ટેક-ઑફની ત્રણ જ સેકન્ડમાં ફ્યુઅલ-સપ્લાય અટકી ગઈ, બન્ને એન્જિન બંધ થઈ ગયાં : હવામાં ૩૨ સેકન્ડ રહ્યા બાદ વિમાન તૂટી પડ્યું : અમદાવાદના પ્લેન-ક્રૅશનાં કારણો દર્શાવતા પ્રારંભિક રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો
ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર
પ્લેનના ટેક-ઑફ પછી એક જ સેકન્ડમાં બન્ને એન્જિનની ફ્યુઅલ સ્વિચ રનથી કટઑફ મોડમાં કેવી રીતે જતી રહી?
અમદાવાદ પ્લેન-ક્રૅશની તપાસના પ્રારંભિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બન્ને એન્જિન બંધ થઈ ગયા પછી એક ફરી શરૂ થયું હતું
ADVERTISEMENT
અમદાવાદમાં ૧૨ જૂને ઍર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ક્રૅશ થવા વિશે ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે અકસ્માતનું કારણ એન્જિનમાં ફ્યુઅલનો કાપ હતો. બેઉ પાઇલટ્સ વચ્ચે ફ્યુઅલ બંધ થવા વિશે વાતચીત થઈ હતી. AAIBના પ્રાથમિક અહેવાલમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ઍર ઇન્ડિયાનું વિમાન ટેક-ઑફ થયાની માત્ર ૩૨ સેકન્ડ પછી આગનો ગોળો બની ગયું હતું. ટેક-ઑફ થયા પછી તરત જ વિમાનનાં બન્ને એન્જિન બંધ થઈ ગયાં હતાં, જેને કારણે આ અકસ્માત થયો હતો. આમ આ સંભવિત ટેક્નિકલ ખામી હોઈ શકે છે.
બેઉ પાઇલટ્સે શું વાત કરી?
કૉકપિટ વૉઇસ રેકૉર્ડરમાં એન્જિન બંધ થવા વિશે પાઇલટ અને કો-પાઇલટ વચ્ચેની વાતચીતનો સમાવેશ થાય છે. પાઇલટ સુમિત સભરવાલે તેમના કો-પાઇલટ ક્લાઇવ કુંદરને પૂછ્યું હતું કે તમે એન્જિનનું ફ્યુઅલ કેમ બંધ કર્યું? એના જવાબમાં કુંદરે કહ્યું હતું કે મેં એવું નથી કર્યું.
પાઇલટ સુમિત સભરવાલ
કો-પાઇલટ ક્લાઇવ કુંદર
બન્ને એન્જિન બંધ થઈ ગયાં
વિમાન ટેક-ઑફ થયાની થોડી સેકન્ડ પછી વિમાનનાં બન્ને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયાં હતાં એને કારણે વિમાન ક્રૅશ થયું હતું. વિમાને ૧૮૦ નૉટની મહત્તમ દર્શાવેલી ઍરસ્પીડ પ્રાપ્ત કર્યા પછી તરત જ એન્જિન-1 અને એન્જિન-2ની ફ્યુઅલ સ્વિચો ‘રન’થી ‘કટ ઑફ’ સ્થિતિમાં આવી ગઈ હતી. આ ઘટનાક્રમ ફક્ત એક સેકન્ડના સમયગાળામાં બન્યો હતો. ફ્યુઅલ બંધ થતાં બન્ને એન્જિનો N1 અને N2ની ગતિ ઝડપથી ઘટવા માંડી હતી.
એક એન્જિન ફરી શરૂ થયું
પાઇલટ્સે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એન્જિન-1 ફરીથી શરૂ થયું, પરંતુ એન્જિન-2 શરૂ થઈ શક્યું નહોતું. ત્યાર બાદ એ મેડિકલ કૉલેજ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. વિમાન માત્ર ૩૨ સેકન્ડ હવામાં હતું.
ઍર ઇન્ડિયા પ્લેન-ક્રૅશની મહત્ત્વની વાતો
૧. ટેક-ઑફ પછી ૩ સેકન્ડમાં બન્ને એન્જિન બંધ થઈ ગયાં. એક પછી એક ફ્યુઅલ-સ્વિચ RUNથી CUTOFF પર ફેરવાઈ ગઈ.
૨. કૉકપિટ રેકૉર્ડિંગમાં એક પાઇલટે પૂછ્યું, ‘તેં એન્જિન બંધ કેમ કર્યું?’ બીજાએ કહ્યું, ‘મેં નથી કર્યું.’
૩. રૅમ ઍર ટર્બાઇન (RAM) શરૂ થયું હતું જે દર્શાવે છે કે પ્લેન સંપૂર્ણપણે પાવર ગુમાવી ચૂક્યું હતું. એ CCTV કૅમેરામાં જોવા મળ્યું હતું.
૪. એન્જિનને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એન્જિન-1 થોડું સારું થયું, પરંતુ એન્જિન-2 શરૂ ન થઈ શક્યું.
૫. પ્લેન માત્ર ૩૨ સેકન્ડ હવામાં રહ્યું. એ પછી રનવેથી ૦.૯ નૉટિકલ માઇલ દૂર એક હૉસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું અને પડી ગયું.
૬. વિમાનને ગતિ આપતું થ્રસ્ટ લીવર ઓછી ગતિ પર હતું, પરંતુ બ્લૅક બૉક્સ મુજબ ટેક-ઑફ માટે સંપૂર્ણ પાવર લાગુ કરવામાં આવ્યો હતો, એટલે કે સિસ્ટમમાં કોઈક સમસ્યા હતી.
૭. ફ્યુઅલ-ચેક સાફ બહાર આવ્યું, કોઈ ખામી મળી નહોતી.
૮. ટેક-ઑફ સમયે ફ્લૅપ્સ અને લૅન્ડિંગ ગિઅર સારી સ્થિતિમાં હતાં.
૯. કોઈ પક્ષી અથડાયું નહોતું અને હવામાન સ્વચ્છ હતું, હળવો પવન અને સારી વિઝિબિલિટી હતી.
૧૦. બન્ને પાઇલટ સ્વસ્થ અને અનુભવી હતા. કોઈ થાક કે ભૂલ જોવા મળી નહોતી.
૧૧. કોઈ કાવતરું કે હુમલો જોવા મળ્યો નહોતો. અમેરિકન એજન્સીએ ચેતવણી આપી હતી કે ફ્યુઅલ-સ્વિચમાં ખામી હોઈ શકે છે. ઍર ઇન્ડિયાએ એની તપાસ કરી નહોતી.
૧૨. વિમાનનું વજન અને સામાન નિયમ મુજબનાં હતું. કોઈ ખતરનાક વસ્તુઓ નહોતી.
૧૫ પાનાંના રિપોર્ટને આસાન ભાષામાં સમજો
૧.
ઉડ્ડયનની ૩ સેકન્ડ બાદ ફ્યુઅલ બંધ થઈ ગયું. રૅમ ઍર ટર્બાઇન ઑન થયું. એન્જિન સ્ટાર્ટ કરવાનો પ્રયાસ.
૨.
સૌથી પહેલાં વિમાન ઝાડ સાથે ટકરાયું. મુખ્ય હિસ્સો બિલ્ડિંગમાં ઘૂસી ગયો. બે એન્જિન, લૅન્ડિંગ ગિઅર, વિન્ગ્સ અને ટેઇલનો હિસ્સો આસપાસનાં બિલ્ડિંગ પર પડ્યાં.
૩.
કૉકપિટ, વિન્ડશીલ્ડ અને ફ્લૅપ લિવર ૬૫૦ ફુટ દૂરથી મળ્યાં.
૪.
તપાસમાં છેલ્લી મિનિટોના રેકૉર્ડિંગમાં ફ્યુઅલ-કટ વિશે પાઇલટ્સની વાતચીત.
૫.
ઉડ્ડયનની ૩ સેકન્ડમાં ફ્યુઅલ કટ-ઑફ થયું. એ પછીની ૨૯ સેકન્ડમાં વિમાન ક્રૅશ થયું હતું.
૬.
પાઇલટે મે-ડે કૉલ આપ્યો હતો.
૭.
અૅર ટ્રાફિક કન્ટ્રોલે કૉલ-સાઇન પૂછ્યું, જવાબ ન મળ્યો. ૬૨૫ ફુટની ઊંચાઈએથી વિમાન પડ્યું હતું.
૮.
ફ્યુઅલ કટ-ઑફ કેવી રીતે થયું, માનવીય ભૂલ કે ટેક્નિકલ ભૂલ એ સવાલનો જવાબ બાકી છે.

