Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પાવરફુલ છે આ છોકરી

પાવરફુલ છે આ છોકરી

Published : 05 February, 2025 08:39 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

મુલુંડની ૧૧ વર્ષની કહાન સાવલાએ પાવરલિફ્ટિંગની સ્ટેટ લેવલની કૉમ્પિટિશનમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે.

મુલુંડની ૧૧ વર્ષની કહાન સાવલા

મુલુંડની ૧૧ વર્ષની કહાન સાવલા


મુલુંડની ૧૧ વર્ષની કહાન સાવલાએ પાવરલિફ્ટિંગની સ્ટેટ લેવલની કૉમ્પિટિશનમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. ખાસ વાત એ છે કે આ કૉમ્પિટિશનમાં ભાગ લેનાર તે સૌથી નાની વયની સ્પર્ધક હતી એમ છતાં તે સબ જુનિયર કૅટેગરીમાં બીજા સ્પર્ધકોને માત આપીને બ્રૉન્ઝ મેડલ હાંસલ કરવામાં સફળ રહી છે. કહાને આ સફળતા મેળવવા માટે દરરોજ જિમમાં જઈને થકવી નાખે એવી કઠોર ટ્રેઇનિંગ લીધી છે. કહાનની સ્ટ્રગલથી સક્સેસ મેળવવા સુધીની જર્ની બીજાં બાળકો માટે પ્રેરણારૂપ છે


હજી થોડા દિવસ પહેલાં જ ૧૭ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી વચ્ચે સોલાપુરમાં મહારાષ્ટ્ર સ્ટેટ ક્લાસિક પાવરલિફ્ટિંગ અસોસિએશન દ્વારા મહારાષ્ટ્ર સ્ટેટ ક્લાસિક પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉમ્પિટિશનમાં ભાગ લેનાર ૧૧ વર્ષની કહાન સાવલા સૌથી નાની વયની પાવરલિફ્ટર હતી. કહાને ૬૪ કિલોગ્રામની સબ જુનિયર કૅટેગરીમાં ભાગ લીધો હતો, તેણે આમાં ત્રીજા નંબરે આવીને બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો. આમ કહાન આ વર્ષે સ્ટેટ લેવલની પાવરલિફ્ટિંગ કૉમ્પિટિશનમાં મેડલ જીતનારી સૌથી યંગેસ્ટ પાવરલિફ્ટર બની છે. મુંબઈ ડિસ્ટ્રિક્ટ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં પહેલા ક્રમાંકે આવીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહાનની સ્ટેટ લેવલ કૉમ્પિટિશનમાં પસંદગી થઈ હતી.  




જર્નીની શરૂઆત

કહાન નવ વર્ષની ઉંમરથી પાવરલિફ્ટિંગની ટ્રેઇનિંગ લે છે. આ સફરની શરૂઆત કઈ રીતે થઈ આ વિશે વાત કરતાં તેનાં મમ્મી હિરલબહેન કહે છે, ‘મારી હંમેશાંથી એવી ઇચ્છા હતી કે કહાન કોઈ એક સ્પોર્ટ રમે એટલે અમે સ્વિમિંગ, બૅડ્મિન્ટન, ફુટબૉલ, ક્રિકેટ બધી જ સ્પોર્ટ્સ ટ્રાય કરી પણ કહાને એકેયમાં રસ દેખાડ્યો નહીં. હું પણ ફિટનેસ માટે રેગ્યુલરલી જિમમાં જાઉં છું. મારો જે ટ્રેઇનર છે તે પાવરલિફ્ટર છે. મેં તેને વાત કરી કે બાળકોને આપણે આની ટ્રેઇનિંગ આપી શકીએ કે નહીં? તો તેમણે હા પાડી. એ પછી મેં કહાનને પૂછ્યું કે તારે પાવરલિફ્ટિંગ ટ્રાય કરવું છે? તેણે ટ્રાયલ માટે રસ બતાવ્યો એટલે ટ્રેઇનિંગ ચાલુ થઈ અને પછી તો ધીમે-ધીમે તેને પાવર લિફ્ટિંગમાં ખૂબ મજા આવવા લાગી.’


કોઈ પણ વ્યક્તિએ જીવનમાં એક સ્પોર્ટમાં તો ઍક્ટિવ રહેવું જ જોઈએ એમ જણાવતાં હિરલબહેન કહે છે, ‘એનાથી વ્યક્તિના જીવનમાં એક ડિસિપ્લિન આવે છે. હું પોતે કૉલેજ ટાઇમમાં ક્રિકેટ રમતી હતી. ઇન્ટરક્લબ સુધી રમી. દરમિયાન મને પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થયેલી. એક મહિનો પ્લાસ્ટર રાખવું પડ્યું. એ સમયે ડૉક્ટરે મને રમવાની ના પાડેલી. તેમનું કહેવું હતું કે ઘૂંટીમાં પ્રેશર આવશે તો સમસ્યા વણસી જશે. એ સમયે મારામાં કે મારા પેરન્ટ્સમાં સ્પોર્ટ‍્સ ઇન્જરી રીહૅબિલિટેશનની એટલી અવેરનેસ નહોતી. કોઈ કહેવાવાળું નહોતું કે તમે એની મદદથી તમારી ઇન્જરીમાંથી રિકવર થઈને ફરી રમતમાં ઍક્ટિવ થઈ શકો. એ સમયે લોકો સ્પોર્ટ‍્સને એટલું પ્રેફરન્સ પણ આપતા નહીં એટલે મારું ક્રિકેટ રમવાનું છૂટી ગયું, પણ મારી અંદરથી એવી તીવ્ર ઇચ્છા હતી કે મારી દીકરી કોઈ એક સ્પોર્ટમાં તો ઍક્ટિવ થાય.’

સ્ટડી-સ્પોર્ટ વચ્ચે બૅલૅન્સ

કહાન સેન્ટ પાયસ ધ ટેન્થ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. ભણવાની સાથે સ્પોર્ટ્સ કઈ રીતે મૅનેજ કરે છે એ વિશે વાત કરતાં હિરલબહેન કહે છે, ‘કહાનની સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી સ્કૂલ હોય છે. તે સ્કૂલમાંથી છૂટે એટલે હું તેને સીધી જિમમાં લઈ જાઉં છું. જિમમાં તેની ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી બે કલાક ટ્રેઇનિંગ ચાલે. એ પછી ઘરે આવીને તે એકાદ કલાક આરામ કરે. સ્કૂલનું જે હોમવર્ક હોય એ પૂરું કરે. એ પછી રાત્રે ડિનર કરીને જલદી સૂઈ જાય. તેણે જ્યારથી પાવરલિફ્ટિંગની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેનું આ જ ડેઇલી રૂટીન હોય છે.’

ડાયટ-એક‍્સરસાઇઝ

કહાનની પાવરલિફ્ટિંગની ટ્રેઇનિંગ અને ડાયટ કેવાં હોય છે એ વિશે વાત કરતાં હિરલબહેન કહે છે, ‘એક બાળકને અને એક ઍડલ્ટને ટ્રેઇનિંગ અલગ રીતે આપવી પડે, કારણ કે બાળકોના મસલ્સ જોઈએ એટલા ડેવલપ ન થયા હોય. એટલે શરૂઆતમાં તો કહાનની બેઝિક ફિટનેસ થઈ. એ પછી તેને પાવરલિફ્ટિંગના બેઝિક ફન્ડામેન્ટલ્સ અને ટેક્નિક્સ શીખવાડવાનું શરૂ કરાયું. એ પછી લાઇટ વેઇટ લિફ્ટ કરાવવાનું શરૂ કરાયું. એ પછી ડેઇલી ટ્રેઇનિંગથી સ્ટ્રેન્ગ્થ વધતી ગઈ એમ હેવી વેઇટ લિફ્ટ કરવાનું શરૂ કર્યું. કહાન પાવરલિફ્ટિંગ કરે છે જે એક હાઈ ઇન્ટેન્સિટી સ્પોર્ટ છે. એટલે મસલ્સ બિલ્ડ કરવા અને સ્ટ્રેન્ગ્થ વધારવા ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે પણ જોવા જઈએ તો એ પ્યુબર્ટીની એજમાં છે જ્યાં તેના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે હેલ્ધી ડાયટ પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જિમમાં વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં એનર્જીની જરૂર પડે એટલે એને કાર્બ્સ બેઝ્ડ ફૂડ જેમ કે સૅન્ડવિચ, પરાઠાં, કૉર્ન ખાવા માટે આપું. વર્કઆઉટ થયા પછી પ્રોટીન બેઝ્ડ ફૂડ જેમ કે પનીર, કઠોળ-દાળ આપું જેથી મસલ્સની રિકવરી ફાસ્ટ થાય. કહાન હજી નાની છે એટલે અન્ય બાળકની જેમ તેનાં પણ ખાવા-પીવામાં થોડાંઘણાં નખરાં હોય. ખૂબ ઓછી શાકભાજી છે જે કહાનને ભાવે છે. એટલે તેને ન ભાવતી હોય એ શાકભાજીને હું પીસીને પેસ્ટ જેવું બનાવી પાંઉભાજી કે થેપલાં બનાવું એમાં નાખી દઉં. એવી જ રીતે જિમમાં પણ ઘણી વાર તેનો ટ્રેઇનિંગનો મૂડ ન હોય તો તેને સમજાવવું પડે.’ 

રીડિંગ-બેકિંગનો શોખ

પાવરલિફ્ટિંગ ઉપરાંત કહાનના રીડિંગ અને બેકિંગના શોખ વિશે હિરલબહેન કહે છે, ‘કહાનને વાંચનનો એટલોબધો શોખ છે કે દરેક રૂમમાં તેની કોઈ ને કોઈ બુક તો પડી જ હશે. એક જ સમયે ત્રણ-ચાર પુસ્તકો વાંચવાનું ચાલુ હોય. એક રૂમમાં કોઈ બુક વાંચતી હોય તો બીજા રૂમમાં જઈને ત્યાં પડી હોય એ બુક વાંચવાનું ચાલુ કરી દે. કઈ બુકમાંથી શું વાંચ્યું છે એ બધું જ તેને યાદ રહે. મોટા ભાગે એ ફિક્શન સ્ટોરીઝ અને એન્સાઇક્લોપીડિયા વાંચે. કહાનને બેકિંગનો પણ શોખ છે એટલે ઘણી વાર તે ઘરે કેક અને કુકીઝ બનાવે. ઘરમાં કોઈનો પણ બર્થ-ડે આવતો હોય તો તે જ કેક બનાવે. તે રસોઈમાં પણ એટલો ઇન્ટરેસ્ટ લે. હું કિચનમાં કંઈક બનાવતી હોઉં તો મને પૂછ્યા કરે, આમાં શું નાખ્યું. તેને ટેસ્ટમાં પણ બહુ ખબર પડે. ઘણી વાર રસોઈમાં મીઠું, મરચું ઓછું-વધુ થઈ ગયું હોય તો તરત ખબર પડી જાય. કહાન દરરોજ જિમમાં જઈને પાવરલિફ્ટિંગની ટ્રેઇનિંગ લેતી હોવાથી થાકી જાય છે. એટલી એનર્જી ન હોય કે નીચે જઈને બીજાં બાળકો સાથે રમે. એટલે ઘરમાં એ રીતે તેનો ટાઇમ પસાર કરે છે. તે નથી ટીવી જોતી કે નથી મોબાઇલ યુઝ કરતી. તેનું સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ છે એ હું જ હૅન્ડલ કરું છું. તેને ઘણી વાર મોબાઇલમાં સ્ક્રૉલ કરવાનું મન થાય તો મને કહે. એટલે અમે બન્ને સાથે મળીને અડધો કલાક માટે મોબાઇલ યુઝ કરીએ.’

ફૅમિલી બૅકગ્રાઉન્ડ

કહાન તેનાં દાદા-દાદી અને મમ્મી-પપ્પા સાથે રહે છે. પરિવાર વિશે માહિતી આપતાં હિરલબહેન કહે છે, ‘કહાનના દાદા હરખચંદ સાવલા જીવનજ્યોત કૅન્સર રિલીફ ઍન્ડ કૅર ટ્રસ્ટ ચલાવે છે, જે કૅન્સર પેશન્ટ્સ માટે કામ કરે છે. અમારા સમાજના તેઓ મોભી છે. કહાનનાં દાદી નિર્મલાબહેન આ ઉંમરે પણ ઘરની જવાબદારી સંભાળે છે કારણ કે મારો મોટા ભાગનો સમય કહાન પાછળ જ જાય છે. કહાનના પિતા અને મારા પતિ ચિંતનનો પોતાનો હાઉસહોલ્ડ ક્લીનિંગ ઇક્વિપમેન્ટ બિઝનેસ છે. કહાનનો સ્વભાવ ખૂબ મળતાવડો છે. કહાનને દાદા-દાદી સાથે સમય પસાર કરવો ગમે. ફૅમિલી ફંક્શનમાં પણ ગયા હોઈએ તો ત્યાં તે સગાંસંબંધીઓ સાથે વાતચીત કરે.’

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 08:39 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK