રાજ કપૂરની જેમ શમ્મી કપૂર વિશે વિસ્તારથી લખો. એ કોશિશ ભવિષ્યમાં કરીશું. આજે ‘The Rebel Star’ તરીકે જાણીતા શમ્મી કપૂરના જીવનના ઓછા જાણીતા કિસ્સાઓ શૅર કરું છું.
રાજ કપૂર, શમ્મી કપૂર
શમ્મી કપૂરના પુત્ર આદિત્યરાજ કપૂર સાથેની મારી મુલાકાતોમાં તેમના પિતાના જીવનની અનેક ઘટનાઓ જાણવા મળી. થોડા મહિના પહેલાં કપૂર પરિવાર વિશે થોડી યાદો તાજી કરી ત્યારે વાચકમિત્રોની ફરમાઈશ આવી કે રાજ કપૂરની જેમ શમ્મી કપૂર વિશે વિસ્તારથી લખો. એ કોશિશ ભવિષ્યમાં કરીશું. આજે ‘The Rebel Star’ તરીકે જાણીતા શમ્મી કપૂરના જીવનના ઓછા જાણીતા કિસ્સાઓ શૅર કરું છું.
તેમનો જન્મ મુંબઈમાં થયો પરંતુ બાળપણ કલકત્તામાં વીત્યું કારણ કે પિતા પૃથ્વીરાજ કપૂર મુંબઈ છોડી કલકત્તા શિફ્ટ થયા. એ દિવસોમાં તેઓ આજુબાજુનાં શહેરોમાં નાટકો કરતા અને બંગાળી ફિલ્મોમાં અભિનેતા તરીકે પગભર થવાની કોશિશ કરતા. થોડાં વર્ષો બાદ તેઓ મુંબઈ પાછા ફર્યા અને માટુંગામાં ફ્લૅટ ભાડે લીધો. એ ગલીને લોકો ‘હૉલીવુડ લેન’ તરીકે ઓળખતા કારણ કે ફિલ્મો સાથે સંકળાયેલા અનેક કલાકાર-કસબીઓ ત્યાં રહેતા. એ ગલીમાં જે એક જ પરિવાર પાસે ગાડી હતી એ હતો કપૂર પરિવાર.
ADVERTISEMENT
શમ્મી કપૂર મુંબઈમાં ન્યુ એરા સ્કૂલમાં ભણતા. નાનપણથી સ્પોર્ટ્સમાં ઍક્ટિવ, પણ ખૂબ તોફાની. (જાણીતા મેન્ડોલિનવાદક કિશોર દેસાઈ પણ એ સ્કૂલમાં ભણતા. મને કહે, ‘શમ્મી કપૂર એટલે ધમાલ અને તોફાન. એક દિવસ ક્લાસમાં આગળ બેઠેલી છોકરીના વાળ ચૂપચાપ કાતરથી કાપી નાખ્યા. પ્રિન્સિપાલે પૃથ્વીરાજ કપૂરને સ્કૂલમાં બોલાવી ચેતવણી આપતાં કહ્યું કે હવે જો આવી કોઈ હરકત કરશે તો ડિસમિસ કરવામાં આવશે.) મેટ્રિક પછી તે રુઇયા કૉલેજમાં સાયન્સ વિભાગમાં દાખલ થયા, પરંતુ મોટા ભાગનો સમય સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં ગાળે. પહેલું કારણ એ કે સ્કૂલના મિત્રો ત્યાં દાખલ થયા હતા અને બીજું, અહીં સ્પોર્ટ્સની ખૂબ ઍક્ટિવિટી થતી. ખાસ કરીને ટેબલટેનિસની જેમાં શમ્મી કપૂર માહેર હતા.
બે વર્ષ કૉલેજમાં ગાળ્યા બાદ શમ્મી કપૂર બોર થઈ ગયા અને કૉલેજ છોડી દીધી. પાપાજીને કહે, ‘મારે નાટકોમાં કામ કરવું છે.’ જવાબ મળ્યો, ‘તું કપૂર ખાનદાનનો દીકરો છે પણ અહીં નોકરી કરવી પડશે, મહેનત કરવી પડશે. પગાર મળશે મહિનાના ૫૦ રૂપિયા.’ શમ્મી કપૂરે હા પાડી અને તેમની નાટકોમાં અભિનય કારકિર્દીની શરૂઆત થઈ.
નાનપણમાં શમ્મી કપૂરને ફિલ્મો અથવા સંગીતમાં રસ નહોતો. તેમને સ્પોર્ટ્સમૅન બનવું હતું. તેમના જીવનમાં સંગીત કઈ રીતે આવ્યું એ કિસ્સો મજેદાર છે. જ્યારે તે સ્કૂલમાં હતા ત્યારે રાજ કપૂરની ‘બરસાત’નું શૂટિંગ ચાલતું હતું. એક દિવસ તે સ્ટુડિયો ગયા. જોયું તો નર્ગિસ મેકઅપ રૂમમાં બેસીને રડતી હતી. તેમણે કારણ પૂછ્યું તો કહે, ‘મારા ઘરવાળા મને રાજ કપૂર સાથે કામ કરવાની ના પાડે છે. મેં ‘આવારા’ની સ્ટોરી સાંભળી છે. મારે એમાં કામ કરવું છે. પ્લીઝ, મારા માટે ભગવાન પાસે પ્રાર્થના કર કે ઘરવાળા માની જાય. જો મારી ઇચ્છા પૂરી થશે તો ‘I will give you a kiss.’
કિશોર વયના શમ્મી કપૂરે ભોળાભાવે કહ્યું, ‘હું ચોક્કસ તમારા માટે પ્રાર્થના કરીશ.’
કૉલેજ છોડી ૧૯ વર્ષના શમ્મી કપૂરે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ‘આવારા’નું શૂટિંગ ચાલતું હતું. એક દિવસ તે સ્ટુડિયોમાં કામ માટે ગયા ત્યારે શૉટ પૂરો કરીને નર્ગિસ બેઠી હતી. તેણે યુવાન શમ્મી કપૂરને જોયા એટલે ભાગતાં-ભાગતાં કહે, ‘No way I am going to give you a kiss.’
મસ્તીખોર શમ્મી કપૂરે થોડો સમય નર્ગિસની પાછળ-પાછળ ભાગવાનું નાટક કર્યું. અંતે થાકીને નર્ગિસ કહે, ‘એના બદલામાં તારે જે જોઈએ એ હું આપીશ.’
શમ્મી કપૂર કહે, ‘મને ગ્રામોફોન જોઈએ છે.’ (તેમને સંગીત સાંભળવું ગમતું, પણ ૫૦ રૂપિયાના પગારમાં ગ્રામોફોન લેવાની હેસિયત નહોતી)
નર્ગિસ કહે, ‘ચાલ, હમણાં જ અપાવું.’
બન્ને નર્ગિસની સ્પોર્ટ્સ કારમાં બેસી અડધા કલાકમાં ચેમ્બુરથી ચર્ચગેટ એચ. એમ. વી. ની દુકાને પહોંચ્યા. લાલ, પીળા, બ્લુ અનેક કલરના ગ્રામોફોન જોઈ શમ્મી કપૂર મૂંઝવણમાં પડ્યા કે કયો કલર લેવો? છેવટે લાલ કલર પસંદ કરીને ૪૫૦ રૂપિયાનું ગ્રામોફોન જ્યારે હાથમાં આવ્યું ત્યારે રાજીના રેડ થઈ ગયા. ત્યાં તો નર્ગિસ કહે, ‘ચાલ, રેકૉર્ડસની દુકાને. તને ગમતી ૨૦ રેકૉર્ડ્સ પસંદ કરી લેજે.’
શમ્મી કપૂર માટે તો આ સપના જેવી વાત હતી. તેમણે રંબા, સંબા, જિપ્સી, જૅઝ સંગીતની વિદેશી રેકૉર્ડ્સ પસંદ કરી. એ દિવસથી તેમના તનમનમાં લય અને સંગીતે ઘર કર્યું.
પૃથ્વી થિયેટર્સનાં નાટકોમાં કામ કરતા શમ્મી કપૂરનો ‘પઠાણ’માં બહાદુરખાનનો અભિનય જોઈ મહેશ કૌલ પ્રભાવિત થયા અને ૨૦ વર્ષના શમ્મી કપૂરને ‘જીવન જ્યોતિ’માં (૧૯૫૩) ચાંદ ઉસ્માની સામે હીરોનો રોલ આપ્યો. દૂબળા-પાતળા, તલવાર કટ મૂછો રાખતા શમ્મી કપૂરની ત્યાર બાદની ‘રેલ કા ડિબ્બા’, ‘ઠોકર’, ‘લૈલા મજનૂ’, ‘નકાબ,’ ‘ડાકુ’, ‘મિસ કોકાકોલા’ અને બીજી અનેક મળીને ૧૭ ફિલ્મો ફ્લૉપ ગઈ. એ દરમ્યાન ૨૩ વર્ષે ગીતા બાલી સાથે તેમનાં લગ્ન થયાં. પૃથ્વીરાજ કપૂરનો પુત્ર અને રાજ કપૂરનો ભાઈ, આ લેબલ સાથે શમ્મી કપૂરને જીવવું નહોતું. પોતાની ઓળખ બનાવવાની જહેમત ચાલતી હતી ત્યારે પત્ની ગીતા બાલીએ એક ફ્રેન્ડ, ફિલોસૉફર ઍન્ડ ગાઇડની જેમ સલાહ આપી, ‘તારે કેવળ અભિનયમાં નહીં, દેખાવમાં પણ કંઈક નવું કરવું પડશે.’
એ દિવસોમાં ફિલ્મોના ત્રણ મહારથી હતા દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર. બાકીના હીરોની ખાસ કોઈ ગણના નહોતી. શમ્મી કપૂરે આ સૌથી એક અલગ ઇમેજ બનાવવાની કોશિશ કરી જેમાં ગીતા બાલીનો ભરપૂર સહયોગ અને પ્રોત્સાહન મળ્યું. હીરોની ચીલાચાલુ સાફસૂથરી, ગુડી ગુડી ઇમેજને તોડીને લાઉડ, ઉછાંછળી, મસ્તીખોર ઇમેજ ઊભી કરવાનો તેમનો પહેલો જ પ્રયાસ જે ફિલ્મમાં સફળ રહ્યો એ હતી ‘તુમસા નહીં દેખા’ (૧૯૫૭). ભારે માત્રામાં બિઅરનું સેવન કરીને વજન વધારેલા અને મૂછો મુંડાવીને સ્માર્ટ દેખાતા શમ્મી કપૂર યુવાનોમાં લોકપ્રિય થયા. ત્યાર બાદ ‘દિલ દે કે દેખો’ (૧૯૫૯), ‘જંગલી’ (૧૯૬૧) આ બે ફિલ્મો દ્વારા શમ્મી કપૂરને ‘The Rebel Star’નું લેબલ મળ્યું. એ પછી શમ્મી કપૂર બ્રૅન્ડની ‘બદતમીઝ’, ‘પ્રોફેસર’, ‘જાનવર’, ‘રાજકુમાર’ જેવી અનેક ફિલ્મોએ ઇતિહાસ રચ્યો.
શમ્મી કપૂરની ઇચ્છા હતી કે જીવનમાં રાજ કપૂર, દિલીપકુમાર અને અશોકકુમાર સાથે કમ સે કમ એક ફિલ્મમાં કામ કરવા મળે. તેમને ‘ચાર દિલ ચાર રાહેં’માં રાજ કપૂર સાથે અને ‘વિધાતા’માં દિલીપકુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો, પણ અશોકકુમાર સાથે એ મોકો કેવી રીતે મળ્યો અને એ તેમના માટે કેટલો મહત્ત્વનો હતો એ વાત રસપ્રદ છે.
આ કિસ્સો એ દિવસોનો છે જ્યારે શમ્મી કપૂરની હીરો તરીકેની કારકિર્દી પૂરી થઈ હતી. ત્રણે કપૂર ભાઈઓ પરિવાર સહિત ઉત્તર ભારત યાત્રા માટે નીકળ્યા હતા. દિલ્હી ઍરપોર્ટ પર શમ્મી કપૂરને જોઈને લોકો ‘પાન પરાગ, પાન પરાગ’ની બૂમો મારવા માંડ્યા. આ સાંભળી શમ્મી કપૂરે વિજયી મુદ્રામાં સૌનું અભિવાદન કર્યું. (એ સમયે શમ્મી કપૂર અને અશોકકુમારની પાન પરાગની જાહેરાત ખૂબ જાણીતી હતી.)
આ દૃશ્ય જોઈ રાજ કપૂરના ચહેરા પર અણગમો છવાઈ ગયો. ગુસ્સાના સ્વરમાં તેમણે શમ્મી કપૂરને કહ્યું, ‘તારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ.’
મોટા ભાઈની ગુસ્સો ભરેલી મુખમુદ્રા જોઈ શમ્મી કપૂરે ધીમેથી કહ્યું, ‘મેં એવું શું કર્યું છે?’
આક્રોશથી રાજ કપૂરે કહ્યું, ‘પૂરી જિંદગી દુનિયાભરમાં તું ‘યાહુ’ ઇમેજથી ઓળખાય છે. આજે એ ભૂલીને લોકો તને ‘પાન પરાગ’ જેવી જાહેરાતથી યાદ કરે છે એમાં તું કેટલો ખુશ થઈ ગયો? મારા હિસાબે તો તારી દુર્દશા જેવી આ ઘટના અત્યંત પીડાદાયક છે.’
નિરાંતનો શ્વાસ લેતાં શમ્મી કપૂર બોલ્યા, ‘ઓહ, તો એમ વાત છે. મારા હિસાબે એમાં કોઈ નીચાજોણું નથી. જીવનભર હું દાદામુનિ સાથે કામ કરવાની રાહ જોતો હતો, પણ એ મોકો આવ્યો જ નહીં. એટલે જ્યારે તેમની સાથે જાહેરખબરમાં કામ કરવાની ઑફર આવી ત્યારે મેં તરત હા પાડી. તેમની સાથે કામ કરવું એ મારા માટે એક અવસર હતો. લોકો ભલે મને ‘પાન પરાગ’થી ઓળખે, મને કોઈ વાંધો નથી.’
જીવનમાં એક સમય આવે છે જ્યારે આપણે ઊભા રહીને નવી પ્રતિભાઓને રસ્તો આપવાનો હોય છે. શમ્મી કપૂરમાં એ સૂઝબૂજ હતી. યોગ્ય સમયે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. થોડાં વર્ષો બાદ ચરિત્ર ભૂમિકાઓ કરી અને અંતે અભિનયની દુનિયાને રામ-રામ કરીને એ સમયે નવી આવેલી ઇન્ટરનેટની દુનિયામાં ડૂબી ગયા.
કાબેલિયત અને કામિયાબી જિંદગીના સ્ટેશન પર સામસામે આવેલાં બે પ્લૅટફૉર્મ છે. એ બેની વચ્ચે કર્મના પાટા છે. જે દિવસે નસીબની ગાડી આ પાટા પર ચાલવા માંડે ત્યારે જિંદગીને એક નવી દિશા મળી જાય. શમ્મી કપૂરે પોતાના કર્મના જોરે જીવનને એક નવી દિશા અને દશા આપી એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો.

