કહું શું? કદી તારે ચરણે નમી, ખરેલું મને મારું પાનું મળે! ખબર છે તને મારી ખાતાવહી, છતાં જો તો, લેણું કશાનું મળે
પ્રતીકાત્મક તસવીર
ઉર્દૂમાંથી આવેલો ખબર શબ્દ ગુજરાતીમાં સહજ રીતે ભળી ગયો છે. આપણી ભાષા લવચીક રહી છે. એમાં અન્ય ભાષાના શબ્દો ઉમેરાતા રહ્યા છે અને સ્વીકારાતા રહ્યા છે. અખબારો અને અન્ય વિજાણુ માધ્યમોને કારણે આપણે અપડેટ રહી શકીએ છીએ. દુનિયામાં રહેવું હોય તો દુનિયાની ખબર રાખવી પડે. કવિ મુકુલ ચોકસીની ખુમારી તો મૂળથી પણ આગળ લઈ જાય છે...
બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
ADVERTISEMENT
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?
‘શાન’ ફિલ્મના અત્યંત લોકપ્રિય થયેલા ગીતમાં એક પંક્તિ હતી : નામ અબ્દુલ હૈ મેરા સબકી ખબર રખતા હૂં. પત્રકારોનું કામ ખબર આપવાનું હોય છે. આ ખબરની લાંબી-ટૂંકી શું અસર પડશે એ વાત તંત્રીલેખમાં વણી લેવાય અને વિસ્તૃત લેખ સામયિકોમાં છપાય. ખબરની મહત્તાના આધારે એનું પૃથક્કરણ થાય. પ્રવીણ શાહ ઘરના અને બહારના જગતને આવરી લે છે...
રૂખ હવાની જોઈ ચાલે મ્હેક પણ
થઈ જમાનાથી અલગ, જીવાય નહીં
એક નાના બાળને પણ છે ખબર
‘મા’ની પકડી આંગળી, છોડાય નહીં
દરેક જીવને ઈશ્વરે આગવી સૂઝ આપી છે. હમણાં નૅશનલ પાર્કમાં સિલોન્ડા ટ્રેઇલની મુલાકાતે જવાનું થયું. એમાં કીડીના રાફડાની સંરચના વિશે જાણવા મળ્યું. રાણી કીડી, કામગાર કીડી, સૈનિક કીડી વગેરે અલગ-અલગ વિભાગ હોય છે. રાણીનું કામ વંશ આગળ વધારવાનું હોય. જરા ખતરો લાગે તો સૈનિક કીડી રક્ષણાર્થે મોરચો સંભાળી લે છે. પ્રકૃતિની ગોદમાં જઈએ તો આવાં અનેક રહસ્યો આપણને અચંબિત કરી મૂકે. આપણે ઘણું જાણીએ છીએ છતાં નથી જાણતા એવું ભાવેશ ભટ્ટ કહે છે...
રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી
થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાંની ખુમારી?
આપણી સંવેદના ખબરઅંતર પૂછવાની હોવી જોઈએ, કોઈની ખબર લઈ નાખવાની નહીં. દ્વેષ સરવાળે નુકસાન જ કરે છે. સામાવાળાને કેટલું કરે છે એ ખબર નથી, પણ આપણને તો કરે જ છે. સર્વનું શુભ ઇચ્છવાની ભાવના હવે સુભાષિતોમાં જ રહી ગઈ છે. સ્વાર્થ આગળ સંવેદના માથું ટેકવી દે છે. વિનોદ ગાંધી વાસ્તવિક જગતની વાત કરે છે...
કોને ખબર કે ફૂલો પીળાં થતાં જશે?
ચહેરાઓ આ બધાએ વીલા થતા જશે?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રૉસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે?
ઘણી વાર ખબર મળે પણ એ સાચી છે કે ખોટી એની અસમંજસ રહે. અત્યાચારની કોઈ ઘટના અફઘાનિસ્તાનની હોય પણ એ ભારતમાં બની હોય એવું દર્શાવીને ધર્મના નામે પ્રજાને ઉશ્કેરવામાં આવે. કાશ્મીરમાં અફવાઓના માધ્યમથી અરાજકતા ફેલાવવાના અનેક પ્રયાસો દેશવિરોધી તત્ત્વો સતત કરતાં રહ્યાં છે. આવા લોકોનો હિસાબ શાસકોએ કરવો જ પડે. કવિ મકરંદ દવે હિસાબમાં પણ હેતનો અણસારો આપે છે...
કહું શું? કદી તારે ચરણે નમી
ખરેલું મને મારું પાનું મળે.
ખબર છે તને મારી ખાતાવહી
છતાં જો તો, લેણું કશાનું મળે
જિંદગીમાં લેણદેણ સતત ચાલતી રહે છે. અહીં સંદર્ભ માત્ર આજીવિકાનો નથી, સંબંધનો પણ છે. જેના પર પારાવાર વિશ્વાસ હોય એવું કોઈ સ્વજન વર્ષો પછી આપણને છેતરી જાય ત્યારે છળી જવાય. સારપ કર્યા પછી ભૂલી જવાની હોય, પણ એનો દુરુપયોગ ન થાય એ બાબતે પણ સતર્ક રહેવું પડે. મનોજ ખંડેરિયાની પંક્તિમાં ખેદ અને અફસોસ વર્તાશે...
કૈં યુગોથી છું સફરમાં તોય પ્હોંચાયું નહીં
કેડી રોકાતી રહી કે હું - ખબર પડતી નથી
ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ
આંખ સુકાતી રહી કે હું - ખબર પડતી નથી
લાસ્ટ લાઇન
ફૂલોની સાથે ખાર હશે, ક્યાં ખબર હતી
વ્હાલપમાં છૂપો વાર હશે, ક્યાં ખબર હતી
એણે દીધેલ ઘાવ રુઝાયા નથી હજી
સંજોગ ધારદાર હશે, ક્યાં ખબર હતી
હોવાપણું આ કેવું! કે ઊંચકી શકો નહીં
ખાલીપણાનો ભાર હશે, ક્યાં ખબર હતી
કાંટા તો રાહમાં હતા, ઘાયલ થયું હૃદય
મિત્રો જવાબદાર હશે, ક્યાં ખબર હતી
લાગ્યું હૃદય ભીતર છે સલામત ઘણુંબધું
પણ ત્યાંય રાઝદાર હશે, ક્યાં ખબર હતી
જ્યાં રોગના ઇલાજની આશા હતી ઘણી
એ વૈદ્ય ખુદ બીમાર હશે, ક્યાં ખબર હતી
પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું
એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી
કિરણ જોગીદાસ ‘રોશન’

