૅન્કની નવી ધારણા કે આશાવાદના પરિણામે શુક્રવારે સેન્સેક્સ ૬૯,૮૯૪ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૩૦૪ પૉઇન્ટ વધીને ૬૯,૮૨૫ના શિખરે બંધ થયો છે. તો નિફ્ટી ૨૧ની પાર ૨૧,૦૦૬ની ઑલટાઇમ હાઈ હાંસલ કરીને ૬૮ પૉઇન્ટ વધી ૨૦,૯૬૯ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. નવી વિક્રમી સપાટી બનાવ્યા બાદ ગઈ કાલે સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ અડધો ટકો તો બ્રૉડર માર્કેટ સાધારણ નરમ પડ્યું છે. માર્કેટ ઇન્ડાઇસિસ મિશ્ર વલણમાં હતા. રેટ સેન્સિટિવ સેક્ટરમાં ઑટો ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ અને એફએમસીજી ઇન્ડેક્સ એક ટકાથી વધુ ડાઉન હતા, સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૭ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો, બૅન્ક નિફ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક સાધારણ પ્લસ હતા. નિફ્ટી ફાર્મા એક ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, પાવર ઇન્ડેક્સ દોઢ ટકો, ઑઇલ-ગૅસ એક ટકો, યુટિલિટીઝ બેન્ચમાર્ક પોણાબે ટકા, હેલ્થકૅર અને એનર્જી ઇન્ડેક્સ અડધો ટકો તો ટેલિકૉમ ઇન્ડેક્સ પોણો ટકો માઇનસ થયો છે.  જ્યારે આઇટી અને ટેક્નૉલૉજીસ ઇન્ડેક્સ એકાદ ટકો મજબૂત હતા. માર્કેટ બ્રેડ્થ નેગિટિવ બની છે. એનએસઈ ખાતે વધેલા ૮૪૧ શૅરની સામે ૧૨૮૫ જાતો ડાઉન હતી.



જીડીપી ગ્રોથમાં ધારણા કરતાં વધુ મોટા ઘટાડાના પગલે જૅપનીઝ નિક્કી પોણાબે ટકા કે ૫૫૦ પૉઇન્ટ ડૂલ થયો છે. હૉન્ગકૉન્ગ નજીવું નરમ હતું. સામે સિંગાપોર સવા ટકા નજીક, સાઉથ કોરિયા એક ટકો, તાઇવાન અડધો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ અને ચાઇના તેમ જ થાઇલૅન્ડ નહીંવત સુધર્યા હતા. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ રનિંગમાં અડધાથી એકાદ ટકો મજબૂત દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ દોઢેક ટકો વધી ૭૪ ડૉલરની ઉપર આવી ગયું છે.


પાકિસ્તાની શૅરબજાર અભૂતપૂર્વ તેજીમાં લગભગ રોજેરોજ નવી ઑલટાઇમ હાઈ બનાવી રહ્યું છે. આઇએમએમ સાથેનો લોન ઍગ્રીમેન્ટ, સંસદીય ચૂંટણીની જાહેરાત અને ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટમાં મોટા પાયે વધારો થવાની શક્યતા પાછળ ત્યાં શૅરબજાર ૬૪,૭૧૮ના આગલા બંધ સામે ૬૫,૦૫૫ ખૂલી તરત જ હજારી છલાંગમાં ૬૬,૨૭૧ની સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૧ ટકા કે ૧૪૬૩ પૉઇન્ટના ઉછાળામાં ૬૬,૧૮૧ બંધ થયું છે. આપણો સેન્સેક્સ વર્ષમાં ૧૧.૪ ટકા અને નિફ્ટી ૧૨.૨ ટકા વધ્યાં છે ત્યારે પાકિસ્તાની બજાર હાલની તારીખે ૫૯ ટકાના વાર્ષિક રિટર્ન સાથે વિશ્વભરમાં બેસ્ટ રિટર્ન આપનારાં બજારોમાં લગભગ અગ્રીમ હરોળમાં પહોંચી ગયું છે. વર્ષ પૂર્વે આપણો સેન્સેક્સ ૬૦,૦૦૦ જેવો હતો ત્યારે પાકિસ્તાની બજાર ૪૦,૦૦૦ની અંદર હતું. ૨૦,૦૦૦ પૉઇન્ટ પ્લસની આ ગૅપ આજે માંડ ૪૦૦૦ પૉઇન્ટ થઈ ગઈ છે.

એચસીએલ ટેક્નૉ, લાર્સન, ટાઇટન અને જેએસડબ્લ્યુ સ્ટીલ નવા બેસ્ટ લેવલે


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૨૩ શૅર વધ્યા છે. એચસીએલ ટેક્નૉલૉજીસ ૨.૭ ટકાના જોરમાં ૧૩૬૩ના શિખરે બંધ રહી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ ૮૫૩ની ટોચે જઈ ૨.૪ ટકા વધી ૮૩૯, ટાઇટન ૩૬૪૭ની ઑલટાઇમ હાઈ બાદ ૧.૪ ટકા વધી ૩૬૩૫, લાર્સન ૩૪૩૦ની વિક્રમી સપાટી બનાવી અડધો ટકો વધી ૩૩૭૯ બંધ હતો. એચડીએફસી બૅન્ક બમણા વૉલ્યુમે ૧.૪ ટકા ઊંચકાઈ ૧૬૫૩ના બંધમાં બજારને ૧૪૯ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો હતો. ઇન્ફી ૧.૭ ટકા, ઍક્સિસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૨ ટકા નજીક, વિપ્રો ૦.૯ ટકા પ્લસ હતા. નિફ્ટી ખાતે અન્યમાં લાટિમ અઢી ટકા કે ૧૪૧ રૂપિયા ઊંચકાઈ ૫૭૦૯ દેખાયો છે. હેવી વેઇટ રિલાયન્સ નામપૂરતા ઘટાડે ૨૪૫૬ હતો.

આઇટીસી બે ટકા જેવો બગડી ૪૪૯ના બંધમાં સેન્સેક્સ ખાતે તો અદાણી એન્ટર સવાબે ટકા ગગડી ૨૮૨૨ના બંધમાં નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યા હતા. અદાણી પોર્ટ્સ ૧.૬ ટકા ઘટી ૧૦૨૩ થયો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર પાંચ ટકાથી વધુ, અદાણી એનર્જી સોલ્યુ. સાડાપાંચ ટકાથી વધુ, અદાણી ગ્રીન સાડાચાર ટકા, અદાણી ટોટલ સાધારણ, અદાણી વિલ્મર સાડાચાર ટકા, અંબુજા સિમેન્ટ્સ ૨.૧ ટકા, એસીસી અડધા ટકાથી વધુ તો એનડીટીવી પોણાછ ટકા કપાયો છે. સાંધી ઇન્ડ. એક ટકો ઘટી ૧૩૦ હતો. આમ ગ્રુપના તમામ ૧૧ શૅર રેડ ઝોનમાં ગયા છે. મહિન્દ્ર દોઢ ટકો, બજાજ ફાઇ. સવા ટકો, તાતા મોટર્સ એક ટકો, નેસ્લે પોણો ટકો, હીરો મોટોકૉર્પ, ઓએનજીસી તથા બ્રિટાનિયા દોઢ-દોઢ ટકો, દિવીઝ લૅબ ૧.૪ ટકા, તાતા કન્ઝ્યુમર અને એચડીએફસી લાઇફ એક ટકો, ભારત પેટ્રો તેમ જ આઇશર ૦.૯ ટકા, મારુતિ સુઝુકી પોણો ટકો ડાઉન થયા છે.

શુગર શૅરો સતત બીજા દિવસે બગડ્યા, ધામપુર સ્પે. સામા પ્રવાહે મજબૂત

આગલા દિવસે ૧૯ ટકા જેવો તૂટેલો પેટીએમ ગુરુવારે દોઢ ટકા નજીકના ઘટાડે ૬૫૨ રહ્યો છે. એલઆઇસી ૮૦૩ની દોઢ વર્ષની ટોચે જઈ દોઢ ટકાની નબળાઈમાં ૭૭૪ નીચે રહ્યો છે. એમસીએક્સ ૩૩૪૩ની વિક્રમી સપાટી બનાવી ચારેક ટકા ગગડી ૩૧૮૧ હતો. ૬૩ મૂન્સ એક ઓર ઉપલી સર્કિટ સાથે ૬૫૬ની મલ્ટિયર ટોચે ગયો છે. મેક્સ હેલ્થકૅર દ્વારા લખનઉ ખાતેની ૫૫૦ બેડની સહારા હૉસ્પિટલને ૧૨૫ કરોડમાં હસ્તગત કરવાનું નક્કી થયું છે. શૅર ઉપરમાં ૬૮૨ થઈ સવા ટકો વધી ૬૭૭ વટાવી ગયો છે. આઇઆઇબી ઇન્ફ્રાએ ગત મહિને ટોલનાકાની આવકમાં ૨૦ ટકા વધારો મેળવતાં શૅર બમણા કામકાજે ૪૧ નજીક ઑલટાઇમ હાઈ થઈ પોણાચાર ટકાની મજબૂતીમાં ૪૦ નજીક રહ્યો છે. જીએમઆર ઍરપોર્ટ્સ બ્લૉક ડીલમાં જંગી કામકાજ સાથે ૭૦ પ્લસની ૧૨ વર્ષની ઊંચી સપાટી બતાવી પોણાબાર ટકાની તેજીમાં ૬૯ નજીક ગયો છે. સરકારે ખાંડના ભાવવધારાની દહેશતથી ઇથેનૉલ વિશેની પૉલિસીમાં યુ-ટર્ન લીધો છે. એના પગલે ગુરુવારે ખાંડ ઉદ્યોગના ૩૫માંથી ૩૪ શૅર કડવા બન્યા હતા. ગઈ કાલે પણ ૩૩ શૅર ઘટીને બંધ રહ્યા છે. એમાંથી ૨૮ જાતો બે ટકાથી માંડીને પોણાઆઠ ટકા જેવી રેન્જમાં ડાઉન હતી. બજાજ હિન્દુસ્તાન ૭.૭ ટકા, શ્રી રેણુકા શુગર અને શક્તિ શુગર સવાછ ટકા, મગધ શુગર અને ઉગર શુગર સાડાપાંચ ટકા, મવાણા શુગર તથા અવધ શુગર સવાપાંચ ટકા, કેસીપી શુગર પાંચ ટકા ખરડાઈ હતી. ધામપુર સ્પેશ્યલિટી સતત બીજા દિવસે સામા પ્રવાહે રહી સવાચાર ટકાની મજબૂતીમાં ૭૬ વટાવી ગયો છે.

બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ, ટીવી-૧૮ તથા નેટવર્ક-૧૮માં ઘટાડો જારી રહ્યો

બૅન્ક નિફ્ટી ૪૭,૩૦૪ની સર્વોચ્ચ સપાટી બનાવી ૪૨૦ પૉઇન્ટ કે ૦.૯ ટકા વધી ૪૭,૨૬૨ બંધ થયો છે. વીકલી ધોરણે બૅન્ક નિફ્ટી પાંચ ટકા ઊંચકાયો છે, જે જુલાઈ ૨૦૨૨ પછીની ટોચ છે. અત્રે ૧૨માંથી ૮ શૅર પ્લસ હતા. બૅન્કિંગ  ઉદ્યોગના ૩૯માંથી ૨૦ શૅર વધ્યા છે. આરબીએલ બૅન્ક સાડાચાર ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક સવાપાંચ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૪ ટકા મજબૂત હતી. સામે આઇઓબી સવાત્રણ ટકા, સેન્ટ્રલ બૅન્ક સવાબે ટકા, આઇડીબીઆઇ ૧.૭ ટકા, પંજાબ સિંઘ બૅન્ક ૧.૬ ટકા, એયુ બૅન્ક દોઢ ટકા નજીક નરમ રહી છે.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૫૦ શૅર પ્લસમાં આપી અડધો ટકો વધી નવી ટોચે ગયો છે. ઇન્ફીબીમ સાડાનવ ટકા, એસએમસી ગ્લોબલ ૭.૭ ટકા, એપ્ટસ વૅલ્યુ ૬.૭ ટકા, આઇઆઇએફએલ સિક્યૉ. ૫.૧ ટકા, એડલવાઇસ સાડાચાર ટકા ઊંચકાયા હતા. યુગ્રો કૅપિટલ સાડાપાંચ ટકા, મોનાર્ક નેટવર્થ સવાચાર ટકા, એન્જલ-વન પોણાચાર ટકા, કેફીન ટેક અને ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ સાડાત્રણ ટકા ડાઉન થયો છે. આઇટી ઇન્ડેક્સ એક ટકાથી વધુ કે ૩૬૩ પૉઇન્ટ વધ્યો છે. ૫૬માંથી ૨૯ શૅર અત્રે પ્લસ હતા. ઇન્ફી ૧.૭ ટકા ઊંચકાઈ ૧૪૯૦ વટાવી ગયો છે. એચસીએલ ટેક્નૉ, લાટિમ, વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્ર, પર્સિસ્ટન્ટ જેવી ચલણી જાતો પણ મજબૂત હતી. એક્સ ચેન્જિંગ સૉલ્યુ. ૯.૪ ટકા, નેલ્કો સાડાછ ટકા, ૬૩ મૂન્સ પાંચ ટકા, જેનેસિસ પોણાચાર ટકાની તેજીમાં બંધ હતા. મર્જરની યોજનામાં ઘટાડો આગળ વધારતાં નેટવર્ક-૧૮ સવાત્રણ ટકા તથા ટીવી-૧૮ પોણાછ ટકાથી વધુ ગગડીને બંધ હતા.

નેટ ઍવન્યુ ટેક્નૉમાં ૧૨૨ ટકાનું રિટર્ન, ફ્લૅર રાઇટિંગ વધુ ઘસાઈ નવા તળિયે

નવી મુંબઈની મરીનટ્રાન્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૨૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૩ના પ્રીમિયમ સામે ૩૦ ખૂલી નીચલી સર્કિટમાં ૨૮.૫૦ થયા બાદ ૩૧.૫૦ થઈ ત્યાં જ બંધ થતાં અત્રે બાવીસ ટકાનું રિટર્ન મળ્યું છે. તો ચેન્નઈની નેટ ઍવન્યુ ટેક્નૉલૉજીસ એક રૂપિયાના શૅરદીઠ ૧૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૪ના પ્રીમિયમ સામે ૪૨ ખૂલી ૫ ટકાની નીચલી સર્કિટમાં ૪૦ની અંદર જઈ ત્યાં જ બંધ રહેતાં એમાં ૧૨૨ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી સરકારી કંપની ઇરેડા ૧૦ ટકાની તેજીમાં ૭૪ નજીક નવી ટોચે બંધ હતી. એની ઇશ્યુ પ્રાઇસ શૅરદીઠ ૩૨ની હતી. ફ્લૅર રાઇટિંગ ધમાકેદાર લિસ્ટિંગ પછી સતત ઘસાતી રહી ગઈ કાલે ૩૭૧ની ઑલટાઇમ બૉટમ બનાવી એક ટકો ઘટી ૩૭૩ રહી છે. તાતા ટેક્નૉલૉજીસ અડધો ટકો સુધરી ૧૧૯૨ હતી. ગાંધાર ઑઇલ રિફાઇનરી નહીંવત સુધારે ૨૭૨ થઈ છે.

આગામી સપ્તાહે મેઇન બોર્ડમાં વલસાડના ઉમરગાંવ ખાતેની ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૭૯૦ની અપર બેન્ડ સાથે ૮૫૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૨૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ ૧૩મીએ કરવાની છે. ગ્રે માર્કેટ ખાતે ૨૦૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઊછળતું રહી હાલ ૪૮૩ થઈ ગયું છે. ઇન્ડિયા શેલ્ટર ફાઇનૅન્સ કૉર્પોરેશન પણ ૧૩ ડિસેમ્બરે પાંચના શૅરદીઠ ૪૯૩ની અપર બેન્ડ સાથે ૪૦૦ કરોડની

ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૨૦૦ કરોડનું ભરણું કરવાની છે. ગ્રે માર્કેટમાં હજી સુધી પ્રીમિયમના સોદા શરૂ થયા નથી. એમીક ફોર્જિંગ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૭૭ રૂપિયાના બેસ્ટ લેવલે બંધ થઈ છે, જ્યારે દીપક કેમટેક્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૪ના તળિયે રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2023 07:10 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK